તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરલ:ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોરની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ, ધારાસભ્યએ કહ્યું- 'વીરાતલાવડી ક્યાં મત આપે છે?, વોટ માટે તો કામ કરીએ છીએ'

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કથિત ઓડિયો ક્લિપને લઈ રાજકારણ ગરમાયું

ગાંધીનગર ભાજપાના ધારાસભ્ય શંભુજી ઠાકોર તેમજ વીરાતલાવડી ગામના સરપંચના પુત્રની વાઈરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ થી ગાંધીનગર નું રાજકારણ ગરમાયુ છે. જેમાં ધારાસભ્ય સ્પષ્ટ સ્વીકાર કરી રહ્યા છે કે વીરાતલાવડી ગામમાંથી વોટ મળતા નથી.

વાઈરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ મુજબ, ગાંધીનગર ભાજપના ધારાસભ્ય શંભુજી ઠાકોરને વીરાતલાવડી ગામના સરપંચના પુત્ર ચંદ્રેશભાઈ દ્વારા ફોન કરીને પોતાની રજૂઆત કરવા માં આવે છે. જેમાં ચંદ્રેશભાઈ વીરાતલાવડીના પડતર પ્રશ્નોને લઈ વાતચીત કરી રહ્યા હોય છે. જેની સામે ધારાસભ્ય શંભુજી ઠાકોર ધ્વારા ગામમાંથી વોટ મળતા નહીં હોવાનો સ્પષ્ટ સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. જેનાં પ્રત્યુત્તરમાં ચંદ્રેશભાઈ જવાબ આપી રહ્યા છે કે વોટ ની રાજનીતિ ના કારણે આગામી સમયમાં પક્ષ ને ભોગવવાનો વખત આવશે. ત્યારે ચંદ્રેશભાઈએ ગામ પાસે બનેલા રોડ 40 ટકામાં બન્યો હોવાનું તથા 60 ટકાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

ત્યારે ધારાસભ્ય પણ ગામ માંથી વોટ નહીં મળતા હોવાનું કહી પરિણામ પણ તે મુજબ જ આવે. ચંદ્રેશભાઈએ તમે હંમેશા વોટની જ વાત કરો છો કહેતાં શંભુજીએ ‘વોટ તો જોઈએ, આ બધુ કામ શું કામ કરીએ છીએ, અમે દોડીએ છીએ શું કામ દોડીએ છે પાર્ટીનું કામ તો થવું જોઈએ.’ કહ્યું હતું.

વીરાતલાવડીના મહિલા સરપંચના પુત્ર ચંદ્રેશભાઈ
વીરાતલાવડીના મહિલા સરપંચના પુત્ર ચંદ્રેશભાઈ

ધારાસભ્ય:સરપંચ પુત્ર વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતના અંશો
સરપંચ પુત્ર: સાહેબ ચંદ્રેશભાઈ બોલું છું વીરાતલવડીમાંથી આ એટીવીટી (આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો)માં અમારી આંગણવાડીનું કામ નથી લીધું.
ધારાસભ્ય: ખબર નહીં મને બહું, એ તો સભ્યોનો ક્વાટા હોય મારો નહીં.
સરપંચ પુત્ર: આપણે શું આંગવાડી બહુ ચર્ચરિત થઈ ગઈ છે, પાણીની લાઈનો જૂની મે વારંવાર ઠરાવો પત્ર લખ્યા છે. એટીવીટીમાં થઈ હોવાનું કહેતાં હતાં પરંતુ કોઈ કામ આવ્યું નથી, દરેક ગામના ચાર-ચાર કામો છે, હવે આના માટે શું કરવાનું?
ધારાસભ્ય: હવે તો પતી ગયુંને આયોજન, એટલે લેટરો આપી રાખો.
સરપંચ પુત્ર: વર્ષથી લેટરો આપી રાખું છું લલીતભાઈને બધાને બીજું વર્ષ, વીરાતલાવટીને વંચિત રાખવાની વાત છે. આવનારા દિવસોમાં કાર્યકર્તાઓને દ્વારા તેની અભિલાષા મળે બીજું તો શું સાહેબ.
ધારાસભ્ય: આમે વીરાતલાવડી ક્યાં વોટ આપે છે, પછી તમે વાત કરી તો પરિણામ પણ એ રીતે આવે.
સરપંચ પુત્ર: આ જ મારે સાંભળવું હતું તમે હંમેશા વોટની જ વાત કરો છો.
ધારાસભ્ય: તો વોટ તો જોઈએને આ બધુ કામ શું કામ કરીએ છીએ, અમે દોડીએ છીએ શું કામ દોડીએ છે પાર્ટીનું કામ તો થવું જોઈને.
સરપંચ પુત્ર: તને સ્થાનિક ધારાસભ્ય છો દરેક જનતાની અભિલાષ તમારે સાંભળવી પડે.
ધારાસભ્ય: વોટની વાત કરવી પડેને પાર્ટીને લાભ તો મળવો જોઈએને.
સરપંચ પુત્ર: વોટની વાત તમારા માટે યોગ્ય નથી.
ધારાસભ્ય: બધાને માટે ભલે યોગ્ય ના હોય પણ તે લક્ષ્યમાં લેવું જ પડે. બાપના બે દિકરા હોય એક ગામમાં બેસી રહેતો હોય એક ખેતરમાં કામ કરતો હોય તો લાગણી ક્યાં હોય?
સરપંચ પુત્ર: તને જે શબ્દો બોલો છો વોટ નથી મળ્યા કેમ નથી મળ્યા?
ધારાસભ્ય: તો તમારા સભ્યોએ કેમ ક્વોટા ના આપ્યો?
સરપંચ પુત્ર: એ તો વોટની રાજનીતિ કરવાની છે તો પછી આગામી સમયે તેનો જવાબ મળશે.
ધારાસભ્ય: હા તો તે કર્યું જ હતું ને દિનેશને બોલાવી વચ્ચે બેસાડી ફોટા કર્યા હતા, મે તને કહ્યું હતું કે, આ ખાડા પુરવાનું તું કહે આખો રોડ બનાવો.
સરપંચ પુત્ર: સાંભળો એ ડભોડાથી ગામના રોડ માટે મારું બલિદાન આપવા તૈયાર છું. પણ હું એ સાચી વાચા આપું છું,
ધારાસભ્ય: તું આખો રોડ માગે છે હજુ તો ત્રણ વર્ષ થયા છે, સરકાર 7 વર્ષે નવો રોડ આપે પેલાની ડિલોઝિટ જપ્ત કરીને આપણે ખાડા પુરાવાના હોય.
સરપંચ પુત્ર: સાહેબ 40 ટકામાં રોડ બનાવ્યો છે, 60 ટકાનો ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકોએ.
ધારાસભ્ય: હા તો એ વખતે ધ્યાન રાખવું જોઈએ.
સરપંચ પુત્ર: સાહેબ આ તમારા યોગ્ય શબ્દ નથી, મારો પ્રાથમિક અધિકાર છે. પબ્લિકના ટેક્સના પૈસાથી આપણે વિકાસ કરીએ છીએ. અને ભલે પક્ષના કાર્યકર્તા રહ્યાં અમે.
ધારાસભ્ય: પક્ષનું કામ પણ જોવાય ચંદ્રેશ.
સરપંચ પુત્ર: પણ વોટ નથી આપ્યા આવું ના કહેવાય તમારાથી.
ધારાસભ્ય: અરે કહેવું તો પડે.
સરપંચ પુત્ર: તો પછી વોટની રાજનીતિ કરવાની, આવનારા દિવસોમાં પછી રિઝલ્ટ ભોગવવું પડે પક્ષને.
ધારાસભ્ય: એ તો જે રિઝલ્ટ આવે, એ જોયેલું જ છું રિઝલ્ટ વીરાતલાવડીનું
સરપંચ પુત્ર: અમે જાગૃત નાગરિક છીએ કહેવાનો અમારો અધિકાર છે.
ધારાસભ્ય: જાગૃત નાગરિક છે તો કામ કર.

અન્ય સમાચારો પણ છે...