અલ્ટિમેટમ બાદ આત્મહત્યાનો પ્રયાસ:ગાંધીનગર મનપાની ઓફિસમાં 3 સફાઈ-કામદારોએ ઝેરી દવા ગટગટાવી, અન્ય કામદારોએ દેકારો મચાવ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • સફાઈ-કામદારો પગારવધારો અને સ્માર્ટવોચના મુદ્દે 108 દિવસ સુધી હડતાળ પર રહ્યા હતા
  • મ્યુનિ. કમિશનર રજા પર, મેયર-ડે. મેયર ગેરહાજર હતાશ થયેલા 3 સફાઇ કામદારે ફિનાઇલ પી લીધું
  • મેયર અને શહેર ભાજપ-પ્રમુખે હૈયા ધારણા આપતાં કામદારોએ આંદોલન સમેટી લીધું હતું
  • અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સિવિલ, કોર્પોરેશન, છાવણીએ બંદોબસ્ત ગોઠવી દીધો હતો
  • 28 ડિસેમ્બરથી ચાલતી હડતાળ 7 એપ્રિલે સમેટી છતાં કામ પર ન લેવાતા આપઘાતનો પ્રયાસ: તંત્ર સામે ભારે રોષ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સામે પડતર માગણીઓને લઇને સફાઇ-કામદારોએ જંગ છેડ્યા પછી મેયર હિતેશ મકવાણા અને શહેર ભાજપ-પ્રમુખે હૈયા ધારણા આપતાં કામદારોએ આંદોલન સમેટી લીધું હતું. જોકે આજદિન સુધી પડતર માગણીઓ નહીં સંતોષાતાં ત્રણ કામદારે મનપા ઓફિસમાં જ ઝેરી દવા ગટગટાવી લેતાં દોડધામ મચી ગઈ છે.

કામદારોને મનાવવાના તંત્રના પ્રયાસ નિષ્ફળ
ગાંધીનગર મહાનગરપાલિકામાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા સફાઇ-કામદારોને પગારવધારા સાથે નોકરી પર પરત રાખવાની બાંયધરી બાદ પણ નોકરી નહીં મળતાં આજે સામૂહિક ઝેર પીવાની ચીમકી આપી હતી. એને પગલે કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું હતું અને છેલ્લી ઘડી સુધી આ કામદારોને મનાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ એમાં સફળતા મળી નથી.

કામદારો 108 દિવસ સુધી હડતાળ પર રહ્યા હતા
ગાંધીનગર મહાનગરપાલિકામાં બે ઝોનની સફાઇ એજન્સી મારફત જ કરાવવામાં આવી રહી છે. ત્યારે આ એજન્સીના સફાઇ-કામદારો પગારવધારો અને સ્માર્ટવોચના મુદ્દે 108 દિવસ સુધી હડતાળ પર રહ્યા હતા. ત્યારે કોર્પોરેશનના પદાધિકારીઓ અને સ્થાનિક ભાજપના સંગઠનના હોદ્દેદારો દ્વારા તેમને પારણાં કરાવીને પગારવધારાની સાથે નોકરી પર પરત રાખવાની બાંયધરી આપવામાં આવી હતી.

બાયધરી બાદ પણ કામદારોના પ્રશ્નો હલ ન થયા
જોકે એક મહિના બાદ પણ સફાઇ-કામદારોને પગારવધારા સાથે નોકરી નહીં મળતાં કોર્પોરેશન તંત્રને અલ્ટિમેટમ આપ્યું હતું. આજે બીજી મેના રોજ સામૂહિક ઝેર પીવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઇને ગઇકાલથી કોર્પોરેશનના પદાધિકારીઓ દોડતા થયા હતા અને સફાઇ-કામદારો સાથે બેઠકો કરી હતી, પરંતુ એ નિરર્થક નીવડી હતી. એને પગલે આજે ચંદ્રકાંત સોલંકી, કિરણ સોલંકી અને ભદ્રેશ ગોહિલ નામના ત્રણ કામદારે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

સવારથી જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો હતો
ગાંધીનગર કોર્પોરેશનમાં આજે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તેમજ સેકટર-7 પીઆઈ સહિતના પોલીસકર્મચારીઓ કોર્પોરેશનમાં હાજર હતા. ત્યારે મનપામાં આઈ કાર્ડ વિના કોઇને પ્રવેશ આપવામાં આવતો ન હતો. બીજી તરફ સફાઈ-કામદારો આજે સ્ટેન્ડિંગ ચેરમેન સાથે પડતર માગણીઓને લઇને રજૂઆત અર્થે પહોંચ્યા હતા, જ્યાં પડતર માગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ નહીં આવતાં પહેલાં એક સફાઈ-કામદારે ઝેરી દવા ગટગટાવી હતી, જેનાંનેકારણે હોહા થતાં કામદારોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. એટલામાં બીજા બે કામદારે પણ દવા પી લેતાં પોલીસ દોડતી થઇ ગઈ હતી અને ત્રણ કામદારને સારવાર અર્થે મોકલી આપ્યા હતા. હાલમાં પણ કામદારો સૂત્રોચારો ચાલુ રાખતાં પોલીસ કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહી છે.

મેયર-ભાજપ પ્રમુખના પ્રયાસથી આંદોલનનો અંત આવ્યો હતો
મેયર હિતેશ મકવાણા અને શહેર ભાજપ પ્રમુખ રૂચીર ભટ્ટના પ્રયાસોથી 7 એપ્રિલે સફાઈ કામદારોની 101 દિવસની ચાલતી હડતાળનો અંત આવ્યો હોવાની જાહેરાત કરાઈ હતી. સફાઈ કામદારો સ્માર્ટ વોચના કારણે કપાયેલા પગાર, એજન્સીની પ્રથા બંધ કરવા, કામદારોને રોજમદાર તરીકે સમાવવાની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા હતા.

મનપાના કોઈ જ અધિકારી ન દેખાયા, પોલીસે મોરચો સંભાળ્યો
ચેરમેનના પ્રયત્નો બાદ પણ બનેલી ઘટના બાદ કામદારો કોર્પોરેશનમાં ધરણાં પર બેસી ગયા હતા. જોકે કોર્પોરેશનમાંથી એક પણ અધિકારી કામદારો પાસે ફર્ક્યા ન હતા. પોલીસ દ્વારા કલાક સુધી કામદારો સાથે રકઝક અને માથાકૂટ કરીને કામદારોને નીચે લવાયા હતા. પોલીસ દ્વારા આંદોલનની આગેવાની કરતાં કિરીટ વાઘેલાને પોલીસ સ્ટેશન બેસાડી દેવાયા હતા.

કોર્પોરેશન બંને તરફથી સલવાયું
​​​​​​​સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા અધિકારીઓ સાથે વાતચીત કરીને હાલની સ્થિતિએ 150 કામદારોને પરત લેવડાવવા પ્રયત્નની વાત કરી હતી. જોકે કામદારો દ્વારા તમામ કામદારોને સાથે પરત લેવાની રજૂઆત કરાઈ હતી. જે મુદ્દે ચાલતી ચર્ચાઓ વચ્ચે જ કામદારોએ દવા પી લીધી હતી. ચારેક મહિનાથી કામ કરતાં લોકોને છૂટા કરીને જૂના માણસોને લેવામાં મુશ્કેલી સર્જાય તેમ છે. જેને પગલે કોને લેવા અને કોને કાઢવા તે અંગે કોર્પોરેશન પણ સલવાણું છે.

અન્ય સમાચારો પણ છે...