ગ્રાન્ટમાં વધારો જાહેર કરાશે:સતત બીજા વર્ષે કોર્પોરેશનના બજેટમાં કોર્પોરેટર્સની ગ્રાન્ટમાં વધારો જાહેર કરાશે

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયી સમિતિ સુધારા-વધારા સાથે બજેટ મંજૂર કરશે, કદ હજાર કરોડ થાય તેવી શક્યતા

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાંગલે દ્વારા 5 જાન્યુઆરીના રોજ વર્ષ 2022-23નું રિવાઇઝ બજેટ તેમજ વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ સ્ડેન્ડિંગ કમિટી સામે રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 264 કરોડની પુરાંત સાથે નાણાકીય વર્ષ 2023-24નું 944 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આજે સ્થાયી સમિતિની બેઠકમાં સુધારા-વધારા સાથે બજેટને મંજૂર કરવામાં આવશે. આધારભૂત સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કમિશનરે રજૂ કરેલુ 944 કરોડનું બજેટ વધારા સાથે 1 હજાર કરોડને આસપાસ પહોંચે તેમ છે.

જેમાં સૌથી મહત્વની વાત છે કે કોર્પોરેટર્સની ગ્રાન્ટમાં સતત બીજા વર્ષે વધારો થશે. 2022-23ના બજેટમાં મેયરને મળતી વાર્ષીક 2 કરોડની ગ્રાન્ટમાં 40 લાખનો વધારો કરાયો છે. તે જ રીતે ચેરમેન તથા ડેપ્યુટી મેયરની 25-25 લાખની ગ્રાન્ટ વધારીને 30-30 લાખ કરાઈ હતી. જ્યારે કોર્પોરેટર્સ સુચનના કામોમાં વાર્ષીક 13.50 લાખની ગ્રાન્ટ હતી, જેમાં 3 લાખનો વધારો કરીને 16.50 લાખ કરાઈ હતી. ત્યારે હવે આ વખતે પણ કોર્પોરેટર્સની ગ્રાન્ટમાં 50 હજારથી લઈને 1 લાખ સુધીનો વધારો થાય તેમ છે. આ વખતના બજેટમાં 54 ટકા ભૌતિક આંતમાળખાકીય સુવિધાઓ માટે ખર્ચ કરશે. 16 ટકા ખર્ચ સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ માટે, 15 ટકા સફાઈ માટે, 2 ટકા આરોગ્ય માટે, 2 ટકા શિક્ષણ માટે ખર્ચ કરવાનું આયોજન કરાયું છે.

પ્રોપર્ટી ટેક્સ વધતાં બજેટના કદમાં વધારો થશે!
ગાંધીનગર કોર્પોરેશન દ્વારા મિલકતવેરાના સામાન્ય દરોમાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચો. મી. 1.25 રૂપિયા જ્યારે બિનરહેણાંક મિલકતોમાં પ્રતિ ચો. મી. 2.25 રૂપિયાનો વધારો કર્યો છે. બીજી તરફ જંત્રીના દરો પણ આગામી સમયે ડબલ થવાથી પણ કોર્પોરેશનની આવકમાં સીધો વધારો થશે. જેની સીધી અસરથી બજેટનું કદ વધશે એટલે મ્યુનિસિપલ કમિશનરને રજૂ કરેલું 944 કરોડનું બજેટ હજાર કરોડની આસપાસ પહોંચે તો નવાય નહીં.

કોર્પોરેશનના નવા ભળેલા વિસ્તારો માટે જાહેરાત કરવામાં આવશે
જુન-2020માં ગાંધીનગર કોર્પોરેશનમાં 18 ગ્રામપંચાયત અને પેથાપુર નગરપાલિકાનો સમાવેશ થયો હતો. જેને પગલે કોર્પોરેશન દ્વારા આ વિસ્તારોને જૂના વિસ્તારની સમકક્ષ સુવિધાઓ આપવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આ વખતે પણ નવા વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણ માટેની કેટલીક જાહેરાતો આજે થાય તેમ છે. જેમાં નવી આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર ઉપરાંત કોમ્યુનિટિ હોલ, ગાર્ડન જેવી કેટલીક જાહેરાતો થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...