દુધની આડમાં દારૂની હેરાફેરી:ગાંધીનગરમાં અમૂલ દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂ ઝડપાયો, બે વાહનો સાથે રૂ. 15.06 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમૂલની ગાડીને નિયત સ્થળે પહોંચાડવા પાયલોટિંગ કરતી અર્ટિગા કાર સાથે ડ્રાઇવરને ઝડપી લેવામાં આવ્યો
  • અમૂલ દૂધના ટેન્કરનો ચાલક નાસી જવામાં સફળ નિવડ્યો

ગાંધીનગરના સોનીપુર - કોલવડા રોડ પરથી એલસીબી ટીમે અમૂલ દૂધના ટેન્કરમાંથી 7668 નંગ વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જોકે તેનો ડ્રાઈવર નાસી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે અમૂલ ગાડીને સહી સલામત નિયત સ્થળે પહોંચાડવા માટે પાયલોટિંગ કરતી અર્ટિગા કાર સાથે ડ્રાઇવરને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દારૂના જથ્થો તેમજ બે વાહનો મળી કુલ રૂ. 15.06 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

જિલ્લા પોલીસની ધોંશ વધતાં બુટલેગરો વિદેશી દારૂની હેરફેર માટે અવનવા કીમિયા અજમાવી પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરતા હોય છે. અમૂલ દૂધના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ પહોંચે તે પહેલાં જ એલસીબી દ્વારા ઝડપી લઈ આ કીમિયો પણ નાકામ કરી દેવામાં આવ્યો છે.

ગઈકાલે નોમનાં દિવસે રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં પેથાપુર પોલીસ પણ બંદોબસ્તમાં હતી. ત્યારે દારૂની હેરાફેરી ઝડપી લેવા એલસીબીની ટીમ પેથાપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમિયાન એલસીબી પીઆઈ જે એચ સિંધવને બાતમી મળી હતી કે, સોનીપુર - કોલવડા રોડ પરથી અમૂલ દૂધના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ રવાના થવાનો છે.

જે અન્વયે એલસીબીની ટીમે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી હતી. અને અમૂલ દૂધનાં ટેન્કરને ઝડપી લેવાયું હતું. જેમાં તપાસ કરતાં પોલીસને અંદરથી અલગ અલગ બ્રાંચની 7668 નંગ વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જો કે ગાડીનો ડ્રાઈવર પોલીસની આંખમાં ધૂળ નાખી નાસી જવામાં સફળ રહ્યો હતો.

બીજી તરફ અમૂલ દૂધના ટેન્કરમાં ભરેલ વિદેશી દારૂના જથ્થાને સહી સલામત રીતે અમદાવાદ પહોંચાડવા માટે પાયલોટિંગ કરતી અર્ટિગા કાર સાથે ડ્રાઇવર કલ્પેશ ધીરુભાઈ વાઘેલાને (રહે. હંસ પ્રતાપ સોસાયટી, નવી સિવિલ હોસ્પિટલ પાછળ, શાહીબાગ) ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછતાંછમાં અમદાવાદના સોનું સિંધી એ રાજસ્થાનથી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે વિદેશી દારૂની બોટલોનો જથ્થો, અમૂલનું ટેન્કર અને કાર મળીને કુલ રૂ. 15 લાખ 5 હજાર 948નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...