ગાંધીનગરના જમીન દલાલે પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિત છ ઈસમોનાં ત્રાસના કારણે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ગઈકાલે કલોલના જમીન દલાલને દારૂનાં નશામાં માથાભારે ચાર ઈસમોએ ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કલોલ રેલ્વે પૂર્વ નારદીપૂર સોસાયટીમાં રહેતા જમીન દલાલ જીતેન્દ્રભાઈ શંકરભાઈ નાયક ગત રાત્રીના સમયે રેલ્વે પૂર્વ જય ભોલે પાર્લર નજીક ગાડીમાં બેઠા હતા. તે વખતે કલોલમાં રહેતો નાગજી ભાટી અને તેનો ભત્રીજો પિન્ટુ ભાટી બીજા બે અજાણ્યા ઈસમો ચિક્કાર દારૂના નશામાં જીતેન્દ્રભાઈની કારમાં આવીને બેસી ગયા હતા.
આ અરસામાં પિન્ટુએ જીતેન્દ્રભાઈનુ પાછળથી ગળું દબાવી લાફા ઝીંકી દીધા હતા અને તેમના બન્ને હાથ પકડી રાખી મારવા લાગ્યા હતા. બાદમાં દારૂના નશામાં ચારેય ઈસમોએ જીતેન્દ્રસિંહને ગાડીથી નીચે ઉતારી મારામારી શરૂ કરી દીધી હતી. જેમાં નાગજી ભાટીએ ધોકાથી માર માર્યો હતો અને તેના ભત્રીજા પિન્ટુ અને બે અજાણ્યા ઈસમોએ પણ ગડદાપાટુનો માર મારવાનું ચાલુ રાખ્યું હતું. આટલેથી સંતોષના થતાં નાગજી ભાટીએ જીતેન્દ્ર ભાઈના મોઢા પર એક પછી એક મુક્કા પણ માર્યા હતા. બાદમાં ટોળું એકઠું થઈ જતાં ચારેય દારૂડીયા નાસી ગયા હતા.
આ અંગે જીતેન્દ્ર ભાઈએ આક્ષેપ કર્યો હતો કે, જમીનનાં કામ અર્થે તેઓ ગઈકાલે ઉક્ત જગ્યાએ ઉભા હતા તે વખતે માથા ભારે નાગજી ભાટી અને તેનો ભત્રીજો બીજી ગાડીમાં બેસી દારૂની પી રહ્યા હતા. જેમણે મને પણ દારૂ પીવાની વાત કરતા મેં તેમને શ્રાવણ મહિનામાં દારૂ બંધ કરી દીધો હોવાનું જણાવ્યું હતું. આથી માથાભારે નાગજીએ દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા પણ મારી પાસે પૈસા ન હોવાથી તેઓએ મને માર મારી ગળામાંથી આશરે બે તોલા વજનની સોનાની ચેઇન પણ તોડી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.