વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. એવામાં ચીલોડા પોલીસે ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલ સામે હિંમતનગર હાઇવે રોડ પર નાકા બંધી કરી પૂર્વ બાતમીના આધારે ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવીને ઇનોવા કારમાં લઈ જવાતો વિદેશી દારૂની કુલ 1868 નંગ બોટલોના જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ કરીને રૂ. 7.51 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીને લઈને દેશી વિદેશી દારૂની હેરફેર અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ શરૂ કરી વાહન ચેકીંગ શરૂ કરી દેવાયું છે. જે અન્વયે ચીલોડા પોલીસ ધ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીગ વધારી મહત્વના રોડ રસ્તાઓ ઉપર નાકા પોઇન્ટ ઉભા કરી શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ચંદ્રાલા ગામે આગમન હોટલ સામે હિતનગર તરફથી આવતા હાઇવે રોડ ઉપર પોલીસ વાહન ચેકીંગ દરમ્યાન બાતમી મળી હતી કે, ઇનોવા ગાડીમાં (GJ18AB9129) ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરીને હિંમતનગર તરફથી આવી રહી છે.
જે બાતમી આધારે પોલીસે ઉક્ત સ્થળે વોચ ગોઠવી દેવાઈ હતી. ત્યારે બાતમી મુજબની ગાડી આવી પહોંચતા તેને રોકવા કોશિશ કરવામાં આવી હતી. પરંતુ ચાલકે પોલીસનો ઘેરો તોડીને ગાડીને પૂરપાટ ઝડપે હંકારી મુકી હતી. જેનાં પગલે પોલીસની ટીમે ખાનગી વાહનમાં ઇનોવા ગાડીનો પીછો કર્યો હતો. અને ગાડીને માધવગઢ ગામની સીમ સાદરા રોડ ઉપર આંતરી લીધી હતી. જો કે એક ઈસમ ભાગી જવામાં સફળ રહ્યો હતો.
બાદમાં પોલીસે ગાડીના ડ્રાઈવરની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ વિજયકુમાર કાનાનારણ ખરાડી(રહે.રાજનગર ફળીયુ બલીચા ગામ તા.નયાગાવ જી.ઉદયપુર) હોવાનું જણાવી ભાગી ગયેલ ઈસમનું નામ સતિષ (રહે.કાંકરા ડુંગરા તા.ખેરવાડા જી.ઉદયપુર) હોવાની કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે ગાડીની તલાશી લેતાં અંદર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ - 1869 નંગ દારૃની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ચીલોડા પીઆઈ એ એસ અસારીએ જણાવ્યું હતું કે, ઇનોવા ગાડીની નંબર પ્લેટની તપાસ કરતાં ખોટી હોવાનું જાણવા મળ્યું છે. ડ્રાઈવરની ધરપકડ કરીને રૂ. 2 લાખ 49 હજાર 300 ની કિંમતનો દારૂનો જથ્થો, મોબાઈલ ફોન અને ગાડી મળીને કુલ રૂ. 7 લાખ 51 હજાર 300 નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.