પ્રદૂષણના પાપી:હાઈડ્રોક્લોરિક એસિડના પ્રદૂષિત પાણીનો નિયમ વિરુદ્ધ નિકાલ થાય તે પહેલા જ ગાંધીનગર LCBએ બે શખ્સોને ઝડપી લીધા

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે ટ્રકમાં 60 હજાર લીટર હાઈડ્રોક્લોરિક એસિડનું પ્રદૂષિત પાણી મળી આવ્યું

પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મંજૂરી વિના બે ટ્રકમાં 60 હજાર લીટર હાઈડ્રો કલોરિક એસિડ નું પ્રદુષિત પાણી મહેસાણાની કંપનીમાંથી ભરીને તેનો રાત્રીના અંધકારમાં અવાવરુ જગ્યાએ નિકાલ કરવા માટે નીકળેલા બે શખ્સોને ક્રાઇમ બ્રાંચે અડાલજ હાઇવે રોડ પર વોચ ગોઠવીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ની સૂચના નાં પગલે ક્રાઇમ બ્રાંચના પીએસઆઈ વી. કે. રાઠોડ સ્ટાફના માણસો સાથે મધરાત્રે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ લતીફખાન તેમજ રાજવીર ને બાતમી મળી હતી કે બે ટેન્કરો (GJ27 TT 3901) તેમજ (DN 09R9564) ના ડ્રાઇવરો મહેસાણાની એશિયન ટ્યુબ પ્રાઇવેટ લિમિટેડ કંપની માંથી હાઇડ્રોક્લોરિક એસિડ નું પ્રદૂષિત પાણી ભરીને રાત્રિના અંધકારમાં તેનો નિકાલ કરવા માટે છત્રાલ થી અડાલજ તરફ જતા રોડ ઉપર પસાર થવાના છે.

જેના પગલે ક્રાઈમ બ્રાન્ચ નો કાફલો અડાલજ હાઈવે રોડ પર આવેલ જનપથ પેટ્રોલ પમ્પ વિસ્તાર માં વોચમાં ગોઠવાઈ ગયો હતો અને બાતમી મુજબ ની ટ્રકો આવી પહોંચતા તેને ઝડપી લેવામાં આવી હતી. બાદમાં બંને ડ્રાઇવરોની પૂછપરછ કરતા રમેશ દુધાભાઈ મોઢવાડિયા (રહે સોહમ સોસાયટી હાથીજણ અમદાવાદ) તેમજ ચંદ્રપ્રકાશ વિજયસિંહ રાવત (રહે બડાવાસ રાજસ્થાન) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે બંને ટ્રકો ની તલાશી લેતા તેમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ દૂષિત પાણી મળી આવ્યું હતું.

આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર જય વાઘેલાએ જણાવ્યું હતું કે રમેશ મોઢવાડિયા ના કહેવાથી મહેસાણા હાઈવે પર આવેલી એશિયન ટ્યુબ કંપનીમાંથી પ્રદુષિત પાણી ભરવામાં આવ્યું હતું. જ્યાં અજિત જી પઢીયાર એ આ દૂષિત પાણીનો 60 હજાર લીટરનો જથ્થો બંને ટ્રકોમાં ભરી આપ્યો હતો. જ્યાંથી તેનો નિકાલ કરવા અમદાવાદના વટવા વિસ્તાર તરફ જવા રવાના થયા હતા.

પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સાથે કંપનીમાં તપાસ કરતા ઈટીપી પ્લાન્ટ એરિયામાં 8 મોટા ટાંકામાં થી પણ પ્રદૂષિત પાણીનો જથ્થો મળી આવ્યો હતો. હાલમાં 20 લાખની કિંમતના બંને ટ્રક જપ્ત કરી ડ્રાઇવરની ધરપકડ કરી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...