કાર્યવાહી:ગ્રામ પંચાયતની ચૂંટણી સાથે જ વડોદરા પાસેથી 1 લાખનો દારૂ ઝડપાયો

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભોડા પોલીસે બાતમીના આધારે કારમાંથી 1056 વિદેશી બોટલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા

રાજ્યમા ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ગામડાઓમા સરપંચ બનવા મુરતિયા પણ થનગની રહ્યા છે. ત્યારે ચૂંટણી જીતવા માટે દારૂનો ઉપયોગ કરવામા આવતો હોય છે. ત્યારે ડભોડા પોલીસ દ્વારા વડોદરા ગામના પાટીયા પાસેથી એક લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને અને મોટા પ્રમાણમા રાજસ્થાન તરફથી દારૂ ઘુસાડવામા ના આવે તેની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

ત્યારે ડભોડા પોલીસ મથકના પીએસઆઇ અનિલ વછેટાની ટીમને બાતમી મળી હતી કે, ઉત્કંઠેશ્વર મહાદેવ તરફથી એક સફેદ કલરની કાર વિદેશી દારૂ લઇને વાસણા રાઠોડ તરફથી અંતરિયાળ રોડ ઉપરથી અમદાવાદ તરફ જવાની છે. ડભોડા પોલીસની ટીમ દ્વારા વડોદરા ગામના પાટીયા પાસે ટીમ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. જ્યારે બાતમીવાળી કાર આવતા તેને રોકવામા આવી હતી. ત્યારબાદ કારની પાછળની સીટની ડેકી ખોલાવી તપાસ કરતા રાજસ્થાન બનાવટની 22 પેટીઓ મળી હતી, જેમાંથી 1056 વિદેશી દારૂની બોટલ કિંમત 1,05,600નો દારૂ મળી આવ્યો હતો.

જ્યારે બે આરોપીઓ મિતેશ શંભુલાલ મીણા (રહે, રોબિયા, તા.ખેરવાડા. જિ. ઉદેપુર) અને સુનિલ રમેશભાઇ ડામોર (રહે, બરોટી, તા, બિચ્છુવાડા, ઉદેપુર)ને ઝડપી લીધા હતો. આરોપીઓ પાસેથી ઇન્ડીકા કાર, મોબાઇલ સહિત કુલ 2,09,600 મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છેકે, ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરી દેવાઇ છે, જેને લઇને ગામડાઓ ચૂંટણી જીતવા દારૂની રેલમછેલ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...