કચરાનો કકળાટ:ગાંધીનગરને કચરા મુક્ત રાખવા શરૂ કરાયેલા રાત્રી પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વધુ જંક્શન વધારવામાં આવશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિ પાયલોટ પ્રોજેક્ટને સફળતા મળતાં આગામી દિવસોમાં સર્વે કરી વધુ જંકશન નક્કી કરી સફાઈ શરૂ કરાશે
  • શહેરને કચરા મુકત કરવા કોર્પોરેશન દ્વારા કવાયત શરૂ કરવામાં આવશે
  • સવાર પડતાં જ લોકો કચરો નાખી કામદારોની મહેનત પર પાણી ફેરવી દે છે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરજનો વચ્ચે કચરાની મડાગાંઠ સર્જાઈ છે, ત્યારે શહેરમાંથી રાત્રિ દરમિયાન પણ કચરો એકઠો કરવા માટે સાત મહત્વના જંકશન પર શરૂ કરાયેલા પાયલોટ પ્રોજેક્ટને સારો એવો પ્રતિસાદ સાંપડતા આગામી દિવસોમાં સર્વે કરીને વધુ જંકશન નક્કી કરી રાત્રિ દરમિયાન પણ શહેરને કચરા મુકત કરવા કોર્પોરેશન દ્વારા કવાયત શરૂ કરવામાં આવશે.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં વર્ગીકૃત કચરો જ લેવાની જાહેરાત થતાં છેલ્લા ઘણા દિવસોથી નગરજનો અને કોર્પોરેશન તંત્ર આમને સામને આવી ગયા છે. કચરાનો કકળાટ એટલે સુધી પહોંચી ગયો છે કે પૂર્વ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી સૂકો ભીનો કચરો રાખવા માટેની ડોલો માંગવામાં આવી હતી. જોકે, સરકાર સુધી ઘા નાખ્યાં પછી પણ હજી સુધી નગરજનોની માંગ સ્વીકારાઈ નથી.

ઠેર-ઠેર કચરા અને ગંદકીના ઢગ ખડકાઈ ગયા
ત્યારે નગરજનોએ જાહેરમાં મુકાયેલી કચરા ટોપલીમાં તેમજ આડેધડ કચરો નાખવાની શરૂ કરી દેવામાં આવતા ઠેર-ઠેર કચરા અને ગંદકીના ઢગ ખડકાઈ ગયા છે. જેથી કરીને કોર્પોરેશન દ્વારા જાહેરમાં મૂકવામાં આવેલી કચરા ટોપલીઓ ઉઠાવી લેવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જેનાં પગલે નગરજનો હવે છેક સુધી લડી લેવાની તૈયારીઓ કરી રહ્યા છે.

જુન મહિનામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો
કચરાના કકળાટ વચ્ચે કોર્પોરેશન દ્વારા શહેરને સાફ સૂથરું તેમજ કચરા મુક્ત રાખવા માટે દિવસ દરમિયાન તો જાહેર માર્ગો તેમજ શોપિંગ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી રહી છે. પરંતુ તેની સાથોસાથ રાત્રિ દરમિયાન પણ નગરને સાફ સૂથરું રાખવા માટે જુન મહિનામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેનાં થકી જ નગરજનોને વહેલી સવારે પણ કોમર્શિયલ વિસ્તારો સહિત શાક માર્કેટ એરિયા સાફ જોવા મળે છે. જે પ્રોજેક્ટ સફળ નીવડી રહ્યો છે.

શહેરમાં ભૌગોલિક સર્વે કરાયો હતો
ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર ડૉ. ધવલ પટેલ દ્વારા આ પાયલોટ પ્રોજેક્ટને વધુ વેગવંતો કરવાની દિશામાં કવાયત શરૂ કરવામાં આવનાર છે. કોર્પોરેશનના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરનાં કોમર્શિયલ તેમજ શાક માર્કેટ વિસ્તારમાં સવારથી ભીડ ભાડ રહેતી હોવાથી યોગ્ય રીતે સફાઈ થઈ શકતી ન હતી. જેથી કરીને ભૌગોલિક સર્વે કરાયો હતો. જે અંતર્ગત સેક્ટર - 21, ઈન્ફોસિટી, સેક્ટર - 7, સેક્ટર - 28 ગાર્ડન વિસ્તાર, અપના બજાર, કોમર્શિયલ કોમ્પ્લેક્સ મળી સાત જંકશન નક્કી કરી રાત્રિ દરમિયાન પણ સફાઈ કરી કચરો ઉપાડવાનો પાયલોટ પ્રોજેક્ટ તરતો મૂકવામાં આવ્યો હતો.

કચરો ભરવા માટે પાંચ વાહનો રાત્રિ દરમિયાન દોડતા કરાયા
જેનાં માટે રાત્રીના સમયે 30 જેટલા કામદારો દ્વારા નાઈટ શિફ્ટમાં નક્કી કરેલા જંકશનો પરથી સાફ સફાઈ તેમજ કચરો એકઠો કરવામાં આવી રહ્યો છે. આ કચરો ભરવા માટે પાંચ જેટલા વાહનો પણ રાત્રિ દરમિયાન દોડતા કરવામાં આવ્યાં છે. એટલે કે દિવસ દરમિયાન સફાઈની સાથે રાત્રે પણ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સફાઈ કરવામાં આવી રહી છે. જેમાં સેકટર - 21 વિસ્તારમાંથી સૌથી વધુ કચરો એકઠો થઈ રહ્યો છે.

રાત્રિના સમયે કામદારો દ્વારા કરવામાં આવતી મહેનત પર સવાર પડતાં પાણી ફેરવી દેવાય છે
કોર્પોરેશન દ્વારા રાત્રિ દરમિયાન પણ કરવામાં આવતી સફાઈના કારણે વહેલી સવારે ઉક્ત જંકશન સાફ સુથરા જોવા મળતા હોય છે. પરંતુ નાગરિકો સફાઈની અવગણના કરી ફરી આડેધડ કચરો નાખીને રાત્રિના સમયે કામદારો દ્વારા કરવામાં આવતી મહેનત પર પાણી ફેરવી દેવામાં આવતું હોય છે. આ સમસ્યા વચ્ચે પણ રાત્રિ પાયલોટ પ્રોજેક્ટનો વ્યાપ વધારવામાં આવશે. જેનાં આગામી દિવસોમાં વધુ કોર્પોરેશન વિસ્તારમાં વધુ જંકશન માટે સર્વે કરીને ત્યાં પણ રાત્રિ સફાઈ શરૂ કરી દેવામાં આવશે તેમ વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...