આવકમાં વધારો થતા આર્થિક રાહત:ગાંધીનગર ડેપોની 2021-22માં વિદ્યાર્થી પાસમાં 10,57,495ની આવક વધી

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષની​​​​​​​ સરખામણીએ મુસાફર પાસમાં ચાલુ વર્ષે રૂપિયા 1.85 લાખની આવકમાં વધારો થયો

કોરોનાકાળમાં નગરના ડેપોએ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પાસની આવકમાં વધારો થયો છે. તેમાં વિદ્યાર્થી પાસની આવકમાં 6 ગણો એટલે રૂપિયા 1057495ની આવકમાં વધારો થયો છે.જ્યારે મુસાફર પાસમાં ગત વર્ષ કરતા આવકમાં રૂપિયા 1.85 લાખની વધારો થયો છે.

છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારીમાં સૌથી વધુ આર્થિક માર એસ ટી નિગમે સહન કર્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ બનાવી છે. તેમાં વિદ્યાર્થીઓ અને મુસાફર પાસની યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

પરંતુ કોરોનાની મહામારીમાં શાળા અને કોલેજો બંધ રહેતા તેની આવકમાં ઓટ આવી હતી. ઉપરાંત મુસાફર પાસની આવકમાં પણ નિગમને ખોટ સહન કરવી પડી હતી. ગત વર્ષ-2020-21ના દરમિયાન નગરના ડેપોને મુસાફર પાસની કુલ આવક 9136904ની થઇ હતી. જ્યારે તેની સામે વર્ષ-2021-22માં 9321990ની આવક થઇ છે. આથી મુસાફર પાસની આવકમાં રૂપિયા 185086નો વધારો થયો છે.

ઉપરાંત શાળા અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ રેગ્યુલર શરૂ થઇ જતા વિદ્યાર્થીઓ પાસની આવકમાં છ ગણો વધારો થયો છે. ગાંધીનગરના ડેપોએ ગત વર્ષ-2020-21માં વિદ્યાર્થી પાસની આવક રૂપિયા 262003ની થઇ હતી. જ્યારે તેની સામે વર્ષ-2021-22માં વિદ્યાર્થી પાસની આવક રૂપિયા 1319498ની થઇ છે. આથી ડેપોને વિદ્યાર્થી પાસની આવકમાં રૂપિયા 1057495નો વધારો થયો હોવાનું ડેપો મેનેજર કિર્તન પટેલે જણાવ્યું છે. આથી બે વર્ષથી આર્થિક માર સહન કરતા ડેપોની આવકમાં વધારો સપોર્ટ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...