ચૂંટણીની બીજી લહેર:ગાંધીનગર મહાનગરપાલિકાની 3 ઓક્ટોબરે ચૂંટણી, 5મીએ પરિણામ, 118 દિવસ પછી જાહેરાત, 3 ઉમેદવાર મૃત્યુ પામ્યા

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની બીજી લહેર ધીમી પડતાં ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીની બીજી લહેર શરૂ થઈ છે. રાજ્ય ચૂંટણી પંચે સોમવારે 3 ઓક્ટોબર ને રવિવારે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 5 ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે. 118 દિવસ પછી ચૂંટણીની કરાયેલી જાહેરાતને પગલે રાજકીય પક્ષો ફરી ઇલેક્શન મોડમાં આવી ગયા છે. જોકે સોમવારથી જ આદર્શ આચારસંહિતા પણ લાગુ કરી દેવાઈ છે. મહત્ત્વનું છે કે 18 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે નક્કી કરાયેલા ઉમેદવારોમાંથી 3 ઉમેદવાર મૃત્યુ પામ્યા છે. આથી, આ 3 ઉમેદવાર બદલાશે.

અગાઉ 18 એપ્રિલે મતદાન થવાનું હતું પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રખાઈ હતી. 19 માર્ચે ચૂંટણીની જાહેરાત બાદ કોરોનાના કેસો વધતાં 10 એપ્રિલે ચૂંટણી મોકૂફની જાહેરાત કરાઈ હતી. મતદાનના આડે 7 દિવસ બાકી હતા ત્યારે રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી મોકૂફ રાખવા માટે સત્તાવાર ઓર્ડર કર્યો હતો. હવે કોરોના હળવો થતાં ચૂંટણી મોકૂફીના 118 દિવસ પછી ફરીથી રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. ચૂંટણીના હરીફ ઉમેદારોમાં 3 જેટલા ઉમેદવારોનાં મૃત્યુ થયાં છે, જેમાં આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નં-9માંથી જયશ્રીબહેન નીકુલભાઈ વાઘેલાનું કોરોનાથી જ્યારે વોર્ડ નં-8ના બસપાના ઉમેદવાર કિરીટભાઈ પરમારનું હ્યદયરોગના હુમલાથી અને વોર્ડ નં-1ના અપક્ષ ઉમેદવાર ગુણવંતભાઈ પટેલ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હતા. જોકે 3 પૈકી 2 ઉમેદવાર માન્ય રાજકીય પક્ષના હતા, જેને પગલે બંને પક્ષને નવા ઉમેદવારો ઊભા રાખવાની તક મળશે. સોમવારે ચૂંટણી જાહેર થતાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે.

ચૂંટણી કાર્યક્રમ

  • 13 સપ્ટેમ્બર : જાહેરનામું પ્રસિદ્ધ થશે.
  • 18 સપ્ટેમ્બર : ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ.
  • 20 સપ્ટેમ્બર : ઉમેદવારી પત્રોની ચકાસણી.
  • 21 સપ્ટેમ્બર : ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ.
  • 3 ઓક્ટોબર : સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન.
  • 4 ઓક્ટોબર : ફેર મતદાન થશે.
  • 5 ઓક્ટબર : મતગણતરી અને પરિણામ.
  • 8 ઓક્ટોબર : ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ.

કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો મેદાને છે
હાલમાં ભાજપના 44, કૉંગ્રેસના 44, બસપાના 13, એનસીપીના 2, આપના 39, અન્ય 6 અને 11 અપક્ષ ઉમેદાવાર મેદાને છે. એટલે કે કુલ 160 ઉમેદવાર છે, જેમાં 2 ઉમેદવારનો ઉમેરો થતાં હરીફ ઉમેદવાર 162 જેટલા થશે.

અન્ય કોઈ ઉમેદવારોમાં ફેરફાર નહીં થાય
19 માર્ચે ચૂંટણી જાહેર થયા પછી પંચે વોર્ડવાઈઝ ઉમેદવારોને ક્રમ આપીને હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. મતદાન અને પરિણામના 2 તબક્કા જ બાકી રહેતાં ઉમેદવારો સહિતની અત્યાર સુધીની પ્રક્રિયા યથાવત્ જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...