દહેજ માટે ત્રાસ:સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી ગાંધીનગરની યુવતીને પ્રેમ લગ્ન ભારે પડ્યા, સુરતના હીરાઘસુને ફિલ્મી હીરો બનવું હતું

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમિકાના પિતા પિક્ચરમાં કામ કરતા હોય પ્રેમીને હીરો બનવાના અભરખા જાગ્યા

ગાંધીનગરની શિક્ષિત યુવતીને સુરતના હીરાઘસુ યુવક સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા પછી પ્રેમ લગ્ન કરવાં ભારે પડી ગયા છે. ગાંધીનગરની યુવતીને સાસુ સસરા કાર અને 10 તોલા સોનું માંગતા તો પ્રેમિકાના પિતા પિકચરમાં કામ કરતા હોવાથી હીરાઘસુ પ્રેમીને પણ ફિલ્મમાં હીરો બનવાના અભરખા જાગ્યા હતા. જેનાં કારણે દહેજ ભૂખ્યા સાસરિયાંના ત્રાસનાં કારણે યુવતીએ વખ ઘોળવાની પણ કોશિશ કરી હતી. આખરે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે.

સોશિયલ મીડિયાનાં માધ્યમથી યુવતીઓને ફસાવવામાં આવતી હોવાની વધુ એક ઘટના ગાંધીનગરની યુવતી સાથે ઘટી છે. ગાંધીનગરના સેકટર - 2/બી ખાતે રહેતી યુવતીનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના હીરાઘસુ યુવાન ભાર્ગવ હિતેશભાઈ ભરખડા સાથે થયો હતો. આ સોશિયલ મીડિયાનો પરિચય સમય જતાં પ્રેમમાં પાંગર્યો હતો. જેનાં કારણે યુવતીએ તેના પરિવારની મંજૂરી વિના 1 ફેબ્રુઆરી 2018 નાં રોજ ધોરાજી ખાતે રજીસ્ટર મૅરેજ ભાર્ગવ સાથે કરી લીધા હતા.

ત્યારે દીકરીની જીદ સામે પરિવારજનોએ તેના પ્રેમી ભાર્ગવનો સ્વીકાર કરીને બન્નેનાં 9 મી ડિસેમ્બર 2018 નાં રોજ હિન્દુ શાસ્ત્રોકત વિધિ અનુસાર લગ્ન કરાવી આપ્યાં હતાં. તે સમયે યુવતી પિયરમાંથી દર દાગીના, ફર્નિચર સહિતનું કરિયાવર લઈને લગ્નના ઓરતા પૂરા કરવા માટે સાસરી સુરત નાં શેખપૂર રહેવા લાગી હતી. પરંતુ તેને ક્યાં ખબર હતી કે જે સપનાઓ લઈને પ્રેમ લગ્ન કરી ચૂકી છે તે પતિ સહિતના સાસરીઓ દહેજ ભૂખ્યા છે.

થોડાક દિવસોમાં જ સાસુ કાંતાબેન, નણંદ સ્નેહાએ ભાર્ગવની ચઢવણી કરવાનું શરૂ કરી દેતાં તેણીને શારીરિક માનસિક ત્રાસ મળવા લાગ્યો હતો. એટલે સુધી કે નણંદ સ્નેહા હર હંમેશ દંપતીની જોડેને જોડે રહેતી હોવાથી નવ યુગલ ભેગા પણ થઈ શકતા ન હતા. એવામાં સાસુ અને સસરા હિતેશભાઈએ તો પુત્રવધૂ પાસે દહેજ પેટે કાર અને 10 તોલા સોનું પણ સાસરીમાંથી લઈ આવવા માટે ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો.

જો કે પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોય યુવતીને મૂંગા મોઢે ત્રાસ સહન કર્યા સિવાય કોઈ આરો બચ્યો ન હતો. એટલે સુધી કે તેણીની બધી વસ્તુઓ પણ નણંદ ઉપયોગ કરવા લાગી હતી. તો સાસુ સસરા પણ હીરાઘસુ પુત્ર ભાર્ગવનો બધો પગાર લઈ લેતા હોવાથી તેણીને પિયરમાંથી ખર્ચના રૂપિયા માંગવા પડતાં હતાં. એક દિવસ ભાર્ગવ તેની પત્નીને કહેવા લાગ્યો હતો કે તારા પિતા ગુજરાતી પિક્ચરમાં કામ કરે છે તો મને પણ હીરો બનાવી દે. જે શક્ય ન બનતાં ભાર્ગવ પત્નીને વધુને વધુ ત્રાસ આપી દહેજ પેટે રૂપિયાની માંગણી કર્યા કરતો હતો.

સાસરિયાનો ત્રાસ ઓછો હોય તેમ મામા સસરા અશોક માધવભાઈ વિસાવાડિયા પણ શેખપૂર આવીને ભાણિયા ભાર્ગવની કાન ભંભેરણી કરી દહેજ માટે ઉશ્કેરતો હતો. આખરે પતિ, સાસુ, સસરા, નણંદ અને મામા સસરાના અસહ્ય ત્રાસથી કંટાળી ને તેણીએ દવા પીને જીવન ટૂંકાવી લેવાની કોશિશ પણ કરી હતી. જે પછી તેના પિતા સુરત જઈને તેને ગાંધીનગર લઈ આવ્યા હતા. જે પછી પણ સમાધાન માટેના પ્રયત્નો નિષ્ફળ રહેતાં આખરે ગાંધીનગરની યુવતીએ સુરતના દહેજ ભૂખ્યા સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...