ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિતનાં શહેરોમાં પણ દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ હળવો વરસાદ પડ્યો હતો. દેશભરમાં માર્ચ મહિનામાં કમોસમી વરસાદને કારણે ઘઉં, ચણા, બટાકા સહિતના પાકને 25 ટકા સુધી નુકસાન થયું હતું. મોટી સંખ્યામાં ખેતરોમાં કાપીને તૈયાર રાખવામાં આવેલા પાક પર પાણી ફરી વળ્યા હતા. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જ્યાં કરા વરસ્યા છે ત્યાં પાકને 50 ટકા સુધી નુકસાન થયું છે. ચણાના પાકને થયેલા નુકસાનને કારણે ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.
ખેડૂતોના જીવ નુકસાનની ભીતિએ તાળવે ચોંટી ગયા
હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યભરમાં કમોસમી વરસાદ અને માવઠું પડી રહ્યું છે. ભર ઉનાળે નદીઓ વહેતી થઇ ગઇ. પરંતુ ખેડૂતોના જીવ નુકસાનની ભીતિએ તાળવે ચોંટી ગયા છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, દાહોદ, વલસાડ, દેવભૂમી દ્વારકા, ગાંધીનગર અને જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો. કચ્છ જિલ્લાના ભુજ, માંડવી, અબડાસા અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે.
ભર ઉનાળે નદીઓ વહેતી થઇ ગઇ
ભુજમાં કરા સાથે એક કલાકમાં બે ઇંચ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભચાઉ તાલુકાના કાંઠાળ પટ્ટીના છાડવાડા આમલીયારા જંગી, લાલિયાણા, વાઢિયા, ગોડપ,ર મોડપર, નવા-જુના કટારીયા, લઘધિરગઢ, શિકારપુર, સૂરજબારીમાં ઝાપટા પડ્યા હતા. રાપરના રણકાંઠાના ગાગોદર, કાનમેર, ધાણીથર, ચિત્રોડ, કિડીયા નગરમાં બપોરે અઢી વાગ્યા બાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
ભુજમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો
ભાવનગરના સિહોર તાલુકાના કનાડ આજુબાજુના પંથકના ગામોમાં ભારે કમોસમી વરસાદ પડતાં કનાડ ગામની નદીમાં કાળે ઉનાળે પુર આવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં માવઠું, કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત થઇ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના 3 તાલુકામાં માવઠાથી 10,300 હેક્ટર વાવેતરને અસર થઇ છે. ભુજમાં શનિવારે ભુજિયાની તળેટીમાં સુરલભીટ ટેકરી નજીક રિઝનલ સાયન્સ સેન્ટર પાસે વીજળી ત્રાટકી હતી.
25 માર્ચ સુધી વાદળછાયું રહેવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે ઉત્તર ગુજરાતનું વાતાવરણ સામાન્ય વાદળછાયું રહેવાની સંભાવના છે. આ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં પ્રતિ કલાકે 40 કિલોમીટરની ઝડપ સુધીનો ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદના હળવા ઝાપટાં પડી છે. આગામી 25 માર્ચ સુધી ઉત્તર ગુજરાત વત્તા ઓછા પ્રમાણમાં વાદળછાયું રહેવાની સંભાવના છે.
નદીમાં કાળે ઉનાળે પુર આવ્યું
સિહોર તાલુકાના કનાડ આજુબાજુના પંથકના ગામોમાં ભારે કમોસમી વરસાદ પડતાં કનાડ ગામની નદીમાં કાળે ઉનાળે પુર આવ્યું હતું. હળવાથી ભારે વરસાદ વરસી જવા પામ્યો હતો. કેટલાય ધરતીપુત્રોના ખળામાં હજી ઘઉં પડ્યા છે. કેરીના પાકને સારા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ડુંગળીએ તો પહેલેથી જ ધરતીપુત્રોને રોવડાવ્યા હતા, એમાં કમોસમી વરસાદ ધરતીપુત્રોની હાલત પડ્યા ઉપર પાટુ જેવી થઇ છે. તો તળાજામાં પણ માવઠું વરસ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.