તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રોડ:ગાંધીનગરમાં મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સની મહિલા એજન્ટ સાથે વીસીનાં બહાને રૂ.2.58 લાખની છેતરપિંડી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 2.58 લાખની છેતરપિંડી આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સેકટર-21 પોલીસે ગુનોં નોંધાયો

ગાંધીનગરના મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સની મહિલા એજન્ટને વિશ્વાસમાં લઈ 15 હપ્તાની વીસીમાં નાણાંનું રોકાણ કરાવી સેકટર-24ના ઈસમે રૂ. 2.58 લાખની છેતરપિંડી આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સેકટર-21 પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં વ્યાજના વિષ ચક્રની સાથોસાથ વીસીનો ગેરકાયદેસર ધંધો પણ ઘણો ફૂલ્યો છે. શહેરનાં સેકટર-27 સોમેશ્વર સોસાયટી ખાતે રહેતા અનુષ્કારાની નીશીત નંદન સેકટર-11માં આવેલી મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સની ઓફિસ ખાતે એડવાઈઝરી એજન્ટ તરીકે ફરજ બજાવે છે. મૂળ રાજસ્થાનના અનુષ્કારાનીના પતિ નીશીત છેલ્લા બે વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે.

ડિસેમ્બર વર્ષ 2019માં તેમના પતિનો મિત્ર મયંક અંબાલાલ દેસાઇ (રહે. મકાન નંબર 231, ડબલ ડેકર, સેકટર-24) વીસી ચલાવતો હોવાથી તેઓ તેને ઓળખતા હતા. જેનાં કારણે મયંકે ત્રણ લાખની વીસી ચાલુ થતી હોવાની વાત કરી પંદર સભ્યો લેવાનું કહી 15 હપ્તા ભરવા માટે અનુષ્કારાનીનો વિશ્વાસ સંપાદન કરી લીધો હતો. અનુષ્કારાની પણ મયંક પતિનો મિત્ર હોવાથી તેના વિશ્વાસમાં આવી ગયા હતા.

જાન્યુઆરીમાં વીસી ચાલુ થતાં અનુષ્કારાની એ ગૂગલ પે મારફતે મયંકના ખાતામાં જાન્યુઆરી 2020થી માર્ચ 2021 સુધીમાં વીસીના હપ્તા પેટે ભાગમાં આવતી રકમ તબક્કાવાર ટ્રાન્સ્ફર કરી દીધી હતી. આમ અનુષ્કારાનીએ મયંકના ખાતામાં અત્યાર સુધીમાં વીસી પેટે. રૂ. 2.58 લાખ જમા કરાવી દીધા હતા. જેની સામે અનુષ્કારાનીને રૂ. 2.80 લાખની રકમ ચૂકવવાનું મયંક દેસાઈએ જણાવ્યું હતું.

એક મહિના પછી અનુષ્કારાનીએ ચૂકવવાની વીસીની રકમ માંગતા મયંક ગલ્લા તલ્લાં કરવા લાગ્યો હતો. જેને પણ ઘણો સમય વીતી જતાં પૈસાની ફરી માંગણી કરવામાં આવતા મયંક દેસાઈએ તારે જે થાય તે કરી લે પૈસા મળશે નહીં તારો પતિ અહીં નથી, ફરી પૈસા માંગ્યા તો જીવતી રહેવા નહીં દઉં તેવી ધમકી અનુષ્કારાનીને આપી હતી. જેનાં કારણે અનુષ્કારાનીએ મયંક દેસાઈ વિરુદ્ધ સેકટર-21 પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...