નિયમોનો ભંગ:PM મોદીના દીર્ઘાયું માટે મહામૃત્યુજંય જાપનું આયોજન કરી ગાંધીનગર ભાજપની મહિલા કાર્યકર્તાઓ નિયમો ભૂલી

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે જ ભાજપા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલ પોઝિટિવ આવ્યાં
  • છતાં ગાંધીનગર મહિલા મોરચાની ટીમે માસ્ક પહેર્યા વિના કાર્યક્રમ યોજી દીધો

રાજ્યમાં વધતાં જતાં કોરોના સંક્રમણનાં પગલે વાયબ્રન્ટ મહોત્સવ મોકૂફ રાખી મુખ્યમંત્રીએ તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કર્યાં છે. મુખ્યમંત્રીએ કોવિડ-19 ગાઈડલાઈનને અનુસારવાની સૂચના આપી કોરોના સંક્રમણને રોકવા મેરેથોન બેઠકો કરવામાં આવી રહી છે. એવામાં પંજાબમાં ઘટેલી ઘટનાનાં પગલે ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષે મુખ્યમંત્રીનાં આદેશોની અવગણના કરીને વડાપ્રધાનનાં દીર્ઘાયુ માટે કાર્યકરોને માસ્ક વિના એકઠા કરીને મહા મૃત્યુંજયનાં જાપ કર્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાર હજાર કોરોનાના કેસો નોંધાતા રાજ્ય સરકારે છેલ્લી ઘડીએ ગાંધીનગરમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટ મોકૂફ કરવાનો મહત્ત્વનો નિર્ણય લઈ નાગરિકોનાં સ્વાસ્થયની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના નિર્ણયને ગુજરાતની સાત કરોડ જનતાએ વધાવી લીધો છે. એ સાથે જ રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણને રોકવા માટે મંત્રી મંડળની મેરેથોન બેઠકો ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઈ રહી છે.

ઉપરાંત મુખ્યમંત્રીએ 15મી જાન્યુઆરી સુધીમાં તમામ જાહેર કાર્યક્રમો પણ રદ્દ કરી દેવાયા છે. તેમજ રાજ્યના કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરો સાથે પણ મિટિંગ યોજી અસરકારક પગલાં ભરવાની સૂચનાઓ આપી દેવાઈ છે.

બીજી તરફ ભાજપના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. દીપિકાબેન સરવડાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહિલા મોરચાના ટીમે વડાપ્રધાનની સુરક્ષા અને દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય મંત્રના જાપનો કાર્યક્રમ યોજીને કોવિડ ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવી દઈ મુખ્યમંત્રીની સૂચનાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

આજે ગાંધીનગરના સેક્ટર-13 ખાતેનાં શક્તિ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા અને દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય મંત્રના જાપનો કાર્યક્રમ ભાજપા મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં 'લોન્ગ લિવ પીએમ મોદી' અને 'ભારત સ્ટેન્ડ વિથ મોદીજી' સહિતના પ્લેકાર્ડ સાથે મહિલા કાર્યકર્તા બહેનોએ પીએમ મોદીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. પરંતુ મહા મૃત્યુંજયનાં જાપ માટે એકઠી થયેલી એક પણ મહિલા કાર્યકરોએ માસ્ક પહેર્યું ન હતું કે સોશિયલ ડિસ્ટન્સી પણ રાખ્યું ન હતું.

એટલે સુધી કે પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી વીણાબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ ચંદ્રિકાબેન, મહાનગર મહિલા મોરચાના પ્રમુખ કુ.પ્રિયાબેન પટેલ, ITSM કન્વીનર, તૃપ્તિબેન, રીટાબા તેમજ મહિલા મોરચાના કાર્યકર્તા બહેનોએ પણ કોવિડ ગાઈડ લાઈનનાં નિયમોનો ઉલાળિયો કર્યો હતો.

બીજી તરફ આજે જ ભાજપાના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલે કોરોના પોઝિટિવ હોવાનું ટ્વીટ કરાયું છે. તેમ છતાં ગાંધીનગર મહિલા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ ડો. દીપિકાબેન સરવડાની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજી દેવાયો હતો. જો આમાંથી એક પણ મહિલા કાર્યકર પોઝિટિવ આવશે તો ભાજપનાં કાર્યકરોને જ વેઠવાનો વખત આવવાની વાત નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...