આજીવન કેદની સજા:નવનીત પ્રકાશનના માલિકનું અપહરણ કરી 5 કરોડની ખંડણી માંગી હત્યા કરનાર છ આરોપીને ગાંધીનગર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના એસ.જી.હાઈવે વૈષ્ણવદેવી સર્કલ પાસેથી અપહરણ કર્યું હતું

પાંચ વર્ષ અગાઉ 2017માં નવનીત પ્રકાશનના માલિકનું અપહરણ કરી 5 કરોડની ખંડણી માંગીને હત્યાને અંજામ આપનાર છ આરોપીને ગાંધીનગરનાં ત્રીજા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ ડી કે સોનીએ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં તત્કાલિન પોલીસ વડા વીરેન્દ્ર યાદવના સુપરવિઝન હેઠળ તત્કાલીન એલસીબી પીઆઈ જુગલ પુરોહિતે તલસ્પર્શી તપાસ હાથ ધરીને કોર્ટમાં 125 પાનાની ચાર્જશીટ રજુ કરવામાં આવતાં સરકારી વકીલ પ્રિતેશ વ્યાસ દ્વારા 139 સાહેદો તપાસીને ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી.

આ કેસની વિગતો મુજબ અમદાવાદના એસ.જી.હાઈવે વૈષ્ણવદેવી સર્કલ પાસેથી રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ ગયેલા શૈક્ષણિક પુસ્તકોના પ્રકાશક નવનીત પ્રકાશનના ડાયરેકટર નવીનભાઈ શાહની બે દિવસ બાદ અરવલ્લી જિલ્લાના માલપુર નજીકથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.

નવીનભાઈ શાહની 5 કરોડની ખંડણી, અપહરણ અને હત્યા મામલે જીગ્નેશ ઉર્ફે જીગો કિશનભાઈ ભાવસાર, રમેશ મથુરભાઈ પટેલ, શૈલેષ ઉર્ફે એસપી પ્રભુદાસ પટેલ, બંકિમ નરોત્તમ પટેલ, ઉત્પલ જગદીશભાઈ પટેલ, પરીન જગદીશભાઈ ઠક્કરની સંડોવણી બહાર આવતાં એલસીબીના તત્કાલીન પીઆઈ અને હાલમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા જુગલ પુરોહિતે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી મજબૂત પુરાવા એકત્ર કરીને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. જેમાં મૌનીક પટેલ અને શંકર રાજેન્દ્ર ગોસ્વામી નાસતા ફરતા હતા.

આ ગુનાને અંજામ આપવા માટે અગાઉથી જ આરોપીઓએ કાવતરું રચ્યું હતું. જેનાં ભાગરૂપે શૈલેષ પટેલે ખોટા દસ્તાવેજોનાં આધારે સીમકાર્ડ ખરીદ્યું હતું. બાદમાં બંકિમ પટેલે ખોટું નામ ધારણ કરીને નવીનભાઈને યુનિયન બહાને બોલાવીને 5 કરોડની ખંડણી માટે અપહરણ કરી લીધું હતું. જ્યારે નવીન ભાઈને ડરાવવા મૌનીક પટેલે એરગનથી ફાયરિંગ કર્યું હતું. જ્યારે શંકર ગોસ્વામી, રમેશ પટેલ, પરીન ઠક્કર અને મૌનીકે મોઢા, નાક અને પગના ભાગે સેલોટેપ વીંટાળી દીધી હતી. અને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે ઝપાઝપી દરમ્યાન નવીનભાઈનો દોરી તૂટી જતાં રમેશ પટેલે રાખી લીધો હતો.

બાદમાં લાશને સગેવગે કરવા માટે શૈલેષ પટેલે ગાંધીનગર થઈ મોડાસા , માલપુર તરફ ગાડી હંકારી મુકી હતી. શરૂઆતથી આરોપીઓએ અગાઉથી બનાવી રાખેલ નંબર પ્લેટ ગાડીમાં લગાવી દીધી હતી. અને પુરાવાનો નાશ કરવા નવીનભાઈનું આઈડી પ્રૂફ સહિત ગુનામાં ઉપયોગમાં લીધેલી વસ્તુઓ વાત્રક નદીમાં ફેંકી દીધી હતી. અને મૃતકે પહેરેલી હીરાની વીંટી કાઢી લઈ લાશને અરવલ્લીના માલપુર નજીક આવેલ ગાંજણ ગામની સીમમાં ફેંકી ફરાર થઇ ગયા હતા.

આ કેસ ગાંધીનગરના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ ડી કે સોનીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પ્રિતેશ વ્યાસે 139 સાહેદોને તપાસી એલસીબીના તત્કાલીન પીઆઈ જુગલ પુરોહિતે મૂકેલી 125 પાનાની ચાર્જશીટની સરતપાસ પણ કરી હતી. ઉપરાંત 164 ના નિવેદન પણ લેવાયા હતા. અને સરકારી વકીલ પ્રિતેશ વ્યાસે સમાજમાં આવા બનાવો બનતા રહેતા હોઇ સમાજમાં દાખલો બેસે એ રીતે કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજાની દલીલો કરી હતી. જેમની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે જીગ્નેશ ઉર્ફે જીગો કિશનભાઈ ભાવસાર, રમેશ મથુરભાઈ પટેલ, શૈલેષ ઉર્ફે એસપી પ્રભુદાસ પટેલ, બંકિમ નરોત્તમ પટેલ, ઉત્પલ જગદીશભાઈ પટેલ, પરીન જગદીશભાઈ ઠક્કરને આજીવન કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઉક્ત કેસ કોર્ટના ડિરેક્શન મુજબ ડે ટુ ડે ચલાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...