માસૂમના માવતર મળ્યા:બાળકનું નામ શિવાંશ છે, પિતા સચિન બાળકને મુકી રાજસ્થાન ભાગી ગયો હતો, બાળક સચિનની પત્નીનું નથી: ગૃહમંત્રી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • બાળકના માતા-પિતાને શોધવા પોલીસની 14 અલગ ટીમો કામે લાગી હતી:ગૃહમંત્રી
  • સીસીટીવીના આધારે પોલીસ મૂળ કડી સુધી પહોંચી
  • ખૂદ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ખડેપગે મોરચો સંભાળ્યો

ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો. આ સમગ્ર મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, આ બાળકના માતા-પિતાને શોધવા માટે જિલ્લાની વિવિધ 14 ટીમોએ કામગીરી હાથ ધરી હતી. CCTV થી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. વાહન રજિસ્ટ્રેશન નંબરથી માલિકના ઘર સુધી પહોંચવામાં પોલીસને મદદ મળી. આ બાળકનું નામ શિવાંશ છે અને તેની ઉંમર 8 થી 10 માસનો છે. પિતા સચિન બાળકને મુકી રાજસ્થાન ભાગી ગયો હતો, જેણે ચાર-પાચ કલાકમાં ગાંધીનગર લવાશે.

190થી વધુ પરિવારોએ શિવાંશને દત્તક લેવા કહ્યુંઃ ગૃહ મંત્રી
ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, બાળક સચિનની પત્નીનું નથી. સચિનને રાજસ્થાનથી ગાંધીનગર લાવ્યાં બાદ સમગ્ર મામલો સામે આવશે. જનતા પાર્ટીના કોર્પોરેટર યશોદા બનીને આ બાળકને તેના માતાએ જેટલો પ્રેમના આપ્યો હોય એ પ્રકારનો પ્રેમ આપ્યો હતો. બાળકના પિતા વડોદરાની ઓઝોન ઓવરસિઝ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર છે. 190થી વધુ પરિવારોએ બાળકને દત્તક લેવા માટે કીધુ હતું. આખી રાત પોલીસ-મીડિયાએ મહેનત કરી હતી. પેથાપુરના નાગરિક તપાસમાં જોડાયા હતા.કોર્પોરેટર દીપ્તિબેને યશોદા બની બાળકને પ્રેમ આપ્યો.બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યાં સુધી બાળકને માતાની જેમ પ્રેમ આપ્યો. અલગ અલગ કુલ 14થી વધુ ટીમ બનાવવામાં આવી હતી. માતા પિતાને શોધવાનું કામ કર્યું. પોલીસની ટીમને અભિનંદન પાઠવું છું

સચિનને રાજસ્થાનના કોટામાંથી ઝડપ્યો
માસૂમ સ્મિતના પિતા અંગે જાણવા મળતી વિગતો અનુસાર, બાળકના પિતા સચિન દિક્ષિત મૂળ ઉત્તરપ્રદેશનોવતની છે અને ગાંધીનગરમાં ડી-35, સેક્ટર-26માં ગ્રીનસિટી સોસાયટી રહે છે. તે વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બાળકને તરછોડ્યા બાદ તે રાજસ્થાન તરફ ભાગી ગયો હતો અને પોલીસે તેની રાજસ્થાનના કોટામાંથી ઝડપ્યો છે. હાલ તેના ઘરે કોઇ ન હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છેકે, વાલી-વારસોને શોધવા માટે પોલીસની 14 ટીમ તૈયાર કરાઈ હતી, જેમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની ટીમ તથા મહિલા પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

બાળકને તરછોડ્યા બાદ પરિવાર ગાયબ
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે, આ દિક્ષિત દંપતી સેક્ટર 26માં આવેલી ગ્રીનસિટી સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહે છે અને બાળકને તરછોડ્યા બાદ પરિવારના ચાર સભ્યો ઘરે તાળું મારીને જતાં રહ્યાં હતાં. પોલીસને પ્રાથમિક વિગતો મળ્યા બાદ ત્યાં પૂછપરછ માટે પહોંચી હતી, પરંતુ પાડોસીઓ તરફથી પણ પોલીસને સંતોષજનક જવાબ મળ્યો ન હતો.

દંપતીને પકડવા પોલીસ રાજસ્થાન પહોંચી
દંપતી અંગે હાલ પોલીસ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે મળેલી વિગતો અનુસાર એસઓજી પીઆઇ સચિન પવાર આ કેસની તપાસ કરી રહ્યાં છે. બાળકને તરછોડનારને પકડવા માટે પોલીસે 100થી વધુ ફૂટેજ ચેક કર્યા હતા. કાર ઘરેથી મળી આવી હતી. દંપતીને ગાંધીનગર લાવવામાં આવ્યા બાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડાના સુપરવિઝન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચના એચ પી ઝાલા, જે એચ સિંધવ, SOG પીઆઈ સચિન પવાર, સહિતની ટીમની સરાહનીય કામગીરી કરી છે.

સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે પોલીસને ગામડાંમાં મોકલાઈ
ગાંધીનગરનાં પેથાપુર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળાના દરવાજા પાસે ગઈકાલે રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઈસમ નાના બાળકને તરછોડી દઈ નાસી છૂટ્યો હતો. છેલ્લા બાર-તેર કલાકથી ગાંધીનગર પોલીસ બાળકના વાલી-વારસો મળી જાય એની તપાસમાં લાગી ગઈ હતી. વાલી-વારસોને શોધવા માટે પોલીસે 40 જેટલા સીસીટીવી ફૂટેજ એકઠા કર્યા હતા, જ્યારે 14 ટીમ તૈયાર કરાઈ હતી. સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે પોલીસને ગામડાંમાં પણ મોકલાઈ હતી.

રાજ્યમાં મિસિંગ બાળકોની માહિતી એકઠી કરવા 2 ટીમ કામે લાગી
આ ઉપરાંત ગુજરાતમાં મિસિંગ બાળકોની માહિતી એકઠી કરવા 2 ટીમ કામે લગાવવામાં આવી હતી, જ્યારે અન્ય રાજ્યમાં મળી આવેલાં બાળકોની મિસિંગ કમ્પ્લેન નોંધાઈ છે કે નહીં એની તપાસ પણ શરૂ કરાઈ હતી. પોલીસની 1 ટીમ તમામ રાજ્યોના પોલીસ કન્ટ્રોલ રૂમને બાળકની માહિતી પહોંચાડવા કાર્યરત કરાઈ હતી.

શુક્રવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં બાળક મળ્યું
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળાના સેવકને ગઈકાલે રાત્રે સાડાઆઠ-નવ વાગ્યાના અરસામાં દરવાજા પાસે બાળક રડતું હોવાનો અવાજ સંભળાયો હતો, જેથી તે દોડીને દરવાજા તરફ ગયો હતો. દરવાજા પાસે એક બાળક રડી રહ્યું હતું, આથી સેવકે તરત તેને તેડી લઈ શાંત રાખવાનો પ્રયાસ કરી આસપાસ તેના વાલી-વારસોને શોધ્યા હતા, પરંતુ કોઈ ચહલપહલ નહીં જણાતાં તેણે ગુરુકુળના સ્વામીને બાળક મળ્યાની જાણ કરી હતી.

સીસીટીવીમાં એક શખસ બાળકને મૂકીને નાસી જતો નજરે પડ્યો હતો
બાદમાં સ્વામીના કહેવાથી પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી, જેને પગલે પેથાપુર પોલીસ મથકના એએસઆઇ હર્ષરાજસિંહ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે ગુરુકુળના સીસીટીવી ચેક કરતાં એક શખસ બાળકને ઊંચકીને ગૌશાળામાં પ્રવેશી બાળકને મૂકીને નાસી જતો નજરે પડ્યો હતો. ત્યારે ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તેના વાલી-વારસોને શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...