પોલીસનું સેવાકાર્ય:​​​​​​​ગાંધીનગર પોલીસે શારીરિક કસોટી માટે આવતાં મહિલા ઉમેદવારો માટે ફિઝિયોથેરાપિસ્ટ તથા તેમનાં પરિવારજનો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી

અમદાવાદ2 મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • પોલીસે સ્પોન્ટર્ડની મદદથી ઉમેદવારોના પરિવારજનો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી

રાજ્યભરમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા ચાલી રહી છે. રાજ્યના અનેક મેદાનો પર ચાલી રહેલી આ ભરતી પરીક્ષામાં તમામ જિલ્લાઓમાંથી ઉમેદવારો પહોંચી રહ્યા છે. જેમાં ભરુચ, રાજકોટ, ગાંધીનગરના મેદાનમાં મહિલા ઉમેદવારોની કસોટી રાખવામાં આવેલી છે. મહિલા ઉમેદવારો સાથે તેમના પરિવારના સભ્યો પણ તેમની સાથે આવતા હોય છે, ત્યારે ગાંધીનગરમાં પોલીસ દ્વારા મહિલા ઉમેદવારો તથા તેમના પરિવારજનો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસે ઉપલબ્ધ કરાવી ફિઝિયોથેરાપિસ્ટની સુવિધા
લોકરક્ષક દળની ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ ભરતીના ઉમેદવારો માટે સ્વૈચ્છિક રીતે સેવાભાવથી ફિઝિયોથેરાપિસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે સ્પોન્સર્સની મદદથી પોલીસ ભરતીના મહિલા ઉમેદવારો સાથે આવતા પરિવારજનો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે.

આ 15 મેદાન પર શારીરિક કસોટી
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ગોંડલ, સોરઠ, રાજકોટ શહેર, ઉત્તર ગુજરાતમાં પોલીસ હેડક્વાર્ટર બનાસકાંઠા, પાટણ હેમચંદ્રાચાર્ય ગ્રાઉન્ડ, ગાંધીનગર જૂથ 12 ગ્રાઉન્ડ, વાવ જૂથ 11 ગ્રાઉન્ડ, મહેસાણા પોલીસ હેડક્વાર્ટર અને સાબરકાંઠા પોલીસ હેડક્વાર્ટર, મધ્ય ગુજરાતમાં નડિયાદ જૂથ 7, ખેડા- નડિયાદ પોલીસ હેડક્વાર્ટર, જૂથ 5 ગોધરા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં દોડની પરીક્ષા લેવાઈ રહી છે.

LRDમાં 9.46 લાખ ઉમેદવારો નોકરીની રેસમાં
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.

PSIમાં કેટલી જગ્યા માટે ભરતી
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.