અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં લાગેલી આગની ઘટનાએ અનેક લોકોને હચમચાવી દીધા છે. જેમાં શનિવારની સવારે આગની ઘટનામાં પ્રાંજલ નામની કિશોરીનું મોત થયું હતું. 7માં માળે લાગેલી આગમાં ફાયર જવાનો પહોંચી ન શકતાં અને સ્નોરકેલ પણ પહોંચી ન શકતાં પ્રાંજલનો જીવ ગયો હતો.
ત્યારે સમગ્ર મુદ્દે ફાયર જવાનોની સતર્કતા અને ફાયર સાધનાનો ઉપયોગનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ફાયરના સાધનોની જાળવણી માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે. ત્યારે ખરા સમયે જ તે કામમાં ન આવે તો કરોડોના ખર્ચ તો પાણીમાં જાય જ છે. પરંતુ તેનાથી પણ દુ:ખદ બાબત એ છે કે કોઈ નિર્દોષનો જીવ જતો રહે છે.
હાઈડ્રોલિક પ્લેટફોર્મની આકસ્મિક સમયે તે ઉપયોગમાં જ ન આવે તેવી સ્થિતિ
ગાંધીનગર મનપાના ફાયર વિભાગ પાસે પણ 42 મીટરની ઉંચાઈ સુધી જઈ શકાય તેવું હાઈડ્રોલિક પ્લેટફોર્મ છે. ગાંધીનગરની હાઈરાઈઝ બિલ્ડિંગમાં અમદાવાદ જેવી કોઈ ઘટના બને તો હાઈડ્રોલિક પ્લેટફોર્મ કામમાં જ ન આવે તેવી સ્થિતિ છે. આધારભૂત સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મનપા પાસે રહેલાં 42 મીટરના હાઈડ્રોલિક પ્લેટફોર્મને 10થી 12 લાખ જેટલો રિપેરિંગનો ખર્ચ છે. જે બાકી હોવાથી આકસ્મિક સમયે તે ઉપયોગમાં જ ન આવે તેવી સ્થિતિ છે.
6 માસ પહેલાં 80 લાખનો ખર્ચ થયો છે
કરોડોના ખર્ચે લવાયેલા હાઈડ્રોલિંગ પ્લેટફોર્મના રિપેરિંગ માટે 2020માં જ ટેન્ડર સહિતની પ્રક્રિયા કરાઈ હતી. જોકે કોરોનાકાળ સહિતના કારણોથી તેના રિપેરિંગમાં મોડું થયું હતું. આધારભૂત સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તંત્ર દ્વારા છ મહિના પહેલાં જ અંદાજે 80 લાખથી વધુનો ખર્ચે રિપેરિંગ કરીને તેને પરત લવાયું હતું. જોકે તેના ટેસ્ટિંગ સમયે જ તેમાં વધુ 10-12 લાખનો ખર્ચ થાય એમ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે 80 લાખથી વધુના ખર્ચમાં કેટલી કામગીરી થઈ તેની તપાસ થાય તે પણ જરૂરી બની ગયું છે.
હાલ ફાયર જવાનોની સૂઝબૂઝ કામ આવે છે
ગાંધીનગર વિસ્તારમાં ન કરેને આવી કોઈ હાઈરાઈઝ બિલ્ડિંગમાં આવી ઘટના બને તો કોઈ સાધનની મદદથી ત્યાં પહોંચી શકાય તેવું સ્થિતિ નથી. ફાયર જવાનો પોતાની સૂઝબૂઝથી કે અન્ય કોઈ રસ્તે પહોંચે તે અલગ વાત છે. ત્યારે 42 મીટરના હાઈડ્રોલિક પ્લેટફોર્મની રિપેરિંગની કામગીરી ઝડપી થાય અને થયેલી કામગીરી યોગ્ય તપાસ થાય તે જરૂરી બની ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.