તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાગરખેડુઓને સહાય:તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે સહાય પેકેજ જાહેર કરાયું. - Divya Bhaskar
તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે સહાય પેકેજ જાહેર કરાયું.
  • વાવાઝોડાથી માછીમારો અને નાનાં-મોટાં બંદરોને થયેલા નુકસાન સામે પહેલીવાર રૂ.105 કરોડનું રાહત પેકેજ
  • મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને-નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોર કમિટીએ સર્વગ્રાહી રાહત સહાય પેકેજ મંજૂર કર્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયાકિનારાના સાગરખેડુ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પુન:બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 105 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઊર્જામંત્રી સૌરભ પટેલ, મત્સ્યોદ્યોગમંત્રી જવાહર ચાવડા અને મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, એસી.એસ. પંકજકુમાર અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાય અને કમિશનર ડી.પી.દેસાઇ જોડાયા હતા.

રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર માછીમારો માટે 105 કરોડનું રાહત પેકેજ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ રાહત સહાય પેકેજની વિગતો આપતાં કહ્યું હતું કે સાગરખેડુ-માછીમારોને તાઉ-તે વાવાઝોડાથી થયેલા વ્યાપક નુકસાનમાંથી પુન:બેઠા કરવા અને પૂર્વવત કરવાની સંપૂર્ણ સંવેદનાથી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલું વિશાળ 105 કરોડ રૂપિયાનું ઉદારતાવાળું પેકેજ સરકારે જાહેર કર્યું છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ગુજરાતના, ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલાં બંદરો- જાફરાબાદ, રાજુલા, સૈયદરાજપરા, શિયાળબેટ, નવાબંદર સહિતનાં બંદરોને ધમરોળીને કલાકના 220 કિ.મીની ઝડપે ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાથી દરિયો પણ તોફાની થયો હતો. આને પરિણામે માછીમારોની ફિશિંગ બોટ, મોટા ટ્રોલર, હોડીઓ સહિત અમુક કિસ્સાઓમાં મત્સ્ય બંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટે પાયે નુક્સાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો છે.

કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ સહાય પેકેજ જાહેર.
કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ સહાય પેકેજ જાહેર.

સાગરખેડુઓની બોટને વાવાઝોડામાં નુકસાન
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 1600 કિ.મીનો સૌથી લાંબો સમુદ્રકિનારો ધરાવતા ગુજરાતમાં પોરબંદરથી ઉમરગામ સુધીની દરિયાઇપટ્ટીમાં નાનાં-મોટાં મત્સ્ય બંદરો પરથી અનેક સાગરખેડુ પરિવારો દરિયો ખેડીને માછલી-ઝિંગા જેવાં મત્સ્ય ઉત્પાદનો મેળવી એના વેચાણથી પોતાની આજીવિકા રળીને નિર્વાહ કરતા રહ્યા છે. તાજેતરમાં આ વિનાશક તાઉ-તે વાવાઝોડાએ આવા સાગરખેડુ ભાઇઓની મત્સ્ય હોડીઓ, ફાઇબર બોટ અને ટ્રોલર તેમજ માછીમારી પરિવારોનાં કાચા-પાકા મકાનો, બંદર પર બોટ લાંગરવાની સુવિધા-જેટી અને અન્ય માળખાકીય સગવડોને નુક્સાન કર્યું છે.

મંત્રી-અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સર્વે કર્યો
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મત્સ્યોદ્યોગ માટેના આ રાહત પેકેજ જાહેર કરતાં પૂર્વે રાજ્યના મત્સ્ય ઉદ્યોગ-બંદર વિભાગના મંત્રી જવાહરભાઇ ચાવડા અને સચિવ નલિન ઉપાધ્યાય સહિતના વરિષ્ઠ અધિકારીઓએ અસરગ્રસ્ત જિલ્લા અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથનાં બંદરોની પ્રત્યક્ષ સ્થળે મુલાકાત લઇને માછીમાર પરિવારોને થયેલા હોડીઓ, મોટી બોટ, ટ્રેલર તેમજ જેટી-બંદરોને થયેલા નુક્સાનનો સર્વગ્રાહી સર્વે સ્થાનિક માછીમોરોની રજૂઆતો ધ્યાને લઇને કર્યો હતો.

નાનાં-મોટાં બંદરોમાં મરામત માટે 80 કરોડ ફાળવાયા.
નાનાં-મોટાં બંદરોમાં મરામત માટે 80 કરોડ ફાળવાયા.

બંદરોના નુકસાનની મરામત માટે 80 કરોડનું પેકેજ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા રાહત પેકેજમાં 25 કરોડ રૂપિયા સાગરખેડુ-માછીમારોની બોટ, ટ્રોલર, ફિશિંગનેટ વગેરેને થયેલા નુક્સાન રાહત પેટે તેમજ 80 કરોડ રૂપિયા, મત્સ્ય બંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે મળીને કુલ રૂપિયા 105 કરોડનું આ પેકેજ છે. આ પેકેજની અન્ય વિશેષતાઓ વિશે જોઇએ તો નુકસાન પામેલી બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસીદીઠ ઉચ્ચક રૂ. 2000ની સહાય તેમનાં ખાતાંમાં સીધા DBTથી ચૂકવવામાં આવશે.

રાહત-સહાય પેકેજની મુખ્ય બાબતો

  • બોટ જાળ/સાધનસામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના 50 ટકા અથવા રૂ. 35,000 સુધી સહાય, બેમાંથી જે ઓછું હોય એ મળવાપાત્ર થશે.
  • અંશત નુકસાન પામેલી નાની બોટના કિસ્સામાં 50% અથવા રૂ. 35,000 સહાય, બેમાંથી જે ઓછું હોય એ મળવાપાત્ર થશે.
  • જો નાની બોટ પૂર્ણ નુકસાન પામી હશે તો આવી બોટની કિંમતના 50% અથવા રૂ. 75,000, બેમાંથી જે ઓછું હોય એ આપવામાં આવશે.
  • અંશતઃ નુકસાન પામેલાં ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં 50% અથવા રૂ. 2 લાખ, બેમાંથી જે ઓછું હોય એ ઉચ્ચક સહાય અપાશે.
  • આ ઉપરાંત રૂપિયા 5 લાખ સુધીની લોન કોઇ માછીમાર લે તો એના પર 10 ટકા સુધીના વ્યાજમાં સહાય, 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.
  • પૂર્ણ નુકસાન પામેલાં ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં એની કિંમતના 50 ટકા અથવા રૂપિયા 5 લાખ, બેમાંથી જે ઓછું હશે એ ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે.
  • આ ઉપરાંત રૂપિયા 10 લાખ સુધીની લોન પર 10 ટકા સુધીના વ્યાજમાં સહાય, 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.
  • ઈન્પુટ સબસિડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટરદીઠ રૂપિયા 8200 પ્રમાણે સહાય અપાશે

બંદરોમાં નુકસાનની મરામત અને નવીનીકરણ માટે સહાય

  • હયાત જેટીનું વિસ્તરણ કરી 500મી. લંબાઈની નવી જેટી બનાવવી.
  • બ્રેક વોટરની દુરસ્તી.
  • લાલબત્તી વિસ્તારમાં વાર્ફ વોલ સાથેની પાર્કિંગ સુવિધા ઊભી કરવી.
  • ટી-જેટી વિસ્તારમાં પાર્કિંગ સુવિધા ઊભી કરવી.
  • હયાત જેટીની સર્ફેસમાં તેમજ ઈલેક્ટ્રિક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલા નુકસાનની મરામત.
  • નુકસાન થયેલી જેટીને દુરસ્તી તથા વિસ્તરણ.
  • ઈલેક્ટ્રિક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલા નુકસાનની મરામત.
  • વાર્ફ વોલ અને સ્લોપ પિચિંગને થયેલા નુકસાનની મરામત અને મજબૂતીકરણ.
  • ઈલેક્ટ્રિક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલા નુકસાનની મરામત.
  • જેટી, બોલાર્ડ અને સ્લોપ પિચિંગને થયેલા નુકસાનની મરામત અને મજબૂતીકરણ.
  • ઈલેક્ટ્રિક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલા નુકસાનની મરામત.
  • મત્સ્ય ઉતરાણ કેન્દ્રો પર ડિસિલ્ટેશનની કામગીરી માટે પણ રાજ્ય સરકાર સહાય કરશે.