રાહદારીઓ બન્યા દેવદૂત:ગાંધીનગરના અડાલજ વોટર સાઈડ પાસેની નર્મદા કેનાલમાં નિરમા યુનિવર્સિટીના ચાર સ્ટુડન્ટ ડૂબ્યા, ત્રણનો આબાદ બચાવ એકની લાશ મળી

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કેનાલની પાળીએ ગઈકાલે ઢળતી સાંજે ફોટોગ્રાફી કરતી વેળાએ એક પછી એક યુવતી સહિત ચાર ડૂબ્યા હતા
  • રાહદારીઓએ દોરડાં - દુપટ્ટાનો રસ્સો બનાવી ત્રણને કેનાલની બહાર ખેંચી લીધા હતા

ગાંધીનગરના અડાલજ વોટર સાઈડ હોટલ નજીકની નર્મદા કેનાલમાં ગઈકાલે ઢળતી સાંજે નિરમા યુનિવર્સિટીના ચાર સ્ટુડન્ટ ફોટોગ્રાફી કરતા એક પછી એક પડ્યા હતા. જેમાં એક યુવતી તેમજ બે યુવાનોને રાહદારીઓએ દોરડા - દુપટ્ટાનો રસ્સો બનાવીને બહાર કાઢી લીધા હતા. જ્યારે આજે ત્રીજા યુવકની લાશ તરવૈયાની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી છે.

ગાંધીનગરના અડાલજ રોડ પર આવેલ રિવર સાઈડ નર્મદા કેનાલ પાસે ગઈકાલે સાંજના સમયે નિરમા યૂનિવર્સિટીનાં એમબીએના ચાર સ્ટુડન્ટ ફોટોગ્રાફી કરી રહ્યા હતા. એ સમયે ઝરમર વરસાદ પણ પડી રહ્યો હતો. ત્યારે ચારેય જણ કેનાલના ઢાળ પર જઈને ફોટો પાડવા લાગ્યા હતા. એજ અરસામાં એક વિદ્યાર્થીનો પગ લપસી ગયો હતો. અને જોત જોતામાં ચારેય વિદ્યાર્થી કેનાલમાં એકબીજાને બચાવવાના ચક્કરમાં પડ્યા હતા.

એ સમયે ત્યાંથી પસાર થતા હતા થતાં મયંકભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેનાલ પાસેના રોડ પરથી પસાર થતી વખતે ચીસાચીસ સંભળાઈ હતી. જેથી હું અવાજની દિશામાં પહોંચ્યો હતો. જ્યાં એક યુવતી અને બે યુવક કેનાલમાં ડુબી રહ્યા હતા. આ દરમિયાન અન્ય રાહદારી વાહનચાલકો પણ આવી પહોંચ્યા હતા.

બાદમાં રીક્ષા ચાલક પાસે દોરડું હતું. તેમજ બે ત્રણ એક્ટિવા સવાર મહિલાઓએ તેમનો દુપટ્ટો આપ્યો હતો. જેનો રસ્સો બનાવીને કેનાલમાં નાખ્યો હતો. જેને પકડીને યુવતીને બહાર ખેંચી લીધી હતી. જે બહાર આવતા જ તેના સાથી મિત્રોને બચાવવાની બૂમો પાડતી હતી. અમે લોકોએ દોરડું નાખવાંનું ચાલુ જ રાખ્યું હતું. જેને પકડીને બીજા બે યુવકોને પણ કેનાલની બહાર ખેંચી લીધા હતા. યુવતીએ તે સમયે કહેલું કે કેનાલની અંદર તરફ ફોટા પાડતા હતા. એ સમયે અંદર પડી ગયા હતા.

આ દરમ્યાન એક યુવક બહાર પણ નીકળી ગયો હતો. પરંતુ તેણીને બચાવવા તે ફરી પાછો કેનાલમાં કૂદી પડ્યો હતો. બંનેએ એકબીજાના હાથ પણ પકડી લીધા હતા. પરંતુ તે પછી હાથ છૂટી જતાં યુવક ગરકાવ થઈ ગયો હતો. બીજી તરફ ફાયર બ્રિગેડ ધ્વારા આજે સવારે ડૂબેલા યુવકની શોધખોળ કરાઈ હતી પરંતુ કેનાલમાં તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

બાદમાં સ્થાનિક તરવૈયાની ટીમ દ્વારા એક યુવકની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ અંગે અડાલજ પોલીસ મથકના એએસઆઈ દશરથભાઈએ જણાવ્યું હતું કે નિરમા યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થી ડૂબ્યા હોવાની વિગતો મળી છે. જેમાં ગઈકાલે ત્રણને લોકોએ બચાવી લીધા હતા. ફાયર બ્રિગેડ ધ્વારા ગઈકાલે પણ તપાસ કરાઈ હતી. હાલમાં મયંકરાજસિંગ કરણસીંગ રાઠોડ (ઉ. 22.,નાગદા, તા. ઉજ્જૈન, મધ્યપ્રદેશ)ની લાશ મળી આવી છે. પોસ્ટ મોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી ચાલી રહી હોવાથી બનાવ કેવી રીતે બન્યો તેની વિદ્યાર્થીઓની પૂછતાંછ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...