ગાંધીનગર જિલ્લા પંચાયતમાં દાયકાઓથી મદદનીશ જિલ્લા ખેતીવાડી અધિકારીની ક્લાસ-2ની જગ્યાને ક્લાસ-1ની મંજુરી ગત 30મી, એપ્રિલ-2022ના રોજ મળી હતી. જેને પરિણામે મંગળવારના રોજ ક્લાસ-1 જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે જે.એસ.પટેલને મુકવામાં આવ્યા છે. રાજ્યના પાટનગર તરીકે ગાંધીનગરના બનાવવામાં આવતા જ એક જ તાલુકો હોવાથી ગાંધીનગર જિલ્લા પંચાયતમાં મદદનીશ જિલ્લા ખેતીવાડીની અધિકારીની જગ્યા ક્લાસ-2 રહેતી હતી.
જોકે ત્યારબાદ ગાંધીનગર જિલ્લામાં દહેગામ, કલોલ અને માણસા તાલુકા ભળવા છતાં મદદનીશ જિલ્લા ખેતીવાડી અધિકારીની જ જગ્યા રહેવા પામી હતી. આથી છેલ્લા એક દાયકાથી ગાંધીનગર જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીની ક્લાસ-1ની જગ્યા કરવા રજુઆત કરવામાં આવી રહી હતી. જેને પરિણામે એક દાયકાની લડત બાદ ગાંધીનગર જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગને ક્લાસ-1ની જગ્યા મંજુર કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ગત તારીખ 30મી, એપ્રિલ-2022ના રોજ ગાંધીનગર જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ માટે ક્લાસ-1 જિલ્લા ખેતીવાડી અધિકારીની જગ્યા મંજુર કરવામાં આવી હતી. તે દરમિયાન રાજ્યના કૃષિ વિભાગ દ્વારા તમામ જિલ્લાના ખેતીવાડી વિભાગના મદદનીશ ખેતીવાડી અધિકારીઓ સહિતની બદલીઓ કરવામાં આવી હતી. તેમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં મદદનીશ ખેતીવાડી અધિકારી તરીકે એસ.વી.પટેલને મુકવામાં આવ્યા હતા.
જોકે ક્લાસ-1 જિલ્લા ખેતીવાડી અધિકારીની જગ્યા મંજુર થઇ હોવાથી અમદાવાદ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા જે.એસ.પટેલની ગાંધીનગર જિલ્લા પંચાયતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે બદલી કરવામાં આવતા તેઓએ મંગળવારે ચાર્જ સંભાળી લીધો હોવાનું જિલ્લા પંચાયતના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.