આગની ઘટના:પીપળજની પ્રાથમિક શાળામાં આગનું કારણ જાણવા FSL ટીમની મુલાકાત

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગની જગ્યાના સ્થળેથી સેમ્પલ લઇને આગનું કારણ જાણીને રિપોર્ટ કરાશે

પીંપળજની પ્રાથમિક શાળામાં લાગેલી આગનું સાચું કારણ જાણવા માટે એફએસએલની ટીમે તપાસ હાથ ધરી છે. આગના સ્થળ તેમજ શાળાના કમ્પાઉન્ડ વોલ સહિતની તપાસ કરીને સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલનું લેબોરેટરી ચકાસણી કર્યા બાદ આગનું સાચું કારણ જાણવા મળશે.

જિલ્લાના પીંપળજ ગામની સરકારી પ્રાથમિક શાળાના સ્ટોરરૂમમાં ગત શુક્રવારે સવારના સમયે અચાનક આગ લાગી હતી. જોકે શાળા શરૂ થવાના એકાદ કલાક પહેલાં લાગેલી આગને પગલે મોટી જાનહાની ટળી હતી. પ્રાથમિક શાળાના સ્ટોરરૂમમાં આગ કેવી રીતે લાગી તે પણ એક પ્રશ્ન બની રહ્યો છે. જોકે સ્ટોરરૂમમાં કોઇ જ સ્વીચ બોર્ડ પણ નહી હોવાથી આગ કેવી રીતે લાગી તે પણ એક મોટો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે. સ્ટોરરૂમમાં રાખેલા બે પટારામાં રાખેલી કેટલીક ફાઇલો બળીને રાખ થઇ ગઇ છે.

જોકે શાળાના સ્ટોરરૂમમાં લાગેલી આગનું સાચુ કારણ જાણવા માટે એફએસલની મદદ લેવામાં આવી છે. જેના ભાગરૂપે એફએસએલની ટીમ શનિવારે શાળામાં આવી પહોંચી હતી. ટીમે આગ જ્યાં લાગી હતી તે શાળાના સ્ટોરરૂમની ઝીણવટ ભરી તપાસ કરી હતી. ઉપરાંત આગના સ્થળેથી અમુક સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

​​​​​​​વધુમાં ટીમે શાળાના કમ્પાઉન્ડની તપાસ કરી હતી. ઉપરાંત શાળાના પાછળના ભાગે પણ ટીમે તપાસ કરી હતી. જોકે સાચુ કારણ જાણવા માટે એફએસએલની ટીમે લીધેલા નમુનાનું વૈજ્ઞાનિક રીતે પૃથ્થકરણ કરવામાં આવશે. ત્યારબાદ આગ કેવી રીતે લાગી હતી તેનું સાચું કારણ જાણવા મળશે તેમ ગામના લોકોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...