ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલ સામેના હાઇવે રોડ પરથી વાહન ચેકીંગ દરમ્યાન ચીલોડા પોલીસે આઈસર ટેમ્પોમાં નાટક કંપનીના સજાવટનાં સામાનની આડમાં 45 હજાર 600 ની કિંમતનો વિદેશી દારૂનાં જથ્થાની હેરાફેરી કરતાં મુંબઈનાં ચાર ઈસમોને ઝડપી પાડી કુલ રૂ. 7 લાખ 46 હજાર 600 નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમમાં આવેલ આગમન હોટલ સામે હાઇવે રોડ ચીલોડા પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમ્યાન હિંમતનગર તરફથી એક બંધ બોડીનુ આઇશર ટેમ્પોને ઈશારો કરીને રોકવી દેવામાં આવ્યું હતું. જેમાં આગળનાં કેબીનમાં ડ્રાઇવર સહિત ચાર ઈસમો બેઠા હતા. જેમની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ રામપ્રકાશ ભરત યાદ (રહે. - જય જવાન સ્ટોર એ.સી. માર્કેટ, તાડદેવ તુલસી વાડી મુંબઇ), સલીમ તસલીમ ખાન (રહે. અગરી પાડા ઘાસ ગલી રંગમંચ સેટીંગ સર્વીસ મુંબઇ), જમીલ અબ્દુલ અજીજ ખાન, ગુલામ હાશીમ ગુલામ સાદીક(બન્ને રહે- અગરી પાડા ઘાસ ગલી રંગમંચ સેટીંગ સીંસ મુંબઇ) હોવાનુ જણાવ્યુ હતું.
બાદમાં પોલીસે ટેમ્પોમાં ભરેલ સામાન વિશે પૂછતાં અંદર નાટક કંપનીનો સજાવટનો સામાન ભર્યો હોવાનું કહ્યું હતું. જો કે પોલીસની કડકાઈથી ચારેયનાં મોતિયા મરી ગયા હતા. આ જોઈને પોલીસને ટેમ્પોમાં શંકાસ્પદ માલ ભર્યો હોવાનો અંદાજો આવી ગયો હતો. અને ટેમ્પોની તલાશી લેવાનું શરૂ કર્યું હતું.
જેમાં નાટક કંપનીનો સામાન એક પછી એક હટાવીને જોતા વિદેશી દારૂની ચાર પેટીઓ મળી આવી હતી. જેમાં દારૂની 48 નંગ બોટલો હતી. જે અંગે ચારેયની વધુ પૂછતાંછ કરતાં તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેનાં પગલે પોલીસે ચારેયની ધરપકડ કરી રૂ. 45,600 ની કિંમતનો દારૃ, મોબાઈલ ફોન, ટેમ્પો મળીને કુલ રૂ. 7,46,600 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.