ડ્રાફ્ટ બજેટ:ગાંધીનગર મનપા કમિશનરે વર્ષ 2023-24નું 944 કરોડનું પુરાંતલક્ષી બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું, કોઈ કરબોજમાં વધારો નહીં

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં વર્ષ 2023-24 નું 264 કરોડની પુરાંત સાથેનું 944 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં નવા સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આપવામાં આવ્યું છે. ગત વર્ષ 2022-2023 માં રજૂ થયેલા બજેટમાં સુધારા વધારા કરી સ્થાયી સમિતિએ 27 કરોડનો વધારો સુચવીને 540 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું.

ગાંધીનગર મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ થવાના પગલે મહાનગર પાલિકાની વિવિધ શાખામાં છેલ્લા ઘણા દિવસોથી બજેટલક્ષી કામનો ધમધમાટ ચાલી રહ્યો હતો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આ વખતના બજેટ પર સૌ નગરજનોની ખાસ મીટ મંડાયેલી હતી. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનનો વિસ્તાર વધતાં બજેટનું કદ પણ વધ્યુ છે.ગત વર્ષે 18 ગામ અને પેથાપુર નગરપાલિકાનો ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આજે ગાંધીનગર મહાનગર પાલિકાનું વર્ષ 2023-24 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું હતું. ગાંધીનગર મહાનગર પાલિકાનું 264 કરોડની પુરાંત સાથેનું 944 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. હવે સ્ટેન્ડિંગ કમિટી ડ્રાફ્ટ બજેટમાં સુધારો કરીને જનરલ બોર્ડમાં રજૂ કરશે. સ્ટેન્ડિંગ કમિટીમાં ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશ્નર સંદીપ સાંગલે દ્વારા આવક જાવકના હિસાબ સાથે ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

આજે સ્થાયી સમિતિની બેઠકમાં ગાંધીનગર કમિશ્નર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે અંદાજ પત્ર અને 2023- 24 નું ડ્રાફ્ટ અંદાજ પત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેના કેપિટલ ખર્ચમાં 23.89 % ઘટાડો કરવામાં આવ્યો છે. રેવન્યુ ખર્ચ 146.21 કરોડની સામે 167.17 છે. બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે કે રખડતા ઢોર માટે સુઘડ કેટલ કમ્પાઉન્ડ અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ બજેટમાં કોઈપણ જાતના વેરામાં કે દરમાં વધારો નહી હોય.

નોંધનીય છે કે ગત વર્ષે 2022-23 માટે 512 કરોડ રૂપિયાનું બજેટ રજૂ સ્ટેન્ડીંગની બેઠકમાં રજૂ કરાયું હતું. જેમાં સ્થાયી સમિતિએ 27 કરોડનો વધારો સુચવીને 540 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું.ગત વર્ષે 18 ગામ અને પેથાપુર નગરપાલિકાનો ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બજેટમાં આ તમામ ગામડાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તફાવત ના રહે એવુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

રેવન્યૂ - કોર્પોરેશનના 12મા બજેટમાં 282.63 કરોડની રેવન્યુ આવક સામે 219.05 કરોડનો રેવન્યૂ ખર્ચ દર્શાવાયો
નાગરિકો - 15 કરોડના ખર્ચે નવો કોમ્યુનિટી તથા 3 કરોડથી વધુના ખર્ચે લાઈબ્રેરી બનાવાશે

 • શહેરમાં આગામી સમયે 6 નવા ગાર્ડન બનશે અને 9 બગીચાનું નવીનીકરણ કરાશે. ગત વર્ષે 18 બગીચાનું નવીનીકરણ કરાયું હતું.
 • ઝુંડાલ, જુના કોબા, નવા કોબા, ટીપી-46 (અમીયાપુર-સુઘડ), ટીપી-9, ટીપી-19 ખાતે ગાર્ડન બનાવાશે.
 • સરિતા ઉદ્યાનમાં અંદાજે 3 કરોડના ખર્ચે બાળકો અને વડીલો માટે વધારાની સુવિધાઓ ઉભી કરાશે.
 • કોટેશ્વર પાસે 15 કરોડથી વધુના ખર્ચે નવો કોમ્યુનિટી તથા 3 કરોડથી વધુના ખર્ચે લાઈબ્રેરી બનાવશે.
 • કુડાસણ ખાતે 4 કરોડના ખર્ચે ટાઉનહોલની કામગીરી થશે.
 • પેથાપુર ખાતે 2 અને રાંધેજા ખાતે 2 ઓવરહેડ ટેંક બનશે જે માટે બજેટમાં 310 કરોડની જોગવાઈ કરેલ છે.
 • વાવોલ રેલવે ક્રોસિંગથી ક રોડ સુધી રસ્તો પહોળા કરાશે.
 • ટીપી વિસ્તારોમાં નવા આસ્ફાલ્ટ રોડની કામગીરી થશે.
 • સેક્ટર 1, 2, 3, 3એ ન્યૂ, 3 અને 5, 28, 29ના આંતરિક રસ્તાઓ રિ-સરફેસિંગ કરાશે.
 • ધોળાકુવા ખાતે આરસીસી રોડની કામગીરી થશે.

શિક્ષણ - સ્કૂૂલોનું નવું બાંધકામ તથા રિનોવેશન તેમજ આંગણવાડીઓનું પણ રિનોવેશન કરાશે
સેક્ટર-24 અને ઈન્દ્રોડા ખાતે નવી અંગ્રેજી માધ્યમની સ્કૂલનું બાંધકામ તથા સેક્ટર-13, 29 અને બાસણ ખાતે સ્કૂલોનું રિનોવેશન કરાશે. જે માટે ગત બજેટમાં 6.11 કરોડ જ્યારે આ બજેટમાં 10.30 કરોડની જોગવાઈ કરાઈ છે.
પોર અંબાપુર, કુડાસણ, સરગાસણ, રાંદેસણ તથા રાયસણ ખાતે હયાત આંગણવાડીઓનું રિનોવેશન કરાશે.

આરોગ્ય - નવા અર્બન હેલ્થ સેન્ટરોનું નવીનીકરણ કરાશે

 • વાવોલ અને કુડાસણમાં નવા અર્બન હેલ્થ સેન્ટરોનું બાંધકામ થશે.
 • પેથાપુર અને સુઘડના અર્બન હેલ્થ સેન્ટરોનું નવીનીકરણ કરશે.
 • કુડાસણ, સુઘડ, પેથાપુર અને વાવોલ ખાતે 12.60 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના નવીકરણની કામગીરી ચાલી રહી છે.
 • સેક્ટર-2, સેક્ટર-24, સેક્ટર-29 અને પાલજ ખાતે મળી કુલ 4 આરોગ્ય કેન્દ્ર હાલ કાર્યરત છે.

સૌથી વધુ કેપિટલ ખર્ચ પાછળ 724.96 કરોડનો ખર્ચ
આવક

ટેક્સ આવક 78.53 કરોડ (10 ટકા)
નોન ટેક્ષ આવક 185.77 કરોડ (24 ટકા)
રેવન્યૂ ગ્રાન્ટ 18.33 કરોડ (3 ટકા)
કેપિટલ ગ્રાન્ટ આવક 480.92 કરોડ (63 ટકા)
ઉઘડતી સિકલ 444.59 કરોડ
જાવક
કેપિટલ ખર્ચ 724.96 કરોડ (77 ટકા)
સફાઈ ખર્ચ 55.87 કરોડ (6 ટકા)
મહેકમ ખર્ચ 51.13 કરોડ (5 ટકા)
ઈલેક્ટ્રિસિટી 64.34 કરોડ (7 ટકા)
કન્ટિજન્સી ખર્ચ 34.31 કરોડ (4 ટકા)
બગીચા નિભાવણી 11 કરોડ (.70 ટકા)
રેવન્યૂ ગ્રાન્ટ ખર્ચ 1.40 કરોડ (0.30 ટકા)

વિકાસના કયા કામો કરાશે?

 • મીના બજારને હાટ બજાર તરીકે વિકસાવવા માટે 2 કરોડનો ખર્ચ કરાશે.
 • સરગાસણ, રાંદેસણ, રાયસણ, અંબાપુર, કુડાસણ, પોર, કોબા, નભોઈ, સુઘડ, ખોરજ, રાંધેજા, પેથાપુરમાં સ્મશાન ગૃહોનું રિનોવેશન કરાશે.
 • અંબાપુર ખાતે તળાવ ડેવલપમેન્ટ, સંરક્ષણ વોલ અને જાહેર ગાર્ડનનું ડેવલપમેન્ટ તથા વાવોલ ખાતે તળાવનું ડેવલપમેન્ટ કરાશે. જે માટે 37.31 કરોડનો ખર્ચ કરાશે.
 • સરગાસણ, નભોઈ, કુડાસણ અને ટીપી-7, ખોરજ ગામતળ તથા ટીપી 303 (ખોરજ) ખાતે ડ્રેનેજની કામગીરી કરાશે.
 • ભાટ ખાતે 25 એમએલડી તથા પેથાપુર ખાતે 15 એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નખાશે.
 • ભાટ ખાતે 38 એમએલડી ટર્મિનલ સુએજ પમ્પિંગ સ્ટેશન ઉભું કરાશે.
 • ટીપી 410 (ઝુંડાલ) વિસ્તારમાં ત્રણ વોટર ડ્રિસ્ટ્રિબ્યુશન સ્ટેશન ઉભા કરાશે.
 • ચરેડી ખાતે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સેન્ટ્રલ વોટર પમ્પિંગ હાઉસ.
 • સુઘડ ખાતે 40 એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સેન્ટ્રલ વોટર પમ્પિંગ હાઉસ.
 • ખોરજ-ઝુંડાલના ટીપી વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈન
 • સેક્ટર 26 ખાતે સીસી રોડ તથા સ્ટ્રોમ વોટર લાઈન.
 • ભાટમાં નવા મટીરિયલ રિકવરી ફેસિલિટી સેન્ટર બનશે.
 • ભાટ, સરગાસણ અને ઝુંડાલ વિસ્તારમાં ફાયર સ્ટેશન બનશે જ્યારે કર્મીઓ માટે સ્ટાફ ક્વાટર્સ પણ બનશે.
 • ટીપી-19 ખાતે કોર્પોરેશનના અધિકારીઓ માટે બંગલો બનશે જે માટે બજેટમાં 18 કરોડની જોગવાઈ કરાઈ છે.
અન્ય સમાચારો પણ છે...