UGVCLની કડક કાર્યવાહી:ફાયર NOC ન હોવાથી ગાંધીનગરના મેયરની શ્યામ સુકન સોસાયટીનું લાઈટ કનેક્શન કપાયુ, મહિલાઓએ છાજીયા લઇ બિલ્ડરનો વિરોધ કર્યો

ગાંધીનગર10 દિવસ પહેલા
  • આજે મારા ઘરમાં પણ લાઈટ નથી, કાયદો બધા માટે સરખો: મેયર હિતેશ મકવાણા

ગાંધીનગર મેયર જે સોસાયટીમાં રહે છે એ શ્યામ સુકન સોસાયટીને ફાયર Noc બાબતે વારંવાર નોટિસો આપવા છતાં બિલ્ડર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવતાં આખરે હાઈકોર્ટનાં દિશા નિર્દેશ અનુસાર આજે UGVCL દ્વારા આખી સોસાયટીનું લાઈટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. જેનાં પગલે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અત્રેનાં 430 ફ્લેટમાં અંધાર પટ છવાઈ ગયું છે. ત્યારે સાંજ પડતાં જ સોસાયટીની મહિલાઓ વીફરી હતી અને બિલ્ડરને શોધવા માટે રસ્તા ઉપર ઉતરી આવી હતી. જોકે, બિલ્ડર નહીં આવતાં મહિલાઓએ થાળીઓ વગાડી બિલ્ડરનાં નામના છાજીયાં લીધા હતા.

રાજ્યમાં આગની ઘટનાઓ સામે આવતાં હાઈકોર્ટ દ્વારા આકરું વલણ અપનાવીને ફાયર Noc વિનાની હોસ્પિટલ, કોમર્શિયલ બિલ્ડીંગ તેમજ રહેણાંક સોસાયટી સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યાં છે. વારંવાર આગની ઘટનાઓ સર્જાતી રહે છે, જેમાં ઘણી વખત દુર્ઘટનાઓ પણ સર્જાય છે. જેનાં પગલે ફાયર વિભાગ દ્વારા પણ ફાયર Noc મામલે વારંવાર નોટિસો આપવામાં આવતી રહે છે.

તાજેતરમાં જ ગાંધીનગર કોર્પોરેશનના ફાયર વિભાગે એનઓસી નહી ધરાવતી ત્રણ જેટલી સોસાયટીના લાઈટ કનેક્શન કાપવાની નોટિસ ફટકારી હતી. પીડીપીયુ રોડ પર શ્યામ સુકન, કોબા પાસે શુભ પાયોનિયર તથા કુડાસણસમાં શ્રીફળ હાઈટ્સ સોસાયટીઓને ફાયર વિભાગ દ્વારા વારંવારની નોટિસો છતાં ફાયર એનઓસી લેવામાં આવી ન હતી. જોકે, શ્યામ સુકન સોસાયટી સિવાયની અન્ય બે સોસાયટી દ્વારા નોટિસ મળતા જ Noc લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી.

શ્યામ સુકન સોસાયટી દ્વારા નોટિસોની દરકાર કરવામાં આવી ન હતી. એટલે સુધી કે ફાયર વિભાગ દ્વારા વસાહતીઓને બિલ્ડીંગમાં ફાયર Noc નહીં હોવાની જાણકારી આપવામાં આવી હતી. આખરે કોર્પોરેશન તંત્રના ફાયર વિભાગ દ્વારા હાઈકોર્ટના દિશા નિર્દેશ મુજબ શ્યામ સુકન સોસાયટીનું વીજ કનેક્શન કાપી નાખવા માટે લેટર પણ લખી દેવામાં આવ્યો હતો. જેનાં પગલે આજે સોસાયટીનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે.

આ અંગે સોસાયટીના મહિલા ચેરમેનનાં પતિ ગુણવંતભાઈએ કહ્યું હતું કે, ફાયર NOC માટે ગઈકાલે કાર્યવાહી શરૂ કરાઈ હતી. પરંતુ UGVCL દ્વારા વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે શ્યામ સુકન સોસાયટીમાં ગાંધીનગર મેયર પોતે પણ પરિવાર સાથે રહે છે. અહીં 430 ફ્લેટમાં પરિવારો રહી રહ્યાં છે. જે તમામના ઘરમાં અંધાર પટ છવાઈ ગયું છે.

આ અંગે ગાંધીનગર મેયર હિતેશ મકવાણા એ જણાવ્યું હતું કે, આજે મારા ઘરમાં પણ લાઈટ નથી. કાયદો બધા માટે સરખો છે. ગઈકાલે સોસાયટી વાળા આવેલા મળવા માટે પંરતુ લોકોના જીવનાં જોખમમાં મૂકવા યોગ્ય નથી. કાયદા મુજબ ગાંધીનગરની બિલ્ડીંગોએ ફાયર Noc લેવી જરૃરી જ છે.

ગરમીમાં રહીશોના ઉગ્ર સૂત્રોચ્ચાર
બુધવારે શહેરમાં સિઝનનું હાઈએસ્ટ 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આવી ગરમીમાં લાઇટ કપાઈ જતાં રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને પગલે સાંજના સમયે સોસાયટીની નીચે દોડી આવેલા રહીશોએ સોસાયટીના જવાબદારો અને બિલ્ડર્સ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. મળેલી માહિતી મુજબ વીજજોડાણ કપાતાં જ ફાયર એનઓસી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી.

NOC માટે 1 દિવસ પહેલાથી જ પ્રક્રિયા શરૂ કરી દીધી છે
‘ફાયર NOC માટે એક દિવસ પહેલાંથી જ કાર્યવાહી શરૂ કરાઈ હતી પરંતુ UGVCL દ્વારા વીજજોડાણ કાપી નાખવામાં આવ્યું છે. અમારા દ્વારા પ્રક્રિયા શરૂ કરી દેવાતાં હવે વહેલી તકે તેનું નિરાકરણ આવી જશે. સોસાયટીના રહીશોને અગાઉથી જ આ અંગે જણાવીને સમાજાવી દીધા હતા.’ > ગુણવંતભાઈ, રહીશ, શ્યામસુકન રેસિડેન્સી

ઘટનાઓ ચર્ચાનું કેન્દ્ર બની: પૂર્વ મૅયર કોર્ટ કેસ વચ્ચે બીયુ પરમિશન લઈ આવ્યા હતા!
એક તરફ વર્તમાન મૅયર સત્તા પર રહીને પોતાની સોસાયટીની લાઇટ કટ થતાં બચાવી શક્યા નહોતા. બીજી તરફ પૂર્વ મૅયરની સે-11 ખાતેની બિલ્ડિંગને કોર્ટ કેસ વચ્ચે પણ બીયુ પરમિશન મળી ગઈ હતી. સે-11 ખાતે આવેલી સ્કાયલાઇન પાસે વિકાસ પરવાનગી ન હોવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી.

આ કેસમાં કોર્પોરેશન દ્વારા પણ માર્જિનની જગ્યા ઓછી હોવાની, પાર્કિગ સ્પેસ નિયમ કરતાં ઓછો સહિતના એકરાર કોર્ટમાં કરાયો હતો. જોકે આ બધા વચ્ચે અધિકારીઓએ ગોઠવેલા સોગઠામાં બિલ્ડિંગને બીયુ પરમિશન મળી જતા આશ્ચર્ય સર્જાયું છે. વિકાસ પરવાનગી વગર જ બાંધકામ અને વપરાશના કિસ્સામાં પણ કોર્ટની ટકોર બાદ તંત્રએ સિલિંગ કર્યું હતું. ત્યારે હાલ પૂર્વ મૅયર અને વર્તમાન મૅયરની ઘટનાઓ કોર્પોરેશનમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

મૅયરને બ્રહ્મજ્ઞાન લાદ્યું: ‘લાઇટ નહીં હોય તે ચાલશે, કોઈનો જીવ જાય એ મને નહીં પોષાય’
4 નોટિસ મળ્યા છતાં ચૅરમૅનને ફાયર સેફ્ટી માટે આદેશ આપી ન શકેલા મૅયર હિતેષ મકવાણાને વીજજોડાણ કપાયા પછી ડહાપણ સૂઝ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘હું એ જ સોસાયટીમાં રહું છું, લોકોએ મને ભલામણ કરી હતી. જોકે મારી સોસાયટી હોય કે કોઈ પણ સોસાયટી આ બાબત ફાયર સેફ્ટીની છે. એટલે તેમાં ભલામણ કે બાંધછોડ ચાલે નહીં. મારા ઘરે બે દિવસ લાઈટ નહીં હોય તે ચાલશે પરંતુ ફાયર સેફ્ટીના અભાવે કોઈ દુર્ઘટના કે કોઈનો જીવ જાય એ મને નહીં પોષાય.’ આ મુદ્દે તેઓએ સત્તાનો દુરઉપયોગ ન કર્યો હોવાની ચર્ચા પણ છે.

અન્ય સમાચારો પણ છે...