પરિવારે આકરી શરતો મંજૂર ન હોવાથી દીકરીની સગાઈ તોડી નાખી હતી. તેમ છતાં મુંબઈમાં રહેતી યુવતીએ એજ યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. જોકે, થોડા વખતમાં જ પતિ સહિતના સાસરિયા દહેજ માટે ત્રાસ આપવા લાગતા યુવતીને મા-બાપની મરજી વિના લગ્ન કરવાનું ભારે પડ્યું છે. આ મામલે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આકરી શરતોને લઇ માતા-પિતાએ સગાઇ તોડી હતી
મૂળ મુંબઈ બોરીવલી ઈસ્ટમાં રહેતી 26 વર્ષીય પરિણીતા હાલમાં ઝૂંડાલ ખાતે તેના મામાના ઘરે રહે છે. જેણે ઇન્ટિરિયર ડિઝાઇનરનો કોર્સ કરેલો છે. આજથી દોઢ વર્ષ અગાઉ તેના માતા પિતાની મરજીથી નવા કોબા મહાવીર હિલ્સમાં રહેતા ભૌતિક ચંદ્રેશભાઈ રાવલ સાથે સગાઈ થઈ હતી. જોકે, સગાઈ પછી ભૌતિક અને તેના માતા પિતાએ આકરી શરતો મૂકી હતી. જેનાં કારણે પરિવારે દીકરીની સગાઈ તોડી નાખી હતી. તેમ છતાં ભૌતિક સાથે તે વાતચીત કરતી રહેતી હતી.
પરિવારથી ઉપરવટ જઇ યુવતીએ લગ્ન કર્યા હતા
આ દરમિયાન તે બોરીવલી રહી નોકરી કરતી હતી. ત્યારે ભૌતિક સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા અને પરિવારની જાણ બહાર બંનેએ કોર્ટમાં લવ મેરેજ કરી લીધા હતા. તે વખતે સાસરિયા પણ લગ્નમાં હાજર રહ્યા હતા. પરંતુ પિયરિયા લગ્નમાં ગયા હતા. બાદમાં પરિણીતા લગ્નજીવનના હક્કો ભોગવવા માટે સાસરી નવા કોબા મહાવીર હિલ્સમાં આવીને રહેવા લાગી હતી.
દહેજ માટે સાસરિયાઓએ ત્રાસ આપ્યો
લગ્નના થોડા સમયમાં જ પતિ સહિતના સાસરિયાઓએ દહેજ માટે પોત પ્રકાશતા પરિણીતાને માતા પિતાની મંજૂરી વિના લગ્ન કરવાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો, પરંતુ ઘર સંસાર તૂટે નહીં અને પિયરની ઉપર વટ જઈને લગ્ન કર્યા હોવાથી પરિણીતાને મૂંગા મોઢે ત્રાસ સહન કર્યા વિના કોઈ છૂટકો રહ્યો ન હતો. સાસુ સસરા, જેઠ તેમજ મોટા સસરા, ફોઇ સાસુ ચઢાવણી કરતાં પતિ ભૌતિક મારઝૂડ પણ કરવા લાગ્યો હતો.
આખરે યુવતીએ ફરિયાદ નોંધાવી
સાસરિયાઓ પિયરમાંથી દાગીના લઈ આવતા માટે દબાણ કરી કોઈ પ્રસંગમાં પરિણીતાના માતા પિતા ભેગા થાય તો વાતચીત પણ કરવા દેતા ન હતા. ત્યારે ગત તા. 20મી મેના રોજ ભૌતિક સહિતના સાસરિયાએ વધુ ઝગડો કરી દહેજની માંગણી કરતા આખરે પરિણીતા તેના મામાના ઘરે રહેવા જતી રહી હતી. છેવટે સાસરિયા તરફથી કોઈ દરકાર કરવામાં આવતાં તેણીએ પતિ ભૌતિક, સસરા ચંદ્રેશ, સાસુ તરુંબેન, જેઠ તરુણ તેમજ હીતેન્દ્ર રાવલ, મધુબેન રાવલ તેમજ અતુલ રાવલ વિરુદ્ધ ઈન્ફોસિટી પોલીસ મથકમાં દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.