કરોડોની છેતરપિંડી:ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ સાથે 6.99 કરોડની છેતરપિંડી, ઓડિટમાં અનઅધિકૃત કંપનીઓને બીલો ચૂકવી દીધાનું બહાર આવ્યું

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2019 - 20 દરમિયાન અન અધિકૃત કંપનીઓનાં એકાઉન્ટમાં પૈસા ચૂકવી દેવાયા

ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (Gil) સાથે વર્ષ 2019-2020 દરમિયાન અનઅધિકૃત કંપનીઓએ રૂ. 6.99 કરોડની છેતરપિંડી આચરી હોવાનું નાણાંકીય વર્ષના ઓડિટમાં બહાર આવતાં સેકટર - 7 પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ સાથે 6.99 કરોડની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. જીઆઈએલ સાથે સરકારી કામકાજ અર્થે રજીસ્ટર કંપનીઓ જોડાયેલી છે. ત્યારે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા આ કંપનીઓને વર્ષ - 2019 થી 2020 દરમ્યાન અલગ અલગ તારીખે 6 કરોડ 99 લાખનાં બીલો ચૂકવવામાં આવ્યા હતા.

બીજી તરફ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ નું નાણાંકીય વર્ષનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં જીઆઈએલ દ્વારા રજીસ્ટર ના થયેલી હોય એવી કંપનીના ખાતામાં અલગ અલગ કામ પેટે 6.99 કરોડ ચૂકવી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે જીઆઈએલ દ્વારા ગઈકાલે મોડી રાત્રે સેકટર - 7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ મામલે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે જ ફરિયાદ દાખલ થઇ હોવાથી હજી તપાસ કરવાની બાકી છે. આવતીકાલે કઈ કઈ કંપનીઓના એકાઉન્ટમાં બિલ પેટે પૈસા ચૂકવવામાં આવ્યા છે. તેની વિગતો મેળવવામાં આવશે. જોકે, સાતથી આઠ એંટ્રી થકી અલગ અલગ તારીખે 6 કરોડ 99 લાખનાં બીલો ચૂકવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડનાં કર્મચારીની સંડોવણી બહાર આવે તેવું લાગી રહ્યું છે. હાલમાં કંપનીના એકાઉન્ટ હોલ્ડરોની બેંક ખાતાની ડિટેઇલ્સ મેળવી આગળની તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...