ગાંધીનગરના વાવોલનાં યુવાનને ઉછીના લીધેલા પૈસા પરત કરવાના બહાને લેણદાર સહિતના ચાર ઈસમો કોલવડા ગામની સીમમાં લઈ જઈ ધોકા - ગડદાપાટુનો ઢોર માર મારી નાસી જતાં પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના ન્યુ વાવોલ અક્ષર હોમ્સમાં રહેતા શ્રમજીવી કિરણ કાંતિભાઈ મોલીયાણા ગત તા. 4 ડિસેમ્બરના રોજ સવારના સમયે ઘરે હાજર હતો. ત્યારે અત્રેની સોસાયટી મકાન નંબર એ/201 માં રહેતો પંકજ પંડ્યાએ ફોન કરીને કહેલું કે ઉછીના આપેલા પૈસા મારે તને પરત કરવાના છે. જેથી તું વાવોલ પંચાયત પાસે આવી જા. જેથી કરીને કિરણ વાવોલ પંચાયત ખાતે ગયો હતો. જ્યાં પંકજની સાથે તેનો ભત્રીજો ટકો તથા મીતેશ પાટડીયા (રહે. ભુમિપાર્ક વાવોલ) અને જીતુ એમ ચાર જણા બાઇકો લઇને ઉભા હતા. એ વખતે પંકજે કહેલ કે તુ મારી સાથે ચાલ હું તને તારા પૈસા આપવી દઉં જેથી કિરણ તેના બાઇક ઉપર બેસી ગયો હતો. જ્યારે અન્ય ઈસમો બીજા બાઈક ઉપર હતા.
બાદમાં ચારેય જણાં કિરણને કોલવડા ગામની સીમ કેનાલ પાસે લઈ હતા. જ્યાં કિરણએ પૈસાની માંગણી કરતાં જ પંકજ એકદમ ગુસ્સે થઈ ગાળો ધોકો લઈને ફરી વળ્યો હતો. જેની સાથે ત્રણ ઈસમો પણ કિરણને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. બાદમાં કિરણને અધમુવો કરી ચારેય જણા નાસી ગયા હતા. જ્યાંથી કિરણ મોડી રાતના રિક્ષામાં બેસીને ઘરે પહોંચ્યો હતો. જેને હોસ્પિટલ લઈ જવા આવતાં ડાબી બાજુની પાંસળીમાં ફ્રેક્ચર હોવાનું નિદાન કરી દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.