ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા નિઃશુલ્ક 1600 સર્જરી સફળતા પૂર્વક પૂર્ણ કરીને મૂક બધિર બાળકોને સાંભળતાં કરવામાં આવ્યા છે. આજે વર્લ્ડ હિયરીંગ ડે નિમિત્તે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકનું ગાંધીનગર ખાતે વિમોચન કરી કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાવેલા બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો.
જન્મજાત મૂક-બધિર બાળકોએ શ્રવણશક્તિ મેળવી જીવનમાં પ્રથમવાર અવાજની કરેલી અનૂભુતિ અને નવજીવને અનેક પરિવારોમાં આનંદ પ્રસરાવ્યો છે તેની સફળ વાતો રજૂ કરતું ડૉ.નીરજ સુરીનું પુસ્તક ‘ધ હિયરીંગ ટેલ્સ’ નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોકલીયર ઇમ્પ્લાન્ટ દ્વારા શ્રવણશક્તિ મેળવેલા 10 જેટલા ભુલકાંઓ સાથે વાત્સલ્યસભર સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે WHO દ્વારા 2007 થી 3 માર્ચે આ વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરીંગ ડે ઉજવવામાં આવે છે.
ગાંધીનગર સિવીલ હોસ્પિટલના કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટરના સર્જન ડૉ. નીરજ સુરી લેખિત-સંપાદિત ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકમાં એવા બાળકોની વાતો કરવામાં આવી છે જેમણે રાજ્ય સરકાર દ્વારા વિનામુલ્યે મળેલી સારવારથી જીવનમાં પહેલ વહેલી વાર અવાજની અનૂભુતિ કરી છે. આવા બાળકોના માતા-પિતા અને સમગ્ર પરિવારમાં આના પરિણામે આવેલા પરિવર્તન-બદલાવ અંગેના પ્રતિભાવો પણ પુસ્તકમાં સમાવિષ્ટ છે.
આજે વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરીંગ ડે ના દિવસે પ્રકાશિત થયેલું આ પુસ્તક સમાજમાં મૂક-બધિરતા સામે વહેલું અને વેળાસરનું નિદાન, સારવાર માટેની જનજાગૃતિનું સંવાહક બનશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પુસ્તક વિમોચન વેળાએ ઉપસ્થિત સ્પીચ થેરાપીસ્ટ, તબીબો અને કોકલીયર ઇમ્પ્લાન્ટ દ્વારા શ્રવણશક્તિ મેળવેલા બાળકોના પરિવારો સાથે પણ વાતચીત કરીને વિગતો મેળવી હતી.
બાળકોમાં રહેલી જન્મજાત મૂક-બધિરતા દૂર કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારે ફ્રી ઇમ્પ્લાન્ટ યોજના 2015ના વર્ષથી શરૂ કરીને 6 વર્ષથી નાની વયના બાળકો માટે ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટર કાર્યરત કરેલું છે અને સમગ્ર રાજ્યમાં આ પ્રોગ્રામ નો અમલ કરવામાં આવે છે.હિયરીંગ લોસ ધરાવતા બાળકોને અદ્યતન આરોગ્ય સેવાઓથી આ કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી અને ત્યારબાદ સ્પીચ થેરાપીના નિઃશુલ્ક 100 જેટલા સેશન્સ બાળકને સામાન્ય બાળક જેવું જીવન આપવામાં મહત્વનું પ્રદાન કરે છે.
રાજ્યના આવા હિયરીંગ લોસ ધરાવતા બાળકોના સામાજીક, ભાવનાત્મક, વર્તન વાણી- વિકાસ થી સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર બાળક દીઠ રૂ. પાંચ લાખથી વધુના અંદાજીત ખર્ચે થતી સારવાર વિનામુલ્યે આપે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં જરૂરતમંદ 2750 બાળકોના કોકલીયર ઇમ્પ્લાન્ટ વિનામુલ્યે કરવામાં આવ્યા છે. ગાંધીનગરની સિવીલ હોસ્પિટલમાં આવા 1600 થી વધુ ઓપરેશન થયા છે. એટલું જ નહિ, બાળક ઇમ્પ્લાન્ટ કરાવીને તેના ઘરે જાય પછી એક-બે વર્ષ સુધી તેના પૂનર્વસન માટે સિવીલ હોસ્પિટલ સામે ચાલીને ફોલોઅપ લે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના આરોગ્ય વિભાગે દરેક જિલ્લામાં ન્યૂ બોર્ન હિયરીંગ સ્ક્રીનીંગ OAE મશીન કાર્યરત કર્યા છે. આના પરિણામે, નાના અને નવજાત શિશુની આવી મૂક-બધિરતાની બિમારીનું વ્હેલીતકે નિદાન અને અદ્યતન સારવારથી ઇલાજ શકય છે. આવી સારવાર દ્વારા કોકલીયર ઇમ્પ્લાન્ટથી શ્રવણશક્તિ મેળવી સામાન્ય બાળક જેવું જીવન જીવતા ભુલકાંઓ સાથે ભૂપેન્દ્ર પટેલે લાાગણીસભર સંવાદનો સેતુ સાધ્યો તે વેળાએ પુસ્તકના લેખિકા-સંપાદક ડૉ. નીરજ સુરી, રાજ્યમાં અંગદાન જાગૃતિના પ્રેરણાસ્ત્રોત દિલીપભાઇ દેશમુખ(દાદા) પણ સહભાગી થયા હતા. બાળકોના વાલીઓએ આવી મોંઘી સારવાર વિનામુલ્યે પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી દર્શાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.