તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણો દૂર:ગાંધીનગર પોલીસ હવે સરકારી જમીનમાં અડીંગો જમાવેલા ગેરકાયદેસર દબાણો શોધવાનું કામ પણ કરશે

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદેસર હાટડીઓ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બનતા પોલીસ દ્વારા દબાણનો સર્વે હાથ ધરાયો

ગાંધીનગરમાં સરકારી જમીનો પર તારની ફેનસિંગ કે દિવાલ તોડીને ચાની કીટલી, પાનના ગલ્લા સહિતના નાના મોટા દબાણો કરીને ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોવાનું પ્રકાશમાં આવતા હવે ગાંધીનગર પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણોનો સર્વે હાથ ધરીને પાંચ દિવસમાં રિપોર્ટ રજૂ કરી આવા દબાણો દૂર કરી દેવા માટે સંબંધિત વિભાગમાં પણ જાણ કરવા માટેના આદેશો નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આપી દેવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોનો રાફડો રાફડો ફાટયો હોવા છતાં માર્ગ મકાન વિભાગ, કોર્પોરેશન તંત્ર તેમજ વન વિભાગ દ્વારા આંખ આડા કાન કરીને દબાણકારો પ્રોત્સાહન આપવા આવી રહ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગાંધીનગરની સરકારી જમીનને સુરક્ષિત કરવા માટે સંબંધિત વિભાગો દ્વારા તારની ફેનસીંગ પાછળ લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવતું હોય છે. તેમ છતાં નાના મોટા ધંધાદારીઓ તારની ફેનસીંગ કે દિવાલ તોડી નાખીને સરકારી જમીન હડપ કરી લઈ ચાની કીટલી, પાનના ગલ્લા સહિતના વેપાર શરૂ કરી દેવામાં આવ્યા છે.

ઘણી જગ્યાએ ટેબલો ગોઠવીને ગેરકાયદેસર ધંધો કરવામાં આવી રહ્યો છે. જેનાં કારણે લોકોના 10થી 20ના ટોળામાં એકઠા થઈને કોરોના ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે. આવી જગ્યાઓ પર ગુનાહિત તત્વો પણ અડીંગો જમાવીને ગુનાહિત પ્રવૃતિઓ આચરતા હોય છે. તારની ફેનસીંગ કે દિવાલ તોડીને અંદર આવેલી ચાની કીટલી અને પાનના ગલ્લાનાં કારણે અસામાજિક તત્વોને મોકળુ મેદાન મળી જતું હોવાના કારણે પોતાની ગેંગ ઉભી કરીને ભવિષ્યમાં મોટા ગુનાને અંજામ આપી સમાજને નુકશાન રૂપ થવાની પૂરેપૂરી શકયતાઓ રહેલી છે.

જેનાં પગલે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના થી નાયબ પોલીસ અધિક્ષક એમ કે. રાણા દ્વારા પોતાના હસ્તકના સેકટર-21, સેકટર-07, દહેગામ, ચિંલોંડા, પેથાપુર, ડભોડા તેમજ રખીયાલ પોલીસ મથકની હદ વિસ્તારમાં સરકારી જમીન ઉપર ઉભા થઈ ગયેલા ગેરકાયદેસર દબાણોનો સર્વે કરીને પાંચ દિવસમાં તેનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો છે. તે સિવાય જે તે પોલીસ મથક હદ વિસ્તારની સરકારી જમીન પર ઊભા થયેલા દબાણો સંદર્ભે કોર્પોરેશન, માર્ગ મકાન વિભાગ તેમજ વન વિભાગ કે ગ્રામ પંચાયત હસ્તકની કચેરીઓને પણ દબાણોનું સરવૈયું મોકલી આપી ગેરકાયદેસર દબાણો બાબતે જરૂરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચના લેખિતમાં આપી દેવા માટેના પણ આદેશો આપવામાં આવ્યા છે.

ગાંધીનગરનાં ઉપરોક્ત આઠ પોલીસ મથકની પોલીસ દ્વારા પોતાની હદ વિસ્તારમાં ઉભા થઈ ગયેલા ગેરકાયદેસર દબાણોનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ઠેર ઠેર ઉભા થઈ ગયેલા સરકારી જમીનો પરના દબાણો બાબતે જે તે સંબંધિત વિભાગ દ્વારા કોઈ ફળદાયી કામગીરી કરવામાં નહીં આવતી હોવાથી હવે ગાંધીનગર પોલીસને પણ ગેરકાયદેસર દબાણ શોધી કાઢવાની કામગીરી કરવાની ફરજ પડી છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા સંબંધિત વિભાગોને ગેર કાયદેસર હાટડીઓનું લીસ્ટ આપવામાં આવશે જેની સામે વિભાગ કડક હાથે કાર્યવાહી કરશે કે કેમ એ આવનાર સમયમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...