કોરોના સામે જંગ:પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના મહામારીમાં લોકોની મદદે આવ્યા, સોશિયલ મીડિયામાં અનેક લોકો ફરિયાદ કરે છે

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા અને ફોન પર મળતી ફરિયાદને લઈ તાત્કાલિક મદદ અને સારવારની ખાતરી આપે છે

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં બીમાર લોકો હોય કે પછી પોઝિટિવ દર્દીઓના પરિવારજનો હોય તેમના ટેસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા નથી તેવી અનેક ફરિયાદો ઉઠી રહી છે. સરકાર અને કોર્પોરેશનને અનેક રજુઆત કરવા છતાં તંત્ર સાંભળતું નથી. ત્યારે કોરોનાની મહામારીમાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં NCPના નેતા શંકરસિંહ વાઘેલા સક્રિય થયા છે. સોશિયલ મીડિયા મારફતે અને ફોન પર મળતી ફરિયાદોને લઈ તેઓ તાત્કાલિક પોતાની ટીમને પરિવારની મદદે મોકલે છે અને ખુદ પોતે અધિકારીઓ સાથે વાત કરી અને સારવાર તેમજ ટેસ્ટ માટે  જાણ કરે છે. કોંગ્રેસ અને શાસક પક્ષ પાસે મદદ માંગતા તેઓની તરફથી મદદ ન મળતા હવે લોકો પૂર્વ મુખ્યમંત્રીની મદદ માંગી રહ્યા હોવાનો તેમનો દાવો છે.
તંત્રની બેદરકારી અને ટેસ્ટની ફરિયાદો
એકતરફ કોરોનાના કેસો અમદાવાદમાં વધી રહ્યા છે. ટેસ્ટિંગ ઘટાડી દેવામાં આવ્યા છે. અનેક લોકો સરકારના તંત્ર અને કોર્પોરેશનની બેદરકારીનો ભોગ બની રહ્યા છે. NCPના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોનાની મહામારીમાં લોકોની મદદે આવી રહ્યા છે. અનેક લોકો શંકરસિંહ વાઘેલાને સોશિયલ મીડિયામાં તંત્રની બેદરકારી અને ટેસ્ટ અંગે ફરિયાદ કરી રહ્યા છે. આવી ફરિયાદ મળતાં તાત્કાલિક શંકરસિંહ દ્વારા સોશિયલ મીડિયામાં રિપ્લાય આપી મદદની ખાતરી આપવામાં આવે છે અને મદદ કરવામાં આવી રહી છે.  
શિક્ષકના મોત બાદ પરિવારે AMCને ટેસ્ટની રજુઆત ધ્યાને ન લીધી
અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને સરકારી શિક્ષકના કોરોનાથી થયેલા મોત બાદ પરિવારના તમામ લોકોને લક્ષણ જણાતાં AMCને ટેસ્ટ માટે વારંવાર રજુઆત કરી હતી છતાં તેઓ ટેસ્ટ કરવા આવતા ન હતા. તેઓએ શંકરસિંહ વાઘેલાને ટ્વીટ કરી અને મદદ માંગતા તેઓએ તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરી અને વાત કરતા AMCની ટીમ બે કલાકમાં જ પોહચી સેમ્પલ લીધાં હતાં.

તાયફાઓ બંધ કરી ટેસ્ટ વધારવા માંગ
ટ્વિટર પર બાપુએ સરકારની કામગીરી સામે પણ સવાલ ઊભા કર્યા હતા. ટેસ્ટ અને કોરોનાનાં ટેસ્ટ મામલે તેઓએ ટ્વિટ કર્યું હતું કે ‘જીતશે ગુજરાત’ અને ‘હું પણ કોરોના વોરિયર્સ’
શું છે આ બધું ? આ બધી જાહેરાતોમાં પૈસા બગાડવા કરતા લોકોના ટેસ્ટ વધારો અને સારવારમાં પૈસા વાપરો. આ બધા તાયફાઓ બંધ કરો.

અન્ય સમાચારો પણ છે...