આજે ગાંધીનગરના રાયસણ ખાતે લીંબજ માતાજી સેવા ટ્રસ્ટના ઉપક્રમે જિલ્લા કક્ષાના 72 માં વન મહોત્સવની સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
આ પ્રસંગે દીપ પ્રાગટય કરી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, વનીકરણ કાર્યક્રમને સાર્થક કરવા માટે આપણે સૌએ વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી છે, તો જ આપણા સૌનું ‘ હરિયાળા ગુજરાત’ નું સપના સાકાર થશે. સમગ્ર દેશમાં વૃક્ષો અંગેની જાગૃતિ લાવવા માટે અને વૃક્ષોની સંખ્યા વધારવા માટે વન મહોત્સવનો આરંભ ગુજરાતના સપૂત કનૈયાલાલ મુનશીએ વર્ષ- 1950માં કરી હતી.
રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2004થી વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે એક સાંસ્કૃતિક વન નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો. જેની ફળશ્રુતિ રૂપે ગાંધીનગરના આંગણે પુનિત વન નિર્માણ થયું છે.
પંખી વિના વૃક્ષ અને વૃક્ષ વિનાની પૃથ્વી જેમ કલ્પી શકાતી નથી, એવું કહી મંત્રીએ ઉમેર્યું હતું કે, વિના કારણે વૃક્ષોનું નિકંદન કરવું તે મહાપાપ છે. સમગ્ર સૃષ્ટિનો આધાર વૃક્ષો પર રહેલો છે. વ્યક્તિના જીવનમાં જન્મથી મરણ સુધી વૃક્ષ કેવી રીતે વણાયેલું છે, તેની ર્દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. વન મહોત્સવ એટલે વૃક્ષોની પૂજા કરવાનો ઉત્સવ એવું કહી તેમણે ઉમેર્યું હતું કે, ભૌતિકવાદ થકી આજે પર્યાવરણમાં અસંતુલન આવ્યું છે. જેના કારણે આજે આપણે સૌ ગ્લોબલ વોર્મિંગની અસરનો અનુભવ કરી રહ્યા છીએ.
ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં વૃક્ષનું જતન કરવું અને તેનું મહત્વ આપણને સમજાવવામાં આવ્યું છે. ગ્રીન ગાંધીનગર બનાવવા માટે સર્વે નાગરિકોને વૃક્ષારોપણ કરવાનું આહવાન કર્યું હતું.
ગાંધીનગર વર્તુળના મુખ્ય વન સંરક્ષક એફ. એલ. ખોબુંગે જણાવ્યું હતું કે, સામાજિક વનીકરણ થકી શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા સારો વઘારો થયો છે. તેમણે ગ્રીન ગુજરાત એપ વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે, જેના થકી કઈ નર્સરીમાં કેટલા રોપા ઉપલબ્ધ છે, તેની માહિતી તમામ નાગરિકોને મળી શકે છે. તેમજ વનખાતાને વિવિધ યોજનાઓની પણ માહિતી મેળવી શકે છે.
ગાંધીનગર જિલ્લાના નાયબ વન સંરક્ષક એસ.એમ. ડામોરે મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં 394 હેક્ટરમાં વનીકરણ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમાં 3 લાખ 70 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. 72મા વન મહોત્સવ નિમિત્તે સમગ્ર જિલ્લામાં 19 લાખ 70 હજાર રોપાઓનું વિના મૂલ્ય વિતરણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જેમાંથી 12 લાખથી વધુ રોપાઓનું વિના મૂલ્ય વિતરણ થઇ ગયું છે. આગામી સમયમાં જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ અને 100 ગામોમાં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરી રોપાઓનું વાવેતર કરવામાં આવશે.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી એસ.એમ.ભોરણિયા,લીંબજ માતાજી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી સહદેવ દેસાઈ સહિત ટ્રસ્ટી ગણ અને આમંત્રિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.