ગાંધીનગરનાં ધોળાકુવા નજીકના ફન વર્લ્ડ પાર્કમાં ચાલતાં વિદેશી દારૂના કારોબારનો ઈન્ફોસિટી પોલીસે પર્દાફાશ કરીને ગામનાં બે બુટલેગરોને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે 70 હજાર 416ની કિંમતની વિદેશી દારૂની 192 બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે દિવસ પહેલા પણ બુટલેગર મૂકેશ ઠાકોરનાં બે ફોલ્ડરને પોલીસે ઝડપી પાડી વિદેશી દારૂની હાટડી બંધ કરાવી દેવાઈ હતી.
દારૂના વેંચાણ કરવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો
રાજ્યના પાટનગર ગાંધીનગરનું ધોળાકુવા ગામ વિદેશી દારૂના વેચાણનું એપી સેન્ટર બની ગયું હોય એમ રોજબરોજ દારૂનો વેપલો ચલાવતા ઈસમો ઝડપાઈ રહ્યા છે. હજી બે દિવસ પહેલા જ ધોવાકુવા ઈંદ્રોડા પાર્ક નજીક જંગલ વિસ્તારની ઝાડીમાંથી ગામના રીઢા બુટલેગર મૂકેશ ઠાકોરનાં બે ફોલ્ડરને દારૂનો વેપલો કરતાં રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યાં હતા. હજી આ ઘટનાની શાહી સુકાઈ નથી એવામાં ગામનાં અન્ય બે બુટલેગરો દ્વારા નધણિયાત અવાવરુ ફન વર્લ્ડ પાર્કમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને દારૂના વેંચાણ કરવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
દારૂની 192 બોટલો મળી આવી
ઈન્ફોસિટી પોલીસની ટીમ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન બાતમી મળેલ કે, ધોળાકુવા ગામના પાટીયા ખાતે બહુચર પાર્લર અને અવાવરુ ફન વર્લ્ડના પાર્કમાં વિદેશી દારૂનો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. જેનાં પગલે પોલીસ ટીમે ઉક્ત સ્થળોએ દરોડો પાડીને બે શખ્સોને શંકાસ્પદ હિલચાલ કરતાં ઝડપી પાડી પૂછતાંછ કરતાં તેમણે પોતાના રમેશજી બાબુજી ઠાકોર(રહે મોટો ઠાકોર વાસ,ધોળાકુવા) અને જયંતિજી અમરાજી ઠાકોર(રહે નાનો ઠાકોર વાસ ધોળાકુવા) હોવાનું જણાવ્યું હતું. બાદમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે ફન વર્લ્ડના પાર્ક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે પાર્કનાં સ્ટોર રૂમમાં ખાખી કલરના ખોખામાંથી વિદેશી દારૂની 192 બોટલો મળી આવી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
જે અંગે બંનેની પૂછતાંછ કરતાં તેમણે કબૂલાત કરી હતી કે, વિદેશી દારૂનો જથ્થો અત્રે સંતાડીને બહુચર પાર્લરની આડમાં કારોબાર ચલાવી રહ્યા હતા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરીને દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને તેની પાછળ અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહીં તેની વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.