પૂર્વ મેયરનું શક્તિ પ્રદર્શન:ગાંધીનગર ઉત્તર ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલનો પાંચ કિલોમીટર લાંબો રોડ શો, રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી

ગાંધીનગર3 મહિનો પહેલા

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટાબેન પટેલે આજે ભવ્ય રોડ શો યોજીને કલેકટર કચેરી, ખાતે નામાંકન પત્રક દાખલ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ હસમુખ પટેલ, મહાનગરના અધ્યક્ષ રુચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, અગ્રણીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પાંચ કિલોમીટર લાંબી રેલી
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલના ઉમેદવારી નોંધાવવાના પ્રસંગે શહેર ભાજપ કાર્યાલય સેકટર - 21 ખાતે કાર્યકર્તા મિલન સમારોહ યોજાયો હતો. ત્યારબાદ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકોની વિશાળ ઉપસ્થિતિમાં પ્રચંડ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાંચ કિલોમીટર લાંબી રેલી સેકટર - 21થી ભારે જનમેદની સાથે નીકળીને સેકટર - 21 શાક માર્કેટ, પંચદેવ મંદિર, ચ-6 ,ચ-7, ઘ-6 સર્કલથી ચરેડી થઈ પેથાપુર ચોકડી, ઘ-7 સર્કલ, ઘ-5 સર્કલ,ઘ-૪ અન્ડરપાસ,ઉમિયા માતાજી મંદિર થઈ કલેકટર કચેરી પહોંચી હતી. જ્યાં રીટાબેન પટેલે ઉમેદવારી નોંધાવી હતી. રેલીના સમગ્ર રૂટ દરમિયાન ઠેરઠેર ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલનું કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો, દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
રીટાબેન પટેલે પેથાપુર ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, ડૅ. મેયર પ્રેમલસિંહ ગોલ તથા ભાજપ પરિવારના સિનિયર અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઊંચાઈ ભલે ઓછી પણ જનતા માટેના લક્ષ્યાંક ઘણા ઊંચા: પૂર્વ મેયર
મહાનગરના પૂર્વ મેયર અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, તેમની ઊંચાઈ ભલે ઓછી હોય પણ ગાંધીનગરની જનતા માટેના લક્ષ્યાંક ઘણા ઊંચા છે. ભાજપ એક કાર્યપધ્ધતિને અનુસરીને ચાલનારો રાજકીય પક્ષ છે અને ભાજપનો એક એક કાર્યકર્તા પોતાની જવાબદારીને જાણે છે માટે આ ચૂંટણીમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની જનકલ્યાણની કામગીરી, સંગઠનની સુનિયોજિત વ્યવસ્થા, સૌ કાર્યકર્તા, શુભેચ્છક, સમર્થક ભાઈઓ બહેનોનો સહકાર અને જનતાના આશીર્વાદથી ગાંધીનગરમાં ભાજપનો ભવ્ય વિજય થશે.

આ બેઠક 2012માં અસ્તિત્વમાં આવી હતી
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 20 પુરુષ અને 3 મહિલા મળી કુલ 23 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 6 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. આ બેઠક 2012માં અસ્તિત્વમાં આવી હતી. 2012માં આ બેઠક પર ભાજપનો વિજય થયો હતો પરંતુ 2017માં કોંગ્રેસે આ બેઠક પર જીત હાંસલ કરી હતી. કોંગ્રેસના ડો. સી.જે. ચાવડાનો 4774 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 78206 મત મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...