સ્વાસ્થ્યકર્મીઓનું સન્માન:ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ગાંધીનગરના સ્વાસ્થ્ય કર્મયોગીઓને પોલીસ બેન્ડ થકી અભિનંદન પાઠવવામાં આવ્યાં

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં 100 કરોડ જનતાને કોવિડ વેક્સિનેશન આપી વૈશ્વિક સિદ્ધિ મેળવવા બદલ ગાંધીનગર પોલીસે અભિનંદન પાઠવ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશીભર્યા નેતૃત્વ હેઠળ ભારતની 100 કરોડ જનતાને કોવિડ વેક્સિનેશન આપી વૈશ્વિક સિદ્ઘિ મેળવી છે. આ સિદ્ઘિ સ્વાસ્થ્ય સેવાના નિષ્ઠાવાન કર્મયોગીઓનું યોગદાન મૂલ્યવાન છે. તેમનું સન્માન નહિ, પણ આ કાર્ય બદલ બે હાથ જોડી નમન કરવું જોઇએ, તેવું આજરોજ ગાંધીનગરના સેકટર- 2, અર્બન હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલ સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓના અભિનંદન સમારંભમાં રાજય ગૃહ મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું.

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા દેશમાં 100 કરોડ નાગરિકોને રસી આપવાનું ઉમદા કાર્ય કરનાર સ્વાસ્થ્ય સેવાના કર્મચારીઓને અભિનંદન પાઠવવાના અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ આ ભગીરથ કાર્યને ખૂબ જ સરળતાથી કરનાર સર્વે કોવિડ રસીકરણ સાથે સંકાળાયેલા તમામ કર્મયોગીઓનું પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું.

આ સન્માન સમારંભમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોવિડ રસીકરણનું અભિયાન શરૂ થયું હતું. ત્યારે લોકો વિચારતા હતા કે, ભારત દેશ આટલી મોટી જનસંખ્યાને કયારે રસી આપી શકશે. પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વ થકી આ કામ આપણે શરૂ કરીને ખૂબ જ ટુંકા સમયમાં દેશના 100 કરોડ નાગરિકોને રસી આપીને કોવિડ સામે સુરક્ષિત કર્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, આટલા મોટા દેશમાં આ કામ ખૂબ કપરું હતું. તે છતાં આરોગ્ય સેવા સાથે સંકાળાયેલા ર્ડાકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય કર્મયોગી થકી ગામેગામ આ રસીકરણનું કામ ઝુંબેશ રૂપે શરૂ થયું હતું. જેની ફલશ્રૃતિ રૂપે આજે 100 કરોડની રસીકરણનો આંક હાંસલ કર્યો છે. ભારતની આ શક્તિને જોઇને વિશ્વના સૌ કોઇ લોકો વિચાર કરતા થઇ ગયા છે. આ કામ સાથે સાથે લોકોમાં કોવિડ રસીકરણને લઇ મનમાં ઉદભવતા અનેક સવાલો સામે લોકજાગૃતિ પણ લાવવામાં આવી છે. આજે સર્વે લોકો વિશ્વાસભેર રસી લઇ રહ્યા છે.

આ અભિનંદન સમારંભમાં જિલ્લા પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતોની સંગીત સૂરાવલિ રજૂ કરીને સર્વે સ્વાસ્થ્ય કર્મયોગીનું સન્માન કર્યું હતું. પોલીસ બેન્ડના આ સન્માનને આરોગ્ય કર્મીઓએ ઝીલ્યું હતું. ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી અને મહાનુભાવોના હસ્તે ર્ડાકટરો, નર્સો, આશાવર્કર બેનો, પેરા મેડિકલ સ્ટાફ સહિત અન્ય આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જસંવતભાઇ પટેલ, જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, મહાનગરપાલિકાના કમિશનર ર્ડા. ધવલ પટેલ, જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...