તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેલી ઝડપાયા:કલોલના વાયણા ગામમાંથી રૂ. 1.41 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ચાર જુગારીઓ ઝડપી પાડ્યા, ચાર ફરાર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ભાગી છુટેલા ચાર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં

કલોલ તાલુકાના વાયણા ગામે ઘોડાચાર તલાવડી નજીક ખૂલ્લી જગ્યામાં સાંતેજ પોલીસે પૂર્વ બાતમીના આધારે જુગારધામ પર દરોડો પાડતાં જુગાર રમતાં આઠ જુગારીઓ પૈકી ચાર જુગારીઓ પોલીસને થાપ આપી ડાંગરનાં ખેતરમાં નાટયાત્મક રીતે નાસી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે પોલીસે સ્થળ પરથી રૂ. 80 હજાર 200ની રોકડ રકમ તેમજ ત્રણ બાઈક મળી કુલ રૂ. 1 લાખ 41 હજાર 780 નો મુદ્દામાલ જપ્ત કરી ચાર જુગારીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સાંતેજ પોલીસ મથકની હદમાં આવેલ વાયણા ગામની સીમ ઘોડાચાર તલાવડી નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. જેનાં પગલે પોલીસ કાફલાએ બાતમી વાળી જગ્યાએ પૂર્વ તૈયારી કરી રેડ પાડી હતી, પરંતુ કોઈ કારણસર પોલીસ રેડની ગંધ આવી જતાં જુગાર રમતાં ચાર જુગારીઓ નજીકના ડાંગરના ખેતરમાં થઈ નાટયાત્મક રીતે નાસી ગયા હતા. ત્યારે પોલીસ દ્વારા વાયણા ગામના લાલાજી ગાભાજી ઠાકોર, રમેશજી ભિખાજી ઠાકોર (રહે દસકોઈ, ધુમા) તેમજ કડીનાં થોળ ગામના મહેન્દ્રજી ઉર્ફે મહેશજી ગલાજી ઠાકોર, પરેશ રસિકભાઈ પટેલને ઝડપી લેવાયા હતા.

પોલીસને સ્થળ પરથી ત્રણ બાઈક તેમજ ઉક્ત જુગારીઓ પાસેથી રૂ. 80 હજાર 200 ની રોકડ રકમ મળી કુલ. રૂ. 1 લાખ 41 હજાર 780 ની મત્તા મળી આવી હતી. ત્યારે જુગારીઓની પૂછપરછ કરતાં વાયણા ગામના વિપુલ રણછોડજી ઠાકોર, અરવિંદજી જયંતિજી ઠાકોર તેમજ મૌલિક ભિખાભાઈ પટેલ, પ્રકાશજી રમેશજી ઠાકોર (રહે થોળ) નાસી ગયા હોવાની કબૂલાત કરી હતી. જેનાં પગલે પોલીસે ઉક્ત આઠેય જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...