મહેસુલ મંત્રીની રેડના પડઘા:ગાંધીનગર કલેક્ટરે એકસાથે 11 મામલતદારોની બદલી કરી, નાયબ મામલતદાર ઈશ્વર દેસાઈને કરાયા હતા સસ્પેન્ડ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસુલ મંત્રીએ રેડ પાડીને નાયબ મામલતદારની જગ્યાએ અન્ય વ્યક્તિને કામ કરતો ઝડપ્યો હતો

ગાંધીનગર કલેક્ટર કચેરીની મહેસુલ શાખામાં છેલ્લા પાંચેક મહિનાથી ચાલતી પોલમ પોલનો રાજ્ય મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રેડ પાડીને નાયબ મામલતદાર ઈશ્વર દેસાઈની જગ્યાએ નિવૃત તલાટીને સરકારી કામકાજ કરતા રંગેહાથ ઝડપી લેવાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેનાં ભાગરૂપે આજે કલેકટર ડો. કુલદીપ આર્યએ જાહેરહિતમાં એક સામટાં 11 નાયબ મામલતદારોની આંતરિક બદલીઓ કરી છે.

ગાંધીનગર કલેક્ટર કચેરીની મહેકમ શાખા છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારનાં આક્ષેપોથી ખદબદી રહી રહી હતી. જે બાબતે રાજ્ય મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને વીડિઓગ્રાફિ સાથેના પુરાવા આપવામાં આવ્યા હતા. જેનાં પગલે મહેસુલ મંત્રીએ 29મી એપ્રિલના રોજ સામાન્ય વ્યક્તિની જેમ કચેરીની બહાર પોતાની ગાડી ઉભી રખાવી ચાલતાં જઈને મહેસુલ શાખામાં રેડ પાડવામાં આવી હતી.

અચાનક મહેસુલ મંત્રી ત્રિવેદીની એન્ટ્રી થતાં જ કચેરીમાં રીતસરનો સોપો પડી ગયો હતો. એ સમયે સર્કલ ઓફિસર ઈશ્વર દેસાઇના ટેબલ પર બેસીને એક વૃદ્ધ સરકારી ફાઈલો જોતા હતા. આ દ્રશ્ય જોઈને મંત્રી ચોંકી ઉઠ્યા હતા. એક મહિલા કર્મચારી પાસે જઈને વૃદ્ધ કેટલા સમયથી ઓફિસમાં આવીને સરકારી કામકાજ કરી રહ્યા હોવાની વિગતો પૂછવામાં આવી હતી. ત્યારે મહિલા કર્મચારીએ વૃદ્ધ પાંચેક માસથી બેસતાં હોવાની વાત સ્વીકારી લીધી હતી.

આ સાંભળીને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નાયબ મામલતદાર ઈશ્વર દેસાઈનો ઉધડો લેવામાં આવ્યો હતો. ત્યારે મંત્રીનું આકરું વલણ જોઈને ઈશ્વર દેસાઈ પણ બે હાથ જોડીને માફી માંગવા લાગ્યા હતા. વૃદ્ધની વિગતો મેળવતા વૃદ્ધ નિવૃત તલાટી હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી. જે બાબતે મંત્રીએ કલેક્ટર અને ડેપ્યુટી કલેકટરને પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

આથી કલેકટરે નાયબ મામલતદાર ઈશ્વર દેસાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ મહેસુલ શાખામાં ચાલતી પોલમ પોલના પગલે મંત્રીનું પણ આકરું વલણ હોવાથી આજે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેનાં ભાગરૂપે ગાંધીનગર કલેક્ટર ડો. કુલદીપ આર્યએ જિલ્લાના એક સાથે 11 નાયબ મામલતદારોની જાહેરહિતમાં બદલી કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...