છેતરપીડીં:ગાંધીનગરનાં આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે બેંક એકાઉન્ટ બ્લોક હોવાના ચક્કરમાં સવા ચાર લાખ ગુમાવ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસબીઆઈ યોનો એપનું એકાઉન્ટ બ્લોક હોવાનો મેસેજ આવ્યો
  • ગઠિયાએ લિંક ઓપન કરાવી ફોર્મ સબમીટ કરવાના બહાને ઓટીપી મેળવી લીધો

ગાંધીનગર જિલ્લાનાં કલોલ ખાતેનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસરને એસબીઆઈ બેંકનું એકાઉન્ટ બ્લોક થઈ ગયું હોવાના આવેલા એસએમએસની લિંક ઓપન કરાવી ગઠિયાએ છ વખત ઓટીપી મેળવી લઈ ગણતરીની મિનિટોમાં જ રૂ. 4 લાખ 16 હજાર 600નો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી છે.

કલોલ આયોજન નગર મદીના પાર્ક સોસાયટીમાં રહેતાં ડોક્ટર ઇરફાનભાઈ ઈલયાસભાઈ વાજા કલોલનાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ગત તા. 29મી ઓક્ટોબરના રોજ તેમના મોબાઈલ ફોનમાં એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. જેમાં અંગ્રેજીમાં લખ્યું હતું કે તેમનું એસબીઆઈ યોનો બેંક એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. જો તમે કેવાયસી કરાવી તમારું પાન કાર્ડ કરશો તો નેટ બેંકિંગથી એકાઉન્ટ એક્ટિવ થઈ જશે. જેની નીચે એક લિંક પણ હતી.

જેનાં પગલે ડોક્ટર ઈરફાને બેંક એકાઉન્ટ એક્ટિવ કરવા માટે લિંક ઓપન કરી કેવાયસીની પ્રોસેસ શરૂ કરી હતી. તે સમયે દવાખાને ઈમર્જન્સીમાં દર્દી આવ્યું હતું. જેથી તેઓ દર્દીને ચકાસવા માટે ગયાં હતાં. બાદમાં થોડી વાર પછી તેમના ફોન પર એસબીઆઈ બેંકના આસીસ્ટન્ટ તરીકે ઓળખાણ આપી ગઠિયાએ ફોન કર્યો હતો અને કહેલું કે તમે ઓનલાઇન કેવાયસીની પ્રોસેસ કરો હું આપની મદદ કરું. જોકે, ઈમરજન્સી દર્દી હોવાથી ડોક્ટરે થોડી વાર પછી ફોન કરવા જણાવ્યું હતું. પરંતુ ગઠિયાએ ફોન ચાલુ જ રાખ્યો હતો.

બાદમાં ડો. ઇરફાને લિંક ઓપન કરતાં જ એક ઓટીપી આવ્યો હતો. જે નંબર નાખીને ફોર્મ સબમીટ કર્યું હતું. જો કે ફોર્મ સબમીટ થયું ન હતું. આમને આમ વારંવાર ઓટીપી આવતાં તેમણે ફોર્મ સબમીટ કરવાની પ્રોસેસ કરે રાખી હતી. છેલ્લે કંટાળીને તેમણે પ્રોસેસ કરવાનું બંધ કરી દીધું હતી.

ત્યારબાદ થોડી જ વારમાં તેમના મોબાઈલ ફોન પર એક પછી એક એસબીઆઈ બેંક તરફથી છ મેસેજ આવ્યા હતા. જે મુજબ તેમનાં બેંક એકાઉન્ટમાંથી તબક્કાવાર રૂ. 4 લાખ 16 હજાર 600 કપાઈ ગયા હતા. ત્યારે ડોકટર ઇરફાનને ગઠિયો કળા કરી ગયો હોવાનો અહેસાસ થયો હતો. જે અંગે તેમણે બેંકમાં ફરિયાદ કર્યા બાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પણ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...