તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:દર્દીઓને સારવાર આપતી ગાંધીનગર સિવિલ હોસ્પિટલને જ સારવારની જરુરિયાત, સિવિલનું ધાબું બન્યું મચ્છરોનું ઉત્પતિ સ્થાન

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓની સારવાર કરવામાં આવતી હોય છે. પરંતુ યોગ્ય જાળવણી અને આયોજનના અભાવે સિવિલ હોસ્પિટલ ને જ સારવાર કરાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. સિવિલના ધાબા પર ભરાયેલા પાણીના ખાબોચિયા મચ્છરોના ઉત્પત્તિ સ્થાન તેમજ ઢાકણા વિનાની પાણીની ટાંકીમાંથી હજારો લીટર પાણી વ્યર્થ રીતે વહી જતું હોવા છતાં સિવિલ તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને સબ સલામત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ની છબી આરોગ્ય સેવા ક્ષેત્રે ખરડાયેલી હોવાની વ્યાપક બૂમરાણઓ સાંભળવા મળતી હોય છે. ત્યારે ગરીબ મધ્યમ વર્ગને ખાનગી હોસ્પિટલ ની તગડી ફી પોષાય તેમ નહીં હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી.

સિવિલ હોસ્પિટલમાં મચ્છરો તેમજ ઉંદરો ઉપરાંત રખડતા કૂતરાનો ત્રાસ હોવાની પણ બૂમરાણ ઉઠવા પામી છે. ત્યારે બહારથી સુંદર દેખાતી સિવિલનું અંદરનું ચિત્ર કાંઈ અલગ તરી આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં પાણી પુરવઠો પૂરો પાડતી ટાંકીઓ જર્જરીત અને તૂટેલી હાલતમાં સિવિલના ધાબા પર પડી રહી છે. યોગ્ય જાળવણીના અભાવે ધાબા માં લગાવેલ પાણીની ટાંકીના ઢાંકણા તૂટી ગયા હોવાથી હજારો લીટર પાણી વ્યર્થ રીતે વહી રહ્યું છે.

જેના કારણે સિવિલ હોસ્પિટલના ધાબા પર પાણીના ખાબોચિયા ભરાઈ જવાથી ગંદકી અને લીલનું સામ્રાજ્ય પણ ફેલાઈ ગયું છે. એકતરફ તંત્ર ધ્વારા વાહકજન્ય રોગચાળાને નાથવા માટે મચ્છરોનાં ઉત્પત્તિ સ્થાનોની ચકાસણી કરવામાં આવે છે. પરંતુ સિવિલ હોસ્પિટલના ધાબા પર જ ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનીયા માટે જવાબદાર મચ્છરોએ પડાવ નાખ્યો છે.

અહીંની ટાંકીમાંથી વહેતા પાણીનો વીડિયો વાયરલ થતાં સિવિલ તંત્ર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. એકતરફ વરસાદ ખેંચાતા પાણી વિના દુષ્કાળનાં ડાકલા વાગી રહ્યા છે એવામાં સિવિલના ધાબા પરથી દરરોજ હજારો લીટર પાણી વ્યર્થ વહી રહ્યું છે. જેનાં કારણે ધાબા પર પાણીના ખાબોચિયા ભરાવવાની સાથે તેમનું સામ્રાજ્ય પણ ઉભું થઈ ચૂક્યું છે.

બીજી તરફ ખુલ્લી ટાંકી મારફતે જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે આવી ખુલ્લી ટાંકીનાં કારણે પાણી દૂષિત હોવા છતાં દર્દીઓને એજ પાણી આપવામાં આવતું હોય છે. જે લોકોના આરોગ્ય સાથે ચેડા સમાન છે. ધાબા પરથી પાણી વહીને નીચે આવતું હોવા છતાં સિવિલ તંત્ર ધાબા પર જઈને જોવાની તસ્દી પણ લેતું નથી. અને આંખ આડા કાન કરી સબ સલામત ના દાવા કરી રહ્યું છે.

થોડા દિવસો અગાઉ એક દર્દીના ભોજન માંથી મરેલી ગરોળી મળી આવતા સિવિલ તંત્રએ અક્ષય પાત્ર સંસ્થા ઉપર દોષ નો ટોપલો ઢોળી દઈ નોટિસ ફટકારી હાથ ખંખેરી લેવાયા હતા. ત્યારે સિવિલના ધાબા પર જે પ્રકારે પાણી ની રેલમ છેલ થઈ રહી છે તેની સામે પગલાં લેવાય છે કે નહીં તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...