ક્લિન કેપિટલ:ગાંધીનગર દેશનું ચોખ્ખું પાટનગર પણ ગાર્બેજ ફ્રી સિટીમાં 3 સ્ટાર રેટિંગ જ

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં 10 લાખથી ઓછી વસ્તીવાળાં શહેરોના નેશનલ રેન્કિંગમાં ગાંધીનગરને 6ઠ્ઠો ક્રમ જ્યારે ટોપ-25 સિટીમાં 11મો ક્રમ મળ્યો છે. ગત વર્ષના સર્વેક્ષણમાં દેશના ટોપ-25 સિટીમાં ગાંધીનગર 15મા ક્રમે હતું, જેમાં આ વખતે 4 નંબર આગળ આવ્યું છે. બીજી તરફ 10 લાખથી ઓછી વસ્તીવાળાં શહેરોના નેશનલ રેન્કિંગમાં 8મા ક્રમે આવ્યું હતું, જેમાં આ વખતે 2 નંબર આગળ આવ્યું છે. ગાંધીનગર ટોપ-3માં નથી આવી શક્યું પરંતુ પાટનગરને ક્લિનેસ્ટ કૅપિટલ સિટી ઈન કન્ટ્રીનો એવોર્ડ મળ્યો છે.

ગત વર્ષે પાટનગરને સફાઈ મુદ્દે ઈનોવેશન અને બેસ્ટ પ્રેક્ટિસ કૅટેગરીમાં બેસ્ટ સ્ટેટ કૅપિટલનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો હતો. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામમાં કુલ 6000 માર્કસમાંથી ગાંધીનગરને માર્ક્સ મળ્યા છે. આ માર્કસમાં સર્ટિફિકેશન સીએફસી સ્ટાર રેટિંગ અને ઓડીએફના 1800 માર્ક્સ, સર્વિસ લેવલ પ્રોગ્રેસ એટલે કે સેગ્રેડેટ કલેક્શન, પ્રોસેસિંગ અને ડિસ્પોઝલ અને સસ્ટેનેબલ સેનિટેશનના 2400 માર્ક્સ અને સિટીઝન ફિડબેકના 1800 માર્ક્સ નક્કી કરાયા હતા. સ્વચ્છતા સર્વેક્ષણમાં 4320 હજારથી વધુ શહેરોએ ભાગ લીધો હતો, સર્વેક્ષણમાં 342 શહેરોને સાફ-સફાઈ અને કચરા મુક્ત થવા માટે સ્ટાર રેટિંગ મળ્યા હતા.

એવોર્ડ જનતા,GMCના અધિકારીઓ, સફાઈ કામદારોની દેન: મેયર
દેશના સૌથી સ્વચ્છ પાટનગર તરીકેનો ગાંધીનગરને મળેલ એવોર્ડ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનાર છે. આ એવોર્ડનો સંપૂર્ણ શ્રેય હું ગાંધીનગરની જનતા અને કોર્પોરેશનના અધિકારીઓ ખાસ કરીને શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી છે તેવા કર્મયોગી સફાઈ કામદારોને અર્પણ કરું છું. આ પ્રસંગે ગાંધીનગરની જનતાને અપીલ કરું છું કે આવી જ રીતે આપણા હરિયાળા ગાંધીનગરને “સ્વચ્છ” બનાવી રાખીએ અને ગાંધીનગરનું ગૌરવ વધે એવા પ્રયત્નો કરતા રહીએ > હિતેશ મકવાણા, મેયર.

શહેરને 6000 હજારમાંથી 4855.76 માર્ક્સ
1થી 3 લાખની વસ્તીવાળા શહેરોમાં એસપીએલ 2154 માર્ક્સ, જીએફસીમાં 1100માંથી 600 માર્ક્સ, ઓડીએફમાં 700માંથી 500 માર્ક્સ તથા સિટિઝન વોઈસમાં 1601.52 માર્ક્સ મળ્યા હતા. એટલે કે કુલ 6000 હજારમાંથી ગાંધીનગરને 4855.76 માર્ક્સ મળ્યા હતા.

ગાર્બેજ ફ્રી સિટીમાં રેટિંગ (GFC) 3 સ્ટાર
રેટિંગ પ્રોટોકોલ હેઠળ સર્વેક્ષણમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરોને તેમના પ્રદર્શન મુજબ 7-સ્ટાર, 5-સ્ટાર, 3-સ્ટાર અથવા 1-સ્ટારનું રેટિંગ આપવામાં આવે છે. ત્યારે ગાંધીનગરને GFC સ્ટાર રેટિંગ પ્રમાણપત્રમાં 3-સ્ટાર રેટિંગ મળ્યા હતા. ગત વર્ષે પણ ગાંધીનગરને 3-સ્ટાર રેટિંગ જ મળ્યા હતા.

ખુલ્લામાં શૌચ મુક્ત (ODF)
ODF સિટી સર્ટિફિકેશન હેઠળ સર્વેક્ષણમાં નાગરિકો માટે શૌચાલયની સુલભતા અને ગંદાપાણીના વ્યવસ્થાપનના સંદર્ભમાં શહેરોનું મૂલ્યાંકન થાય છે. જેમાં ગાંધીનગર શહેરને ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) સિટી પ્રમાણપત્ર સાથે ODF ++ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

સર્વેક્ષણમાં આગળ આવતું ગાંધીનગર
1 લાખથી 10 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરો વચ્ચેની સ્પર્ધામાં ગાંધીનગર 6માં નંબરે વિજેતા બન્યું છે. અગાઉ વર્ષ 2018માં ગાંધીનગરનો નંબર 26મો અને વર્ષ 2019માં 22મો નંબર રહ્યો હતો, 2020માં શહેર 8મા ક્રમે રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...