ગાંધીનગર સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશવંત પટેલ ધ્વારા રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મનપા તંત્ર ધ્વારા શહેરમાં ઓક્સિજન પાર્ક બનાવવાની સાથે સૌર ઊર્જાના ઉત્પાદન માટે વિવિધ બગીચાઓમાં સોલાર પેનલો મૂકવામાં આવી છે. પરંતુ આ સોલાર પેનલમાંથી ઉત્પન્ન થતી વીજળીનું જોડાણ વીજ કંપની સાથે આપવાનું ઈજનેરી શાખા ભૂલી જતાં કોર્પોરેશન તંત્રને વીજ બિલમાં મહિને રૂ.10 લાખનું નુકસાન વેઠવાનો વખત આવ્યો છે.
આજે સ્થાયી સમિતીના ચેરમેન જશંતભાઈ પટેલે ઈજનેરી વિભાગના અધિકારીઓ તથા ઈજારાદારો સાથે રીવ્યૂ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં ચેરમેને જણાવ્યું હતું કે, કોર્પોરેશન હસ્તકના બગીચાઓમાં સોલાર ટ્રી તથા કચેરીઓ પર સોલાર પેનલ નાખવાનું કામ પૂર્ણ થયું છે. પરંતુ, ટોરેન્ટ પાવર કે યુ.જીવી.સીએલમાંથી જોડાણ કરવાની પ્રક્રિયા બાકી છે. તેને જલદી પૂર્ણ કરવા ચેરમેને સૂચના આપી હતી. વીજ કંપની સાથે જોડાણ બાદ મનપાને વીજ બિલમાં પ્રતિ માસ અંદાજે રૂ.10 લાખનો ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપા દ્વારા પાછલા પાંચ વર્ષથી મોટા પાયે બગીચાઓનું નવીનીકરણ હાથ ધરાયું છે. નવા બનતા બગીચાઓમાં ગ્રીન એનર્જીને ધ્યાને રાખીને સોલાર ટ્રી લગાવવામાં આવે છે. સોલાર ટ્રી લગાવ્યા પછી તેની નિયમિત નિભાવણી થઈ છે કે નહીં તે પણ એક સવાલ છે. કેમકે વીજ કંપની સાથે જોડાણ સમયે સોલાર ટ્રી બરાબર કામ નહીં કરતાં હોવાનું ધ્યાને આવશે તો લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
ગાંધીનગર મનપાના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેતી હોવાની ફરિયાદો ઊઠે છે. આવી ફરિયાદોનો 24 કલાકમાં ઉકેલ લાવવા અને કેટલી સ્ટ્રીટ લાઈટ બંધ હોય છે? તેનો રોજિંદો અહેવાલ આપવા ચેરમેને કહ્યું હતું. પાણી પુરવઠાને લગતી ફરિયાદોનું રજિસ્ટર બનાવવા અને સમયાંતરે અધિકારીઓ સમક્ષ રજૂ કરવા તેમણે તાકિદ કરી હતી.
કોર્પોરેશન વિસ્તારમાં અપાતા પાણી પુરવઠામાં ક્યારેક માટીની તો ક્યારેક દુર્ગંધની ફરિયાદો થતી રહે છે. તેના નિવારણ માટે દરરોજ ત્રણ અલગ-અલગ ગામના નળના પાણીનું સેમ્પલ લેવા અને તેનો દૈનિક અહેવાલ આપવા સંબંધિત એજન્સીઓને સૂચના પણ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.