બદનક્ષીનો દાવો:વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા, ઉપનેતા અને દંડક સામે ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો, આવતીકાલે સુનાવણી થશે

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજય રૂપાણીએ સત્તા દરમિયાન કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કર્યાની કોંગ્રેસે પત્રકાર પરિષદ કરી આક્ષેપો કર્યા હતા

તાજેતરમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, દંડક સી.જે. ચાવડા અને ઉપનેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદ યોજીને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાર્યકાળ દરમિયાનન કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું હોવાના કથિત આક્ષેપો કર્યા હતા. જેનાં પગલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વકીલ મારફતે ગાંધીનગરના 7માં એડિશનલ સિનિયર જજ કે.ડી પટેલની કોર્ટમાં પત્રકાર પરિષદ યોજનાર નેતાઓ સામે બદનક્ષીનો દાવો કર્યો છે. જે કેસની પહેલી સુનાવણી આવતીકાલે 4 માર્ચના રોજ ગાંધીનગર કોર્ટમાં થશે.

સુખરામ રાઠવા.
સુખરામ રાઠવા.

ગાંધીનગર કોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના વિપક્ષ નેતા-દંડક સહિતના સભ્યો વિરુદ્ધમાં ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. ગત 22મી ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં મીડિયા સમક્ષ કહેવામાં આવ્યું હતું કે, RTI થકી અલગ અલગ માહિતી પ્રાપ્ત થઇ છે. જેમાં રાજકોટમાં જૂદા જૂદા 20 સર્વે નંબરની સ્કૂલની એક જમીનના મૂળ માલિક સહારા ઇન્ડિયાએ જમીનમાં સરકારી તંત્રનો ઉપયોગ કરીને તેનો હેતુ ફેરબદલ કરવામાં આવ્યો છે જેના તાર પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુધી પહોંચે છે.

સી.જે. ચાવડા.
સી.જે. ચાવડા.

બીજી તરફ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સહારા ઇન્ડિયા હોમ કોર્પોરેશન જે સૌરાષ્ટ્રમાં તેમજ અન્ય જગ્યાએ ટાઉનશીપ બનાવે છે. આ કંપની એક રોડ કંપની છે. જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શહેરી વિકાસનો હવાલો સંભાળતા હતા. ત્યારે પૂર્વ મુખ્યમંત્રીએ જ પરિપત્ર બહાર પાડી બે મહિનાના સમયમાં એક પણ વાંધા અરજી આવી નથી તેવું સરકારે કહ્યું હતું. તેમજ આ સરકારે એ જ કંપનીને આ ઓર્ડર આપ્યા છે. આ સિવાય અન્ય બીજી કંપનીઓ દ્વારા પણ ઝોનફેર કરવાની અરજી કરવામાં આવી હતી, પરંતુ માત્ર સહારા કંપનીને જ વિજય રૂપાણીએ મંજૂરી આપી હોવાનો કથિત આક્ષેપ કર્યો હતો. આ બાબતે સીબીઆઇ તપાસની પણ માંગ કરવામાં આવી હતી.

શૈલેષ પરમાર.
શૈલેષ પરમાર.

ઉપરાંત કોંગ્રેસ પક્ષના પ્રવક્તાઓ દ્વારા પણ કથિત આક્ષેપ કરાયો હતો કે, રાજકોટમાં થયેલ જમીન કૌભાંડમાં રાજકોટ સિવાય પણ અન્ય જગ્યાએ પણ કૌભાંડ થયા છે. ત્યારે આ આક્ષેપોને ધ્યાનમાં લઇને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટનાં 7માં એડિશનલ સિનિયર જજ કે.ડી પટેલની કોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કરવામાં આવતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જે કેસની પહેલી સુનાવણી આવતીકાલે ચોથી માર્ચના રોજ ગાંધીનગર કોર્ટમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...