આદેશ:ગ્રા. પં. ચૂંટણીની કવાયત, રસ્તાનાં કામો પૂરાં કરવા મંત્રીનો આદેશ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ-મકાન મંત્રીએ રાજ્ય કક્ષાની બેઠકમાં આદેશો કર્યા
  • કોન્ટ્રાક્ટ​​​​​​​ આપી દીધો હોય તેવાં કામો સત્વરે પૂરાં કરવા તાકીદ

ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાનાં કામો પુરા કરવા તેમજ જે કામોના કોન્ટ્રાક્ટ આપીને જોબ નંબર આપી દીધો હોય તેવા કામો સત્વરે પુરા કરવાની સુચના માર્ગ-મકાન મંત્રીએ રાજ્યની જિલ્લા પંચાયતના પ્રમુખો અને બાંધકામ સમિતિના ચેરમેનોની સાથે બેઠકમાં સુચના આપી હતી. માર્ગ મકાન મંત્રીની સુચનાને પગલે ગ્રા.પં.ની ચુંટણીની કામગીરી શરૂ કરી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. સમગ્ર રાજ્યની ગ્રામ પંચાયતોની પાંચ વર્ષની મુદત આગામી ડિસેમ્બર-2021 અને જાન્યુઆરી-2022ના રોજ પૂર્ણ થાય છે.

ગ્રામ પંચાયતોના સરપંચ સહિતના બોડીની મુદ્દત પૂર્ણ થતાં જ ચુંટણીને લગતી કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે રાજ્ય સરકારે ગ્રામ પંચાયતની ચુંટણીની કામગીરી શરૂ કરી દીધી હોય તેમ બુધવારે સર્કિટ હાઉસ ખાતે રાજ્યભરની તમામ જિલ્લા પંચાયતોના પ્રમુખો તેમજ બાંધકામ સમિતિના ચેરમેનોની બેઠક માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં મળી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગામડાઓના વિકાસના પ્રાધાન્ય આપી રહ્યું છે.

જેને પરિણામે ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ ઉભી કરવા નવી નવી યોજનાઓ શરૂ કરી છે. તેમ છતાં રાજ્યભરના અનેક ગામોના માર્ગો તેમજ રસ્તાના કામો હજુય અધુરા છે. આથી આવા માર્ગોના કામો પુરા કરવા માટે કોન્ટ્રાક્ટર કે એજન્સીઓને સુચના આપવા જણાવ્યું હતું. માર્ગોના નિર્માણ બાદ પાંચ વર્ષનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આથી પાંચ વર્ષની અંદર રોડ કે રસ્તા તૂટી ગયા હોય તો તાત્કાલિક કોન્ટ્રાક્ટર કે એજન્સી પાસે રિપેરીંગ કરાવવું.

જે માર્ગ કે રસ્તાના ટેન્ડરીંગ સહિતની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોય તેમજ જોબ નંબર આપી દેવામાં આવ્યો હોય તેવા માર્ગો અને રસ્તાઓના કામો સત્વરે પૂર્ણ કરાવવાની સુચના આપી છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોના તુટેલા માર્ગોનું રિપેરીંગ કામ નહીં કરે તેવી એજન્સી કે કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટમાં મુકી દેવાની સુચના રાજ્યના તમામ જિલ્લા પંચાયતના તમામ પ્રમુખો અને બાંધકામ સમિતિના ચેરમેનોને માર્ગ મકાન મંત્રીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...