ગ્રાહક રાજ્જાની જીત:ગાંધીનગરની અંબિકા ટાયર્સને કન્ઝ્યુમર કોર્ટે દંડ ફટકાર્યો, નવું ટાયર ખામી યુક્ત હોવા છતાં ગ્રાહકને ત્રણ મહિના ગોળગોળ ફેરવ્યો હતો

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાયરમાં લિક્વિડ લગાવી ત્રણ મહિનામાં ઘસારો થશે એટલે આપો આપ ટાયર સરખું થઈ જશે તેવો વિશ્વાસ આપેલો

ગાંધીનગરની અંબિકા ટાયર્સમાંથી બાઈકનું ટાયર નખાવીને પસ્તાયેલા ગ્રાહકને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડતાં કંટાળીને કન્ઝ્યુમર કોર્ટમાં દરવાજા ખખડાવ્યા પછી ન્યાય મળ્યો છે. ખામી યુક્ત ટાયરમાં લિક્વિડ લગાવીને ત્રણ મહિનામાં ટાયર ઘડાશે એટલે બધું ઠીક થઈ જશે તેવો આઈડિયા આપીને ગ્રાહકને ગેરમાર્ગે દોરવામાં આવતા કન્ઝયુમર કોર્ટે અંબિકા ટાયર્સને 500 રૂપિયા વળતર ચુકવી નવું ટાયર નાખી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ગ્રાહકને જ ફાયદો થયો હોવાના અનેક ચુકાદા પ્રકાશમાં આવ્યા
સામાન્ય રીતે વેપારીઓ પાસેથી ખરીદેલી ચીજ વસ્તુઓ બગડેલી કે ખામી યુકત હોય તો કોઈ ગ્રાહક જાજી માથાકૂટમાં પડતો નથી. વેપારીઓ ગ્રાહકને ગેરમાર્ગે દોરતા હોવા છતાં ગ્રાહક કોઈના કોઈ કારણસર ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરવાનું માંડી વાળે છે. જો કે કાનૂની લડતના અંતે ગ્રાહકને જ ફાયદો થયો હોવાના અનેક ચુકાદા પ્રકાશમાં આવ્યા છે. આવો જ સામાન્ય લાગતો કિસ્સો કન્ઝ્યુમર કોર્ટ સમક્ષ પહોંચ્યો હતો.

બીજા જ દિવસથી બાઈક જમ્પ કરવા લાગ્યું હતું
વાત જાણે એમ છે કે ગાંધીનગરના સેકટર - 28માં રહેતાં મહેન્દ્રસિંહ રાઠોડે વર્ષ 2020માં સેકટર-5માં આવેલી અંબિકા ટાયરમાંથી રૂ. 1800 આપીને બાઈકનું ટાયર નખાવ્યું હતું. ટાયર ખરીદ્યા પછીના બીજા જ દિવસથી વાહન જમ્પ કરતુ લાગતા ટાયર ખામી યુક્ત જણાઈ આવતાં મહેન્દ્રસિંહે અંબિકા ટાયરમાં જઈને ફરિયાદ કરી હતી.

ત્રણ મહિના બાઈક ફેરવે રાખ્યું પણ મેળ ના પડ્યો
અંબિકા ટાયરનાં સંચાલકોએ કોઈ લીક્વીડ લગાવીને ટાયર ફીટ કરી આપી જણાવેલું કે, ત્રણ મહિના વપરાશ કરો અને જેમ જેમ ટાયરમાં ઘસારો થશે તેમ તેમ ટાયર ખામી દૂર થતી જશો. તે પછી મહેન્દ્ર સિંહે તેમના આઈડિયા મુજબ બાઈક ફેરવે રાખ્યું હતું. પણ ત્રણ મહિના સુધી બાઈકનાં ટાયરની ખામીમાં કોઈ ફરક પડ્યો ન હતો. જેથી પાછી ફરિયાદ કરતા અંબિકા ટાયર તરફથી ફરીથી લીક્વીડ લગાવી ટાયર ફીટ કરી આપેલું અને જણાવેલું કે, હવે કોઈ ખામી જેવું લાગે તો ફોન કરીને આવશો. પરંતુ ત્યારબાદ પણ ટાયરમાં કોઈ ફરક પડેલો નહી, આમ વારંવાર એજ સમસ્યા સામે આવતાં અંતે અંબિકા ટાયર દ્વારા કંપનીમાં ટાયર મોકલી આપ્યું હતું.

કન્ઝ્યુમર કોર્ટમાં ન્યાય માટે ફરિયાદ કરી
તપાસમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ખામી ટાયરમાં નહીં બાઈકમાં છે. આથી તેઓ બાઈક લઇ હિરો કંપનીમાં સર્વિસ સેન્ટરમાં બાઈક ચેક કરાવ્યું તો હિરો કંપની સર્વિસ સેન્ટર દ્વારા જણાવવામાં આવેલું કે, બાઈકમાં કોઈ જ ખામી નથી. આથી મહેન્દ્રસિંહે ટાયર કંપની અને અંબિકા ટાયર સામે કલેઈમ કર્યો હતો. જેને તેઓએ ફગાવી દીધો હતો. આખરે મહેન્દ્રસિંહે વકીલ મારફતે ગાંધીનગર કન્ઝ્યુમર કોર્ટમાં ન્યાય માટે ફરિયાદ કરી હતી. જે કેસ ચાલી જતાં કોર્ટે અંબિકા ટાયર્સ અને MRF કંપનીને નવું ટાયર 15 દિવસમાં બદલી આપવા ઉપરાંત મહેન્દ્રસિંહે ભોગવેલી તકલીફો પેટે પણ 500 રૂપિયા દંડ ફટકારી તે રકમ મહેંદ્રસિંહને ચૂકવી દેવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...