ગાંધીનગરના સેકટર -22માં આવેલા સરકારી મકાનમાં છેલ્લા ઘણા સમયથી ચાલતાં જુગારધામ પર પોલીસે દરોડો પાડીને રોકડ રકમ, જુગારનું સાહિત્ય મળીને માત્ર 17 હજાર 100નો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે. ઉપરાંત અમદાવાદ સીટી પોલીસનો જમાદાર પણ ચાર ઈસમો સાથે જુગાર રમતો હોવાનું બહાર આવતા સેકટર - 21 પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે.
ગાંધીનગરનાં સેકટર-21 પોલીસ મથકની ટીમ પોતાની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે સેકટર - 22 સરકારી મકાન નંબર 37/1 માં અલ્પેશ દેવજીભાઈ ડામોર જુગારધામ ચલાવી રહ્યો છે. જેનાં પગલે પોલીસે બાતમી વાળા સ્થળે પહોંચી સરકારી મકાનની ચારે દિશા કોર્ડન કરી લીધી હતી.
બાદમાં પોલીસની ટીમ સરકારી મકાનમાં ઘુસી ગઈ હતી. અચાનક પોલીસ ટીમને જોઈને જુગાર રમતાં ઈસમો ફફડી ઉઠયા હતા. ત્યારે પોલીસે જુગારીઓને જે તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી રેડની કાર્યવાહી શરૂ કરી હતી. ગોળ કુંડાળું વળીને જુગાર રમતા ઈસમોની પૂછતાંછ હાથ ધરતાં તેમણે પોતાના નામ ઈન્દ્રજીતસિંહ ટીકાજી ગોલ (રહે. સેકટર - 4/સી, પ્લોટ નંબર - 847/2),યોગેશ જયંતિભાઈ પટેલ (સેકટર - 29,બ્લોક નંબર 116/4, છ ટાઈપ, મૂળ જોટાણા), જીગ્નેશ બાબુભાઈ પુરોહિત (રહે. સેકટર - 29, બ્લોક નંબર 141/6),વિપુલ દેવજીભાઈ પરમાર (રાંઘેજા) અને જયદીપ હરેન્દ્રસિંહ ચૌહાણ (સેકટર - 29, બ્લોક 9/4) હોવાની કબૂલાત કરી રહી હતી.
બાદમાં પોલીસે પાંચેય ઈસમોની અંગ ઝડતી અને દાવ પરથી 17 હજાર 100, જુગાર નું સાહિત્ય જપ્ત કરી લીધું હતું. જો કે પાંચેય જુગારીઓ પાસેથી એકપણ મોબાઇલ ફોન મળી આવ્યો ન હતો. ત્યારે આ સરકારી મકાન અલ્પેશ ડામોરના પિતાને ફાળવવામાં આવ્યું હોવાની પણ હકીકત જાણવા મળી હતી. ઉપરાંત જુગાર રમતાં પાંચ જુગારીઓ પૈકી યોગેશ જયંતિભાઈ પટેલ અમદાવાદ સીટી પોલીસમાં નોકરી કરતો હોવાના બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે પોલીસે પાંચેય જુગારીઓ ની જુગાર પ્રતિબંધ ધારા હેઠળ ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.