11 રોગો સામે રક્ષણ આપતી રસી:સમગ્ર ગાંધીનગર જિલ્લામાં વિના મૂલ્યે ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન PCVનો આરંભ ઉનાવા ગામથી કરાયો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા બાળકોને 11 જેટલા રોગો સામેની રસી વિના મૂલ્યે અપાશે

સમગ્ર રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં આજથી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન PCVનો આરંભ થયો છે. ગાંધીનગર જિલ્લામાં આ રસીનો આરંભ આજરોજ ઉનાવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કરવામાં આવ્યો હતો. આ રસીનો આરંભ જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમની ઉપસ્થિતિમાં કરાયો હતો.

ગાંધીનગર જિલ્લામાં વાર્ષિક 24 હજાર બાળકોને આ રસી આપવામાં આવશે. હવે 11 રોગો સામે રક્ષણ આપતી રસી સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે. આ રસીની માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના દ્વારા નિયમિત રસીકરણ કાર્યક્રમમાં આજથી એક નવી વેક્સિન PCVને સામેલ કરવામાં આવી છે. આ રસીથી બાળકોને ન્યુમોનિયા તથા મગજના તાવ સામે સુરક્ષા પ્રદાન કરવામાં મદદ મળશે.

હાલમાં 10 રોગો જેવા કે, ટીબી ,પોલિયો, ડીપ્થેરિયા, હિપેટાઇટિસ બી, ટીટેનસ, મિસલ, રુબેલા અને રોટા વાયરસના જેવી ગંભીર બિમારીથી રક્ષણ આપતી રસી સરકાર તરફથી વિનામૂલ્યે આપવામાં આવતી હતી. બાળકોને ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન PCV અત્યાર સુધી ખાનગી દવાખાનાઓમાં રૂપિયા બે થી પાંચ હજાર ખર્ચે રસી આપવામાં આવતી હતી.

હવે આ રસી સરકાર દ્વારા સમગ્ર રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં દરેક સરકારી દવાખાના પર વિનામૂલ્યે આપવામાં આવશે. બાળકને આ રસીના કુલ ત્રણ ડોઝ લેવાના રહેશે. જેમાં દોઢ મહિને, સાડા ત્રણ મહિને અને નવ મહિના બાદ આ રસીના ડોઝ આપવાના રહેશે. ગાંધીનગર જિલ્લાના દરેક ગ્રામ કક્ષાએ મમતા દિવસ પર, સરકારી દવાખાના પર અન્ય રસીની જેમ ન્યુમોકોકલ કોંજુગેટેડ વેક્સિન PCV વિના મૂલ્યે મળી રહેશે તેવું પણ તેમણે ઉમેર્યું છે.

અન્ય સમાચારો પણ છે...