અકસ્માત:ગાંધીનગર ઈન્ફોસિટી વન ગાડીને પીડીપીયુ રોડ ઉપર લકઝરી બસે પાછળથી ટક્કર મારી, પીઆઈ સહિત સ્ટાફનો આબાદ બચાવ

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીઆઇડીએમ ખાતે વિઝિટ કરીને ઈન્ફોસિટી પીઆઈ વી જી રાઠોડ સ્ટાફ સાથે પરત ફરી રહ્યા હતા
  • લકઝરીના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતાં બોલેરો ગાડી ફંગોળાઈ હતી

ગાંધીનગર પીડીપીયુ કોલેજના સામેના રોડ ઉપર આજે બપોરના સમયે ઈન્ફોસિટી વન બોલેરો ગાડીને પાછળથી લકઝરી બસના ચાલકે પૂરપાટ ઝડપે પોતાની બસ હંકારીને જોરદાર ટક્કર મારતાં બોલેરો ગાડી ફંગોળાઈ ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં ઈન્ફોસિટી પીઆઈ વી જી રાઠોડ તેમજ તેમના રાઈટર અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે.

ઈન્ફોસિટી પીઆઈ વી જી રાઠોડ પાછળ વચ્ચેની સીટમાં બેઠા હતા
ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ વી જી રાઠોડ રાયસણ પીડીપીયુ કોલેજની પાછળ આવેલ જીઆઈડીએમ ખાતે બપોરના સમયે વિઝિટ અર્થે ગયા હતા. જ્યાં વિઝિટ પૂર્ણ કર્યા પછી ઈન્ફોસિટી વન બોલેરો ગાડીમાં બેસીને પરત પોલીસ મથકે જવા રવાના થયા હતા. એ વખતે ડ્રાઇવર ભરતસિંહ અમરસિંહ રાણા ગાડી ચલાવી રહ્યા હતા. અને રાઈટર રતનસિંહ ડ્રાઇવર તેમની બાજુમાં બેઠા હતા. જ્યારે પીઆઈ વી જી રાઠોડ પાછળ વચ્ચેની સીટમાં બેઠા હતા.

લકઝરી બસના ચાલકે ઈન્ફો વન ગાડીને પાછળથી ટક્કર મારી
અને પી.ડી.પી.યુ કોલેજના ગેટની સામે રોડ ઉપર ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી લકઝરી બસના ચાલકે ઈન્ફો વન ગાડીને પાછળના ભાગેથી ટક્કર મારી હતી. જેથી કરીને ઈન્ફો વન ગાડી ફંગોળાઈ ગઈ હતી. જો કે ડ્રાઇવર ભરતસિંહે સમયચૂકતા વાપરીને ગાડી પર કંટ્રોલ કરીને રોડની સાઈડમાં ઉભી રાખી દીધી હતી.

ઈન્ફો વન ગાડીને 3 લાખનું નુકસાન થયું
આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા પીઆઈ રાઠોડ તેમજ રાઇટર રતનસિંહ ઘનશ્યામસિંહને શરીરે સામાન્ય ઈજાઓ થવા પામી હતી. અને ઈન્ફો વન ગાડીને 3 લાખનું નુકસાન થયું હતું. જો કે સદનસીબે પીઆઈ અને તેમના સ્ટાફનો આબાદ બચાવ થયો હતો. બાદમાં પીઆઈ રાઠોડ અને રાઇટરને ખાનગી વાહનમાં હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. આ અંગે ઈન્ફોસિટી પોલીસે લકઝરી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...