આસારામને આજીવન કેદ:સુરતની યુવતી પર દુષ્કર્મના કેસમાં ગાંધીનગર કોર્ટે સજા ફટકારી, 9 વર્ષથી કેસ ચાલતો હતો

ગાંધીનગર2 મહિનો પહેલા

આસારામને જોધપુર બાદ હવે ગાંધીનગર કોર્ટમાં ચાલતા દુષ્કર્મ કેસમાં પણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સુરતની એક મહિલાએ વર્ષ 2013માં આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા ગઈકાલે આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષે વકીલો દ્વારા સજા માટે દલીલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા આજે આસારામને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે.

આસારામને કઈ કલમ હેઠળ કેટલી સજા?
ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસારામને કલમ 376 હેઠળ આજીવન કેદ, 377 હેઠળ આજીવન કેદ, 354 હેઠળ એક વર્ષ, 342 હેઠળ 6 મહિના, 357 હેઠળ 1 વર્ષ અને 506(2) હેઠળ એક વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત પીડિતાને 50 હજારનું વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે.

9 વર્ષથી ચાલતા આ કેસમાં સજા
સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો સુરતની બે યુવતીઓ પર વર્ષ 2001માં થયેલા દુષ્કર્મ બાદ વર્ષ 2013માં આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ સહિત અને 6 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. છેલ્લાં 9 વર્ષથી ચાલતા આ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે.

6 સહઆરોપીઓને નિર્દોષ જાહેર કરાયા
આ કેસમાં આસારામનાં પત્ની અને પુત્રી સહિત કુલ 6 સહઆરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતાં. આસારામના વકીલ સીબી ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ કેસની ફરિયાદ 2013માં કરવામાં આવી હતી જ્યારે પીડિતાએ જે આરોપો મૂક્યા છે તેનો સમયગાળો 2001નો છે. આ કેસમાં પહેલાં 8 આરોપીઓ હતાં. જેમાંથી આસારામ અને અન્ય છને આરોપી બનાવ્યા હતા અને એક આરોપી જેનું નામ અખિલ છે, તેને પ્રોસિક્યુશને સાક્ષી બનાવ્યા હતા.

2014માં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી
તેમણે વધુમાં કહ્યું, આ રેપ કેસમાં વર્ષ 2014માં જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી, તેમાં સાતને આરોપી દર્શાવવામાં આવ્યા હતા. વર્ષ 2016માં આરોપો નક્કી (ચાર્જ ફ્રેમ) કરવામાં આવ્યા હતા. ત્યારબાદ લાંબી મેરેથોન સુનાવણી બાદ આસારામને કોર્ટે સજા કરી છે અને બાકીના છ આરોપીઓ તેમનાં પત્ની, તેમનાં દીકરી અને તેમના આશ્રમનાં ચાર મહિલા વ્યવસ્થાપકોને મુક્ત કરવામાં આવ્યાં છે. ચુકાદાનો અભ્યાસ કરીને તેઓ આ ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરશે.

'જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી'
પીડિતા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે, ગુરુપૂર્ણિમા આવતી હતી ત્યારે આસારામે તેમને વક્તા તરીકે પસંદ કરવાનું કહ્યું હતું અને બાદમાં વક્તા તરીકે પસંદ કરી હતી. ત્યારબાદ આસારામના ફાર્મહાઉસ શાંતિવાટિકા પર બોલાવવામાં આવી હતી. આશ્રમના અન્ય વ્યક્તિ તેને આસારામના ફાર્મહાઉસ પર લઈ ગયા હતા. જ્યાં આસારામે હાથ-પગ ધોઈને રૂમની અંદર બોલાવી હતી અને બાદમાં ઘીની વાટકી મંગાવી માથામાં માલિશ કરવાનું કહ્યું હતું. માલિશ કરતા સમયે આસારામે અડપલાં શરૂ કરતા ભોગ બનનારે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા આસારામે 'જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી' કહી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ અકુદરતી રીતે સેક્સ કર્યું હતું. ત્યારબાદ ધમકી આપી ત્યાંથી રવાના કરી હતી.

સુરત મહિલાએ આસારામ સામે નોંધાવી હતી ફરિયાદ
સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં કોર્ટ દ્વારા આજે આજે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં આરોપીઓનાં નિવેદન લેવાયાં હતાં
આસારામ વિરુદ્ધ દુષ્કર્મના કેસ મામલે ગાંધીનગર કોર્ટમાં ઓગસ્ટ મહિનામાં આસારામ સહિતના આરોપીઓનું ફરધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. જેમાં જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેસન્સ કોર્ટમાં હાજર રહ્યો હતો. ત્યારે કોર્ટ કમિશન દ્વારા જોધપુર કોર્ટમાં જઈને આસારામની સહીઓ પણ લેવાઈ હતી.

આસારામ હાલ જોધપુરની જેલમાં બંધ
આસારામને દુષ્કર્મના અન્ય એક કેસમાં સજા પડી હોવાથી હાલ તે જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં તેમની સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં આસારામને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં દસ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલાં તેમના દ્વારા જામીન પણ માગવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...