ગુજરાત સરકારે વિધાનસભાની મેજ પર મૂકેલી વિગત પ્રમાણે 2021 અને 2022ના બે વર્ષના સમયગાળા દરમિયાન અદાણી પાવર લિમિટેડ પાસેથી કુલ 8,160 કરોડ રૂપિયાની વીજળી ખરીદવામાં આવી હતી. આ દરમિયાન વીજળી માટેના ટેરિફ રેટ્સ પ્રતિ યુનિટ 2.83 રૂપિયાથી માંડીને 8.83 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી કનુ દેસાઇએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે સરકારે આ બે વર્ષના સમયગાળામાં અદાણી પાસેથી કુલ 11,596 મિલિયન યુનિટ વીજળી ખરીદી હતી.
ઊર્જા મંત્રીએ પોતાના જવાબમાં કહ્યું કે 2007ના વર્ષમાં સરકારે અદાણી સાથે 25 વર્ષના સમય ગાળા માટે બે અલગ-અલગ બિડમાં 2.89 રૂપિયા પ્રતિ યુનિટ અને 2.35 રૂપિયા પ્રતિ યુનિટના દરે વીજ ખરીદીના કરારો કર્યાં હતાં. પરંતુ સમયાંતરે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાની કિંમત વધતાં અદાણી પાસેથી ખરીદાતી વીજળીના ભાવમાં પાવર પર્ચેસ એગ્રિમેન્ટ અનુસાર યુનિટ દીઠ વધારો મંજૂર કરાયો હતો. આ વધારો માસ વાર આપવામાં આવ્યો હતો, જે 2.83 રૂપિયાથી લઇને 8.83 રૂપિયા પ્રતિ યુનિટ પ્રમાણે વધારી આપવામાં આવ્યો હતો.
મંત્રીએ આ અંગે સ્પષ્ટીકરણ કરતા જણાવ્યું કે અદાણીના આ બન્ને વીજ એકમો કોલસા આધારિત હતા અને 2011ના વર્ષ બાદ ઇન્ડોનેશિયાથી આયાત કરાતા કોલસાના ભાવોમાં અનિર્ધારિત વધારો થવાને કારણે આ કંપની પૂર્ણ ક્ષમતા સાથે વીજ ઉત્પાદન કરતી ન હતી, સરકારે હાઇ પાવર કમિટીની રચના કરી તેની ભલામણોને આધારે 2018ના વર્ષમાં નવા કરાર કર્યાં જે કેન્દ્રીય વીજ નિયમન પંચની મંજૂરી બાદ એપ્રિલ, 2019થી વીજળીની કિંમતોમાં સુધારો કરી આપ્યો હતો. તે પછી કેન્દ્ર સરકારની મધ્યસ્થીથી 2021માં 4.50 રૂપિયા પ્રતિ યુનિટના ફિક્સ ચાર્જ અને કરાર મુજબ કેપેસિટી ચાર્જના દરે વીજળી ખરીદાઇ.
મેરિટ ઓર્ડરનું ધ્યાન રખાયું
નવા કરારો કર્યા બાદ પણ કોલસાના ભાવ વધતા આ એકમોએ વીજળી પેદા કરવાનું સદંતર બંધ કરી દીધું. તે પછી કેન્દ્ર સરકારે મે, 2022માં કોલસા આધારિત એકમોને વીજળી પેદા કરવાનું ચાલું રાખવા હુકમ કર્યો હતો. ઊર્જા મંત્રીએ કહ્યું કે રાજ્યની વીજ માગને પહોંચી વળવા તમામ સ્ત્રોતોમાંથી મેરિટ ઓર્ડર મુજબ અદાણી પાવર લિમિટેડ પાસેથી વીજળી ખરીદાઇ હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.